શ્રીધર મેનન વિલોપ્પિલ્લિલ

January, 2006

શ્રીધર મેનન વિલોપ્પિલ્લિલ (. 1911, પૂર્વ કોચીન રાજ્ય; . 1985) : મલયાળમ ભાષાના ખ્યાતનામ કવિ અને નાટ્યકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘વિડા’ (વિદાય, 1970) માટે 1971ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1931માં તેઓ ઍર્નાકુલમમાંથી પ્રાકૃતિક વિજ્ઞાનના વિષય સાથે બી.એ. થયા પછી 35 વર્ષનાં અધ્યાપનકાર્ય બાદ 1966માં હાઈસ્કૂલના હેડમાસ્તરપદેથી નિવૃત્ત થયા.

તેમણે યુવાનવયે લેખનકાર્ય શરૂ કરીને મલયાળમ સાહિત્યિક સામયિકોમાં પુષ્કળ પ્રદાન કર્યું. તેમણે નાટ્યસંગ્રહ સહિત 12 ગ્રંથો પ્રગટ કર્યા છે. તેમાં ‘કુડિઓળિક્કલ’ (1952) એકમાત્ર દીર્ઘ કાવ્ય છે. તેમનો 17 કાવ્યોનો બનેલો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કન્નીક્કોયત્તુ’ 1947માં પ્રગટ થયો. તેમાંનાં ‘મમ્પાળમ’ (‘ધ મેન્ગો’) અને ‘સહયાન્તે મકન’ (‘ધ સન ઑવ્ ધ ઈસ્ટર્ન માઉન્ટન્સ’) ઉત્તમ કાવ્યો છે. તેમના અન્ય 8 કાવ્યસંગ્રહોમાં ‘કયપાવલ્લહી’ (1963); ‘વિડા’ (1970) અને ‘મકરક્કોયતુ’ (1979) ખાસ ઉલ્લેખનીય છે. તેમને અનુક્રમે કેરળ સાહિત્ય અકાદમી, કેન્દ્રીય સાહિત્ય અકાદમી અને વયલાર ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા, જ્યારે તેમના ઉપર જણાવેલ દીર્ઘકાવ્ય માટે 1969ના વર્ષનો સોવિયેત નહેરુ ઍવૉર્ડ પ્રાપ્ત થયો. અન્ય 3 તેમના બાળકાવ્યસંગ્રહો અને પૌરાણિક કથા પર આધારિત નાટ્યસંગ્રહ છે.

1950થી 1956 સુધી તેઓ કેરળ સાહિત્ય પરિષદના સંપાદક બોર્ડના સભ્ય અને 1962થી 1970 સુધી કેરળ સાહિત્ય અકાદમીના સભ્ય રહી ચૂક્યા હતા. તેઓ સૌન્દર્યપ્રેમી કવિ હતા અને મલયાળમ કવિઓમાં ઉચ્ચ કક્ષાના આધુનિક કવિ લેખાતા.

તેમની પુરસ્કૃત કૃતિ ‘વિડા’માં તેમને જેમની સાથે ગાઢ લાગણીભર્યો સંબંધ હતો તેવી ઘણીબધી ભૂતકાળમાં ફૂલીફાલેલી વ્યક્તિઓને વિદાય આપવાનો સમય પાકી ગયાનો ભાવ અભિવ્યક્ત થતો હોવાથી તે કૃતિ તત્કાલીન મલયાળમ સાહિત્યમાં અનોખું સ્થાન પામી હતી.

બળદેવભાઈ કનીજિયા