શ્રીદેવી (. 13 ઑગસ્ટ 1963, શિવાકાશી, તામિલનાડુ) : અભિનેત્રી. તમિળ, તેલુગુ અને હિંદીભાષી ચિત્રોમાં ભારે વ્યાવસાયિક સફળતા મેળવનાર અભિનેત્રી. તેમનું મૂળ નામ શ્રીઅમ્મા યંગર હતું. હિંદી ચિત્રોમાં તેમણે મોડો પ્રવેશ કર્યો હતો, પણ કિશોરવયમાં તેમનું પ્રથમ હિંદી ચિત્ર ‘જુલી’ હતું. માત્ર ચાર જ વર્ષની ઉંમરે શિવાજી ગણેશનના તમિળ ચિત્ર ‘કંદન કરુણાઈ’થી તેમની અભિનય-કારકિર્દીનો પ્રારંભ થયો હતો. નાયિકા તરીકે તેમનું પહેલું હિંદી ચિત્ર ‘સોલહવાં સાવન’ 1979માં નિર્માણ પામ્યું હતું; પણ વ્યાવસાયિક રીતે તે નિષ્ફળ રહ્યું હતું. એ પછી તેઓ સારી રીતે હિંદી બોલતાં શીખ્યાં અને પછી હિંદી ચિત્રોમાં કામ શરૂ કર્યું હતું.

શ્રીદેવી

બાળકલાકાર તરીકે સફળતા મેળવ્યા બાદ 1970ના દાયકાનાં અંતિમ વર્ષોમાં દક્ષિણ ભારતીય ચિત્રોમાં તેઓ એક સફળ અભિનેત્રી હતાં. તેમનું પ્રથમ હિંદી ચિત્ર જેના પરથી બનાવાયું હતું તે તમિળ ચિત્ર ‘16 વયદિનિલે’માં દિગ્દર્શક ભારતી રાજાએ શ્રીદેવીને ખૂબ જ સુંદર રીતે પડદા પર રજૂ કર્યાં હતાં. તેમનું બીજું તમિળ ચિત્ર ‘મુંધાની મુડિચુ’એ પણ ભારે સફળતા મેળવી હતી. હિંદી ચિત્રોમાં તેમનું પુનરાગમન સફળ રહ્યું હતું. તેમણે જ્યારે ચલચિત્ર-જગતમાંથી નિવૃત્તિ લીધી ત્યારે તેઓ 259 ચિત્રોમાં કામ કરી ચૂક્યાં હતાં; જેમાં 72 તેલુગુ, 50 તમિળ અને 24 મલયાળમ ચિત્રો હતાં. તેમને બે ચિત્રો ‘લમ્હેં’ અને ‘ચાલબાઝ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનું ફિલ્મફેર પારિતોષિક મળ્યું હતું. ‘લમ્હેં’ માટે તેમને ઇન્ટરનૅશનલ ફિલ્મ એકૅડેમીનો શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવૉર્ડ પણ મળ્યો હતો. તેમણે ચિત્રનિર્માતા બોની કપૂર સાથે લગ્ન કર્યાં બાદ જાહ્નવી અને ખુશી નામની બે દીકરીઓનાં માતા બન્યાં. 2004માં તેમણે અભિનયક્ષેત્રે પુનરાગમન કરી ટેલિવિઝન ધારાવાહિક ‘મિસિસ માલિની ઐયર’માં ભૂમિકા ભજવી હતી. તેઓ તેમના પતિને ચિત્રનિર્માણમાં સહકાર આપતાં રહ્યાં છે.

નોંધપાત્ર ચિત્રો : ‘તુલાવર્ષમ્’, ‘મુંધાની મુડિચુ’, ‘આશીર્વાદમ્’ (1976); ‘સત્યવાન સાવિત્રી’, ‘16 વયદિનિલે’, ‘ગાયત્રી’ (1977); ‘અંતરધનમ્’, ‘ટૅક્સીડ્રાઇવર’, ‘પ્રિયા’, ‘ગંગા યમુના કાવેરી’ (1978); ‘લક્ષ્મી’, ‘કાવેરીમાન’, ‘ધર્મયુદ્ધમ્’ (1979); ‘રામ રૉબર્ટ રહીમ’ (1980); ‘આકાલી રાજ્યમ્’ (1981); ‘સદમા’, ‘હિંમતવાલા’ (1983); ‘તોહફા’ (1984); ‘નગીના’, ‘આખરી રાસ્તા’ (1986); ‘મિ. ઇન્ડિયા’ (1987); ‘ચાંદની’, ‘ચાલબાઝ’ (1989); ‘લમ્હેં’ (1991); ‘ખુદા ગવાહ’ (1992); ‘જુદાઈ’ (1997).

હરસુખ થાનકી