શ્રીપ્રકાશ (જ. 3 ઑગસ્ટ 1890, વારાણસી; અ. 23 જૂન 1971, વારાણસી) : મુંબઈ રાજ્ય (પાછળથી મહારાષ્ટ્ર), તામિલનાડુ તથા આસામના ગવર્નર, પાકિસ્તાનમાં ભારતના પ્રથમ હાઇકમિશનર (1947-49) અને કેન્દ્ર સરકારમાં વાણિજ્યમંત્રી (1950-51) તથા કુદરતી સંસાધનો તથા વૈજ્ઞાનિક સંશોધનના મંત્રી (1951-52). તેમનો જન્મ વારાણસીના અગ્રવાલ (વૈશ્ય) કુટુંબમાં થયો હતો. તેમનું કુટુંબ પરોપકાર, સમૃદ્ધિ અને વિદ્વત્તા વાસ્તે પ્રસિદ્ધ હતું. તેમના પિતાશ્રી ડૉ. ભગવાનદાસ જાણીતા તત્વજ્ઞાની, ચિંતક અને લેખક હતા. ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે સદ્ભાવ રાખતા તથા પંડિતાઈ માટે નોંધપાત્ર હતા. ડૉ. ભગવાનદાસને ‘ભારતરત્ન’નો ખિતાબ મળ્યો હતો. શ્રીપ્રકાશની માતાનું નામ ચમેલીદેવી હતું.
ઈ. સ. 1911માં તેઓ અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. વધુ અભ્યાસાર્થે તેઓ કેમ્બ્રિજ ગયા. ત્યાં 1913માં તેમણે ‘હિસ્ટરી ટ્રિપોસ’ અને બીજે વર્ષે ‘લૉ ટ્રિપોસ’ની ડિગ્રીઓ મેળવી. તેઓ ‘બાર ઍટ લૉ’ પણ થયા.
શ્રીપ્રકાશ કાયદાના વ્યવસાય પ્રત્યે આકર્ષાયા નહિ અને 1914-17 સુધી ત્રણ વર્ષ માટે તેમણે સેન્ટ્રલ હિંદુ કૉલેજ, વારાણસીમાં અધ્યાપક તરીકે કામ કર્યું. પછી અલ્લાહાબાદના સામયિક ‘લીડર’માં મદદનીશ સંપાદક તરીકે જોડાયા. ત્યાં તેમણે ‘ભારતીય પત્રકારત્વના પોપ’ તરીકે જાણીતા, તે અખબારના સંપાદક સી. વાય. ચિંતામણિના માર્ગદર્શન હેઠળ કામ કર્યું. તે પછી મોતીલાલ નહેરુએ શરૂ કરેલ અખબાર ‘ઇન્ડિપેન્ડન્ટ’ના તેઓ મદદનીશ સંપાદક બન્યા.
શ્રીપ્રકાશ તેમના કાકા ગોવિંદદાસના પ્રભાવથી રાજકારણમાં રસ લેવા લાગ્યા. યુવાનવયે તેમના ઉપર શ્રીમતી એની બેસન્ટનો પણ પ્રભાવ પડ્યો હતો. ઈ. સ. 1911માં તેઓ થિયોસૉફિકલ સોસાયટીમાં જોડાયા. તેઓ જવાહરલાલ નહેરુના મિત્ર હતા. આચાર્ય જે. બી. કૃપાલાણી, આચાર્ય નરેન્દ્ર દેવ અને સંપૂર્ણાનંદ કાશી વિદ્યાપીઠમાં તેમના સહકાર્યકર હતા.
વારાણસીની હોમરૂલ લીગની શાખામાં જોડાઈને તેમણે પોતાની રાજકીય કારકિર્દી આરંભી. ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના 1918થી 1945 સુધી તેઓ સભ્ય હતા. તેમણે 1921ની અસહકારની ચળવળમાં ભાગ લીધો. વારાણસીની નગરપાલિકાના સભ્ય તરીકે 1921 અને 1923માં તેઓ ચૂંટાયા હતા. 1928થી 1934 દરમિયાન ઉત્તર પ્રદેશની પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના અને 1929થી 1931 દરમિયાન કૉંગ્રેસની મહાસમિતિના તેઓ મહામંત્રી હતા. તેઓ ઉત્તર પ્રદેશની (સંયુક્ત પ્રાંતો) પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના પ્રમુખ (193435), ઉત્તર પ્રદેશની (સંયુક્ત પ્રાંતો) રાજકીય પરિષદના પ્રમુખ (1934) અને લખનૌની કૉંગ્રેસની બેઠકની સ્વાગત સમિતિના અધ્યક્ષ (1936) હતા. તેઓ 1934માં અને ફરીવાર 1945માં કેન્દ્રની ધારાસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને ચર્ચાઓ દરમિયાન મહત્વનું પ્રદાન કરીને જાણીતા થયા હતા. તેમણે દેશની સ્વતંત્રતા માટેની 1930ની સવિનય કાનૂન-ભંગની ચળવળમાં, 1932માં નાકરની લડતમાં અને 1941માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લઈને જેલની સજા ભોગવી હતી. 1942માં ‘હિંદ છોડો’ લડત દરમિયાન હિંદ સંરક્ષણ ધારા હેઠળ તેમને અટકાયતમાં રાખવામાં આવ્યા હતા.
ઈ. સ. 1946માં, ઉત્તર પ્રદેશમાંથી તેમને ભારતની બંધારણીય સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા. ભારત સ્વતંત્ર થતાં તેમને પાકિસ્તાનમાં ભારતના પ્રથમ હાઇકમિશનર નીમવામાં આવ્યા. 1947થી 1949 દરમિયાન બે વર્ષ માટે આ હોદ્દા પર સેવા આપીને તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચેની કેટલીક જટિલ સમસ્યાઓ હલ કરી. તે પછી 1950માં પાકિસ્તાન, મ્યાનમાર (બર્મા) અને ચીનની સરહદો ધરાવતા આસામ રાજ્યના ગવર્નર તરીકે તેમને નીમવામાં આવ્યા. તે પછી કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં વાણિજ્ય (1950-51) તથા કુદરતી સંસાધનો અને વૈજ્ઞાનિક સંશોધન (1951-52) ખાતાના મંત્રી તરીકે તેમણે સેવા આપી. ઈ. સ. 1952થી 1956 દરમિયાન તેમણે તામિલનાડુના ગવર્નર તરીકે કામ કર્યું. આ દરમિયાન ત્યાંના મુખ્યમંત્રીઓ સી. રાજગોપાલાચારી અને કામરાજ સાથે તેમને સરસ ફાવતું હતું. 1956થી 1962 સુધી તેમણે મુંબઈ રાજ્ય(પછીથી મહારાષ્ટ્ર)ના ગવર્નર તરીકે કામ કર્યું. તે પછી વિદ્યાકીય કાર્યો કરવા તેમણે રાજપુર(દેહરાદૂન, ઉત્તરાંચલ)માં વસવાટ કર્યો.
અસહકારની ચળવળ (1920-22) વખતે રાષ્ટ્રીય શિક્ષણ આપવા વાસ્તે સ્થાપેલ કાશી વિદ્યાપીઠના સ્થાપક ડૉ. ભગવાનદાસ સાથે શ્રીપ્રકાશ પણ એક સ્થાપક હતા. આ સંસ્થાનું ઉદ્ઘાટન 10 ફેબ્રુઆરી, 1921ના રોજ મહાત્મા ગાંધીએ કર્યું હતું. તેની સ્થાપનાથી 1947 સુધી શ્રીપ્રકાશ તેમાં અધ્યાપક હતા. તેમને 20 સપ્ટેમ્બર, 1969ના રોજ આ વિદ્યાપીઠના કુલાધિપતિ (ચાન્સેલર) નીમવામાં આવ્યા. આ હોદ્દો તેમણે આજીવન ભોગવ્યો હતો.
ઈ. સ. 1934માં કૉંગ્રેસ સમાજવાદી પક્ષની રચનામાં તેમણે અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેમણે ઇંગ્લૅન્ડમાં શિક્ષણ લીધું હોવા છતાં પાશ્ચાત્ય રીતભાતથી પ્રભાવિત થયા ન હતા. તેઓ આર્યધર્મ અને સંસ્કૃતિમાં ઊછર્યા હોવા છતાં રૂઢિચુસ્ત ન હતા. તેઓ નાના કે સામાન્ય માણસોની પૂરતી કાળજી રાખતા અને તેઓની કદી અવગણના કરતા નહિ. તેઓ સમૃદ્ધ કુટુંબમાં જન્મ્યા હોવા છતાં સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેવા માંડ્યો ત્યારથી તપસ્વી જેવું સાદું જીવન જીવતા હતા.
શ્રીપ્રકાશે વિપુલ પ્રમાણમાં લખ્યું છે. વારાણસીના હિંદી દૈનિક ‘આજ’ સાથે તેઓ લાંબા સમય સુધી સંકળાયેલા હતા. તેઓ ‘યંગ ઇન્ડિયા’ (ચેન્નાઈ), ‘લીડર’ (અલ્લાહાબાદ), ‘ઇન્ડિપેન્ડન્ટ’ (અલ્લાહાબાદ), ‘નૅશનલ હેરલ્ડ’ (લખનૌ) અને ‘સંસાર’-(વારાણસી)માં નિયમિત લેખો લખતા હતા. ‘ભારત કે સમાજ ઔર ઇતિહાસ પર સ્ફુટ વિચાર’, ‘ગૃહસ્થ-ગીતા’, ‘હમારી આંતરિક ગાથા’, ‘નાગરિકશાસ્ત્ર’, ‘એની બેસન્ટ ઍઝ વુમન ઍન્ડ ઍઝ લીડર’ વગેરે ગ્રંથો તેમણે લખ્યા છે. તેમની વિવિધલક્ષી સેવાઓની કદર કરીને ભારત સરકારે 1957માં તેમને ‘પદ્મવિભૂષણ’ના ખિતાબથી નવાજ્યા હતા.
જયકુમાર ર. શુક્લ