શ્રીકાકુલમ્ : આંધ્રપ્રદેશના ઈશાન છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 18° 21´થી 19° 10´ ઉ.અ. અને 83° 30´ થી 84° 50´ પૂ.રે. વચ્ચેનો 5,837 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ ઓરિસા રાજ્યની સીમા, પૂર્વ અને દક્ષિણમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમ અને વાયવ્યમાં વિજયનગરમ્ જિલ્લો આવેલા છે. જિલ્લાનું નામ જિલ્લામથક પરથી અપાયેલું છે. જિલ્લામથક જિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલું છે.
પ્રાકૃતિક લક્ષણો – જળપરિવાહ : જિલ્લાના વાયવ્ય ભાગમાં 300થી 900 મીટર વચ્ચેની ઊંચાઈનો પ્રદેશ આવેલો છે. ત્યાં 600 મીટરથી વધુ ઊંચાઈના બે ભાગો આવેલા છે. બાકીનો બધો જ પ્રદેશ મેદાની અને નદીખીણોવાળો છે. જિલ્લાની મુખ્ય નદીઓમાં નાગવતી અને વામસાધરા તથા અન્ય નદીઓમાં સ્વર્ણમુખી, વેગવતી, મહેન્દ્રતનયા, ગોમુખી, ચંપાવતી, બહુદા અને કુમ્બિકોટગેડાનો સમાવેશ થાય છે.
જિલ્લાની જમીનો મુખ્યત્વે રેગર (કાળી કપાસની) પ્રકારની અને ટેકરીઓ નજીક લોહયુક્ત રાતી છે. કિનારા નજીકની જમીનો સૂક્ષ્મકણોવાળી અને ખીણોમાં જમીનો ફળદ્રૂપ માટીવાળી છે. માટીની જમીનો સુકાય ત્યારે તેમાં તડો પડી જાય છે.
આ જિલ્લામાં સાગ અને કૅશ્યુરિનાનાં, બળતણ માટેનાં તેમજ નાના પાયાની પેદાશો આપતાં જંગલોનો સમાવેશ થાય છે. જિલ્લાનો જંગલવિસ્તાર 70,390 હેક્ટર જેટલો છે, જે જિલ્લાની કુલ ભૂમિનો લગભગ 12 % ભાગ આવરી લે છે. પરંતુ ખેતીની પદ્ધતિ બદલાઈ હોવાથી તેમજ પશુ-ચરિયાણને કારણે જંગલપ્રદેશ ઓછો થયો છે. પાલકોંડા હારમાળાનાં જંગલોને બાદ કરતાં જિલ્લાનાં બાકીનાં બધાં જ જંગલો 1948 પહેલાં ખાનગી માલિકી હેઠળ હતાં. તે પછીથી તે બધાં સરકારે પોતાને હસ્તક લઈ લીધાં છે અને તેનો વહીવટ 1-12-1963થી સ્થાપવામાં આવેલા જંગલખાતાને સોંપવામાં આવ્યો છે.
ખેતી–સિંચાઈ–પશુપાલન : જિલ્લાનો મોટોભાગ ગ્રામીણ હોવાથી તે ખેતીપ્રધાન છે. ડાંગર, મગફળી, મેસ્તા, રાગી, બાજરી, કઠોળ અને શેરડી અહીંના મુખ્ય કૃષિપાકો છે. ખોરાકી પાકોનું વાવેતર 83 % જેટલું છે, તે પૈકી 51 % વાવેતર ડાંગરનું થાય છે. અહીંના લગભગ બધા જ કૃષિપાકો માટીવાળી ગોરાડુ જમીનોમાં લેવાય છે. બટાટા અને મરચાં રેતાળ જમીનોમાં ઉગાડાય છે. ટેકરીઓમાંથી નીકળતી નદીઓ દ્વારા તથા તળાવો દ્વારા સિંચાઈ મળી રહે છે. અહીં થતો સારો વરસાદ પણ ખેતી માટે ઉપયોગી નીવડે છે.
જિલ્લામાં દુધાળાં ઢોર, ઘેટાં-બકરાં, ઘોડા, ટટ્ટુ, ભૂંડ તેમજ મરઘાં-બતકાંનો ઉછેર થાય છે. અહીં થતા દૂધ-ઉત્પાદનને જાળવવા અરસવિલ્લી ખાતે તથા સીતામ્પેટ ખાતે દૂધ-શીતકેન્દ્રો સ્થાપવામાં આવેલાં છે. દૂધ-વિતરણ-કેન્દ્ર શ્રીકાકુલમ્ ખાતે છે. વધારાના દૂધનો પુરવઠો વિશાખાપટનમની સહકારી દૂધમંડળીને પહોંચાડાય છે. આ ઉપરાંત મરઘાં-બતકાંના તથા ભૂંડઉછેરના એકમો પણ વિકસાવાયા છે. જિલ્લાને 193 કિમી. લાંબો દરિયાકાંઠો મળેલો હોવાથી કિનારાના ભાગોમાં માછીમારોનાં 104 ગામો આવેલાં છે, ત્યાં આશરે એક લાખ જેટલા માછીમારો વસે છે અને માછલાં પકડવાનો વ્યવસાય કરે છે. આ ઉપરાંત જિલ્લાના અંતરિયાળ ભાગોમાં બીજા 25,000 જેટલા માછીમારો પણ વસે છે. જિલ્લામાં 4,900 જેટલાં મત્સ્યઉછેર માટેનાં જળમથકો આવેલાં છે. જિલ્લામાં ખેતીના વ્યવસાય પછી મત્સ્યપ્રવૃત્તિ બીજા ક્રમે આવે છે.
ઉદ્યોગ–વેપાર : જિલ્લામાં મોટા પાયા પરના અને મધ્યમ કક્ષાના મુખ્ય ત્રણ ઉદ્યોગો આવેલા છે, તે પૈકી ચેમિનોર ડ્રગ લિ. અને શ્રી શારદા ફૅરો ઍલૉય લિ. મહત્વના છે. નાના પાયા પરના એકમોમાં હુન્નર-ઉદ્યોગો અને કુટિર-ઉદ્યોગોનો સમાવેશ થઈ શકે તેમ છે. જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી તેમજ રાજ્યની સહાયથી આ લઘુ ઉદ્યોગોને ઊભા કરવાની યોજના છે. આ જિલ્લો ઉદ્યોગની દૃષ્ટિએ પછાત ગણાય છે. ડાંગર, શણ, કઠોળ, તેલીબિયાં, કાજુ અને નાળિયેરી જેવી પેદાશોમાંથી જિલ્લાને મહેસૂલ મળી રહે છે. જિલ્લામાં ખાંડનું એક કારખાનું પણ છે. તદુપરાંત ગોળ અને ખાંડસરી પણ બનાવાય છે. ખાદ્યતેલનું એક અને ટાઇલ્સનાં ત્રણ કારખાનાં પણ છે.
પરિવહન : 1981-91 દરમિયાન જિલ્લામાં સડકમાર્ગોનું પ્રમાણ વધ્યું છે. નવા માર્ગો દ્વારા શહેરોની આજુબાજુનાં કેટલાંક ગામડાંને પણ સાંકળી લેવામાં આવ્યાં છે. વળી છેલ્લા દાયકામાં બસો અને ખાનગી વાહનોની સંખ્યા પણ વધી છે. ચેન્નાઈ-કોલકાતા બ્રૉડગેજ રેલમાર્ગ તથા સડકમાર્ગ જિલ્લાના તાલુકાઓમાંથી પસાર થાય છે. જિલ્લામાં 22 બ્રૉડગેજ અને 5 નેરોગેજ રેલમથકો છે. જિલ્લામાં 137 કિમી.ના અંતરની બ્રૉડગેજ અને 37 કિમી.ના અંતરની નેરોગેજ રેલમાર્ગની સુવિધા છે. જિલ્લામાં કલિંગપટણમ્ નામનું નાનું બંદર આવેલું છે, તથા સંદેશાવ્યવહારમાં ટપાલસેવાની સારી સગવડ પણ છે.
પ્રવાસન : કાવિતી, નરસન્નાપેટ, પાલકોંડા, બરુઆ, શ્રીમુખલિંગમ્, મન્દાસા, પલાસા, શ્રીકુર્મમ્, તેક્કાલી અને અરસવિલ્લી અહીંનાં મુખ્ય પ્રવાસીસ્થળો છે. શ્રીમુખલિંગમ્ તેના આર્યસ્થાપત્યશૈલીના નવમી સદીના શિવમંદિર માટે; મન્દાસા મહેન્દ્રગિરિની તળેટીમાં આવેલા તેના દક્ષિણ ભારતમાં ઊંચામાં ઊંચા ગણાતા કિલ્લા માટે તથા વરાહસ્વામીના મંદિર માટે; પલાસા તેના કાજુ-ઉદ્યોગ માટે; શ્રીકુર્મમ્ તેના ભગવાન વિષ્ણુના કૂર્મ અવતારના મંદિરની સ્થાપત્યશૈલી તથા 11મી સદીથી 19મી સદીના તેમાં મળતા અભિલેખો માટે; તેક્કાલી તેનાં કાંસાનાં વાસણો, પિત્તળના ઘડા અને અન્ય વાસણો તથા જનાઈનસ્વામીના ઉત્સવ માટે ખૂબ જાણીતાં છે. આ જિલ્લામાં આવેલું અરસવિલ્લીનું જૂનું નામ હર્ષવલ્લી (હર્ષપ્રાપ્તિનું સ્થળ) હતું; તેનું બીજું નામ અસ્સોહરિ (થાંભલાઓનું ગામ) પણ હતું. તે તેના પ્રાચીન સૂર્યમંદિર માટે જાણીતું છે. સ્થલપુરાણમાંના ઉલ્લેખ મુજબ આ સૂર્યમંદિર દેવાધિદેવ ઇન્દ્રે સ્થાપેલું. આ મંદિરની બાંધણી એવા પ્રકારે કરેલી છે કે વર્ષમાં બે વાર, ફેબ્રુઆરી અને જૂનમાં સવારે થોડી મિનિટો માટે મંદિરમાંની સૂર્યનારાયણની મૂર્તિના પગ પર સૂર્યકિરણો કેન્દ્રિત થઈને પડે છે. આ વખતે મંદિરના પાંચ દરવાજા બંધ રાખવામાં આવે છે. વળી અહીં આદિત્ય, અંબિકા, વિષ્ણુ, ગણેશ અને મહેશ્વરની મૂર્તિઓ એક જ જગાએ પ્રસ્થાપિત કરાયેલી છે. સૂર્યમૂર્તિ સાત અશ્ર્વોના રથ પર ગોઠવાયેલી હોય તેમ કંડારેલી છે. અહીંની બધી જ મૂર્તિઓ ગ્રૅનાઇટ પથ્થરમાંથી બનાવેલી છે.
જિલ્લામાં સૂર્યમંદિર ખાતે માર્ચ-એપ્રિલમાં, ચૈત્ર સુદ એકાદશીથી છ દિવસ માટે કલ્યાણોત્સવ યોજાય છે. જુલાઈ-ઑગસ્ટમાં, શ્રાવણ માસની અષ્ટમી નિમિત્તે કૃષ્ણ-નવરાત્રિનો ઉત્સવ થાય છે. કાર્તિક સુદ દ્વાદશીએ સૂર્ય-પુષ્કરિણીનો ઉત્સવ થાય છે. આ ઉપરાંત બીજા ઘણા ઉત્સવો તેમજ હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી કોમોના મેળા પણ યોજાય છે.
વસ્તી : આ જિલ્લાની વસ્તી 2001ની વસ્તીગણતરી મુજબ 25,31,752 જેટલી છે. તે પૈકી ગ્રામીણ વસ્તીનું પ્રમાણ આશરે 90 % અને શહેરી વસ્તીનું પ્રમાણ આશરે 10 % જેટલું છે. સ્ત્રી-પુરુષોનું પ્રમાણ સરખું છે. જિલ્લામાં બોલાતી મુખ્ય ભાષાઓ તેલુગુ, ઉર્દૂ અને ઊડિયા છે. અહીં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓની વસ્તી વિશેષ છે; જ્યારે શીખ, જૈન અને બૌદ્ધ વસ્તીનું પ્રમાણ તદ્દન ઓછું છે. જિલ્લામાં શિક્ષિતોનું પ્રમાણ 25 % જેટલું છે. 1996 મુજબ અહીં 12 જેટલી કૉલેજો આવેલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 37 મંડળોમાં વહેંચેલો છે. જિલ્લામાં 11 નગરો અને 1831 (103 વસ્તીવિહીન) ગામો આવેલાં છે. 1,588 ગામોમાં શિક્ષણની, 378 ગામોમાં તબીબી સેવાની, 1,728 ગામોમાં પીવાના પાણીની, 686 ગામોમાં પાકા રસ્તાઓની, 1,672 ગામોમાં વીજળીની, 663 ગામોમાં સંદેશાવ્યવહારની સગવડો ઉપલબ્ધ છે.
ઇતિહાસ : ઈ. સ. 1936માં ઓરિસા રાજ્યની રચના થઈ, તે પહેલાં મદ્રાસ ઇલાકાના જૂના ગંજમ જિલ્લામાં હાલના શ્રીકાકુલમ્ જિલ્લાના કેટલાક પ્રદેશો હતા. વહીવટી સુવિધા વાસ્તે વખતોવખત તાલુકા અને જિલ્લાના પ્રદેશોમાં ફેરફારો થયા હતા. ઑગસ્ટ 1950માં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટણમ્ જિલ્લાનું વિભાજન કરીને શ્રીકાકુલમ્ જિલ્લાની રચના કરવામાં આવી. ત્યારબાદ, નવેમ્બર, 1969માં કરેલા ફેરફારો મુજબ આ જિલ્લાનાં કેટલાંક ગામો, બીજા જિલ્લામાં મૂકવામાં આવ્યાં.
શ્રીકાકુલમ્ જિલ્લાના કેટલાક પ્રદેશોમાં પ્રાચીન કલિંગનું રાજ્ય હતું. અનેક સદીઓ સુધી કલિંગ બૌદ્ધ ધર્મનું મથક હતું. મૌર્ય સમ્રાટ અશોકે ઈ.પૂ. 3જી સદીમાં કલિંગનું રાજ્ય જીતી લીધું હતું. શ્રીકાકુલમ્ જિલ્લાના કેટલાક પ્રદેશો આસપાસનાં સાતવાહન, ગુપ્ત, પૂર્વના ગંગ, વેંગીના ચાલુક્યો વગેરે વંશનાં રાજ્યો હેઠળ હતાં.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ