શ્રીધર સાંધિવિગ્રહિક

January, 2006

શ્રીધર સાંધિવિગ્રહિક : આચાર્ય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પરની ‘કાવ્યપ્રકાશવિવેક’ નામની ટીકાના લેખક. તેમનું નામ શ્રીધર હતું, જ્યારે સાંધિવિગ્રહિક એ તેમનું ઉપનામ છે. પ્રાચીન ભારતમાં રાજાના અન્ય રાજાઓ સાથે સંધિ કે વિગ્રહનું કામ કરનારા પ્રધાનને ‘સાંધિવિગ્રહિક’ કહેતા હતા. તેઓ ટીકામાં ‘ઠક્કુર’ શબ્દ પોતાના નામની સાથે જોડે છે, તેથી જન્મે તેઓ ઠાકુર હશે એમ માની શકાય. તેમનું એક વિશેષણ ‘તર્કાચાર્ય’ છે તેથી તેઓ તર્કશાસ્ત્રના જ્ઞાની હશે એમ જણાય છે.

તેમની ‘વિવેક’ ટીકાની હસ્તપ્રત 1405માં મિથિલામાં લખાયેલી છે, તેથી વિદ્વાનો તેમને 13મી સદીમાં થઈ ગયેલા માને છે. વળી ‘સાહિત્ય-દર્પણ’ના જાણીતા લેખક વિશ્વનાથે 1300ની આસપાસ શ્રીધર સાંધિવિગ્રહિકનો ઉલ્લેખ પોતાની ‘કાવ્યપ્રકાશદર્પણ’ નામની ટીકામાં કર્યો છે અને એ જ અરસામાં ચંડીદાસ નામના ‘કાવ્યપ્રકાશ’ના બીજા ટીકાકારે પણ તેમની ‘દીપિકા’ ટીકામાં શ્રીધરનો ઉલ્લેખ કર્યો છે. શ્રીધરની ટીકા પ્રૌઢ શૈલીની અને શાસ્ત્રના મુદ્દાઓની ઝીણવટભરી છણાવટ કરતી ટીકા છે. શ્રીધરની પ્રસ્તુત ‘વિવેક’ ટીકા શિવપ્રસાદ ભટ્ટાચાર્યે કોલકાતાની ‘સંસ્કૃત કૉલેજ’માંથી 1959માં પ્રકાશિત કરી છે.

પ્ર. ઉ. શાસ્ત્રી