શ્રીપુર (શરભપુર) : હાલના મધ્યપ્રદેશના રાયપુર જિલ્લામાં આવેલ પ્રાચીન નગર, જે પાછળથી શરભપુરિયા વંશના રાજાઓનું પાટનગર હતું. તે રાજાઓ પોતાને ‘પરમ ભાગવત’ કહેવડાવતા હતા. જુદા જુદા લેખકોએ તેને માટે સંબલપુર, સરનગઢ, સરપગઢ વગેરે નામ આપ્યાં છે. રાજા શરભ અને તેનો પુત્ર નરેન્દ્ર પાંચમી સદીનાં છેલ્લાં વરસોમાં થઈ ગયા. છઠ્ઠી સદીનાં શરૂઆતનાં વરસોમાં, શરભપુરની ગાદી પ્રસન્ન અથવા પ્રસન્નમાત્રને મળી. તેના ગરુડની આકૃતિના ચાંદીના સિક્કા મળી આવ્યા હતા. રાજા નરેન્દ્રનો વારસ પ્રસન્નમાત્ર અને તેનો વારસ જયરાજ થયો. તે કેટલીક વાર મહા-જયરાજ કહેવાતો હતો. જયરાજનો વારસદાર ઘણુંખરું તેનો નાનો ભાઈ માનમાત્ર થયો. તેનું બીજું નામ દુર્ગરાજ (અથવા મહાદુર્ગરાજ) હતું. રાજા માનમાત્ર-દુર્ગરાજ પછી ઘણુંખરું તેનો પુત્ર સુદેવરાજ ગાદીએ બેઠો. તે કેટલીક વાર મહા-સુદેવરાજ કહેવાતો હતો. તેનાં બે દાનપત્રો સિવાય, બાકીનાં બધાં શરભપુર શહેરમાંથી અપાયાં હતાં. તેનાં બે દાનપત્રો શ્રીપુરમાંથી અપાયેલાં છે. તે એનું ગૌણ પાટનગર હતું. શરભપુરિયા વંશનો છેલ્લો રાજા પ્રવરરાજ હતો. તે કેટલીક વાર મહા-પ્રવરરાજ કહેવાતો અને માનમાત્રનો પુત્ર તથા ઘણુંખરું સુદેવરાજનો નાનો ભાઈ હતો. તેના ગાદીએ બેઠા પછીના ત્રીજા વરસે ઠાકુરદિયા દાનપત્ર શ્રીપુર શહેરમાંથી અપાયું હતું.

જયકુમાર ર. શુક્લ