શ્રીફર, જ્હૉન રૉબર્ટ (. 31 મે 1931, ઓકપાર્ક, ઇલિનૉઇ) : અતિવાહકતા(super conductivity)નો સિદ્ધાંત વિકસાવવા બદલ જ્હૉન બાર્ડિન અને કૂપરની ભાગીદારીમાં 1972ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. આ BCS (Bardeen, Cooper અને Schrieffer) સિદ્ધાંત તરીકે ઓળખાય છે.

1940માં શ્રીફર પરિવાર ન્યૂયૉર્કમાં અને ત્યારબાદ 1947માં ફ્લોરિડા ખાતે સ્થાયી થયા. ત્યાં આ પરિવાર લીંબુના વર્ગનાં ફળોને લગતા ઉદ્યોગમાં સક્રિય બન્યો.

જ્હૉન રૉબર્ટ શ્રીફર

1949માં ઑસ્ટિસ ઉચ્ચ શાળામાંથી સ્નાતક થઈને શ્રીફરે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(એમ.આઈ.ટી.)માં પ્રવેશ મેળવ્યો. ત્યાં તેમણે બે વર્ષ માટે ઇલેક્ટ્રિકલ ઇજનેરીનો અભ્યાસ કર્યો તે પછી તેઓ ભૌતિકવિજ્ઞાનના અભ્યાસ તરફ વળ્યા. તેમણે પ્રો. જે. સી. સ્લેટરના માર્ગદર્શન હેઠળ ભારે પરમાણુઓમાં બહુસંરચના (multiple structure) વિશે સ્નાતક પદવી માટે મહાનિબંધ તૈયાર કર્યો. એમ.આઇ.ટી.માં હતા તે દરમિયાન ઘનાવસ્થા ભૌતિકવિજ્ઞાનમાં રસ પડતાં ઇલિનૉઈ યુનિવર્સિટીમાં સ્નાતકનો અભ્યાસ શરૂ કર્યો. અહીં તેમણે બીજી વાર નોબેલ પુરસ્કાર મેળવનાર ભૌતિકવિજ્ઞાની પ્રો. જ્હૉન બાર્ડિનના માર્ગદર્શન હેઠળ સંશોધન શરૂ કર્યું. તેમણે અર્ધવાહકોની સપાટી ઉપર વિદ્યુતવાહકતાનો વિગતવાર અભ્યાસ કર્યો. તે પછી બાર્ડિન અને કૂપર સાથે અતિવાહકતાનો સિદ્ધાંત વિકસાવ્યો. આ તેમના ડૉક્ટરલ મહાનિબંધનો વિષય રહ્યો.

1957-58માં નૅશનલ સાયન્સ ફાઉન્ડેશનના ફેલો તરીકે બર્મિન્ગહામ યુનિવર્સિટીમાં રહ્યા. ત્યારબાદ કોપનહેગનમાં નીલ્સ બ્હોર ઇન્સ્ટિટ્યૂટ ખાતે અતિવાહકતા ઉપર સંશોધન આગળ ધપાવ્યું. શિકાગો યુનિવર્સિટીમાં એક વર્ષ માટે મદદનીશ પ્રાધ્યાપક રહ્યા. બાદ 1959માં ઇલિનૉઇ યુનિવર્સિટીમાં પરત આવ્યા.

1962માં શ્રીફર પેન્સિલવેનિયા યુનિવર્સિટી(ફિલાડેલ્ફિયા)માં જોડાયા. 1964માં ત્યાં જ તેઓ ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિમાયા. 1980માં તેઓ કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(સાન્તા બાર્બરા)માં પ્રાધ્યાપક તરીકે અને 1984માં ચાન્સેલરના પદે નિમાયા. 1984થી 1989 સુધી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ થિયોરેટિલ ફિઝિક્સ(સાન્તા બાર્બરા)ના નિયામક રહ્યા. 1992માં ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને નૅશનલ હાઇમૅગ્નેટિક ફિલ્ડ લૅબોરેટરીના મુખ્ય વૈજ્ઞાનિક તરીકે નિમાયા.

સાતેક યુનિવર્સિટીઓના તેઓ માનાર્હ ડૉક્ટર છે. 1969માં તેમને કૉર્નેલ ઍન્ડ્રુ ડી. વ્હાઇટ પ્રોફેસર-એટ-લાર્જ તરીકે છ વર્ષના સત્ર માટે નીમ્યા.

તેઓ અમેરિકન એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સીઝ, નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ, અમેરિકન ફિલોસૉફિકલ સોસાયટી, રૉયલ ડેનિશ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ અને તત્કાલીન યુ.એસ.એસ.આર.ની એકૅડેમી ઑવ્ સાયન્સીઝના સભ્ય રહ્યા.

નોબેલ પુરસ્કાર ઉપરાંત અડધો ડઝન જેટલાં અન્ય પારિતોષિકો, ચંદ્રકો અને પદકો તેમને મળ્યાં છે.

અત્યારે ઉચ્ચ તાપમાને અતિવાહકતા તેમનો પરમ શોધનો વિષય છે. ઉપરાંત પ્રબળતા સાથે સંબંધ ધરાવતા ઇલેક્ટ્રૉન અને પ્રબળ ચુંબકીય ક્ષેત્રોમાં ઇલેક્ટ્રૉનના ગતિવિજ્ઞાન ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યા છે.

તેમનું અદ્યતન સંશોધન ભવિષ્યમાં મોટાં પરિવર્તનો લાવી શકે તેમ છે.

પ્રહલાદ છ. પટેલ