શ્રીકાન્ત : શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત બંગાળી નવલકથા. ચાર ભાગમાં (પ્ર. વર્ષ 1917, 1918, 1927 અને 1933). શરદચંદ્રનો જન્મ બંગાળમાં દેવાનંદપુર ગામમાં 1876માં એક મધ્યમવર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં. પિતાને વાર્તા-નવલકથા લખવાનો શોખ હતો તેમાંથી શરદચંદ્રને સાહિત્ય લખવાની પ્રેરણા મળી. પિતાથી રિસાઈ ઘર છોડી ચાલી ગયા અને વર્ષો સુધી ખૂબ ભ્રમણ કર્યું, જ્યાં સામાજિક જીવનનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો અને તેની જ છાયા એમનાં ચરિત્ર-ચિત્રણોમાં મળે છે. અનુભવોની વિવિધતાને કારણે તેમણે ઘણી નવલકથાઓ-વાર્તાઓ લખી, જેમાંની એક ઉત્તમ નવલકથા તે ‘શ્રીકાન્ત’. અન્ય રચનાઓમાં છે  ‘ગૃહદાહ’, ‘ચરિત્રહીન’, ‘શેષપ્રશ્ન’, ‘પલ્લીસમાજ’, ‘વિપ્રદાસ’, ‘પાથેર દાબિં’ વગેરે. અતિપ્રસિદ્ધ વાર્તાઓમાં ‘વિજયા’, ‘દત્તા’, ‘બડીદીદી’, ‘પરિણીતા’, ‘સ્વામી’, ‘બિંદુર છેલે’, ‘નિષ્કૃતિ’ વગેરે છે. જેમાંની કેટલીકને લઘુનવલ તરીકે પણ ઓળખાવાય છે.

‘શ્રીકાન્ત’ 1916માં ‘ભારતવર્ષ’ માસિકમાં હપ્તાવાર શરૂ થઈ ત્યારે નામ હતું ‘શ્રીકાન્તેર ભ્રમણ-કાહિની’. શ્રીકાન્તના જીવનમાં બનતી ઘણી બધી ઘટનાઓ શરદચંદ્રના જીવનમાં ઘટી હોવાનો કે એમાંની ઘણી વ્યક્તિઓ એમના જીવનમાં આવી હોવાની સંભાવનાઓ છે. લેખકે પોતે ય કહેલું કે ‘‘‘શ્રીકાન્ત’ જીવનઘટિત કતકગુલિ વિચ્છિન્ન સ્મૃતિકથાર ઍકટિ સંકલન માત્ર.’’

નવલકથા પહેલા પુરુષમાં કહેવાઈ છે; સ્મૃતિઓ દ્વારા ગૂંથાતી વાર્તા કથનશૈલીની દૃષ્ટિએ શિથિલ લાગે, પણ શ્રીકાન્તની ચેતનાની વિશ્વસનીયતા પેલી પ્રથમ પુરુષની રચનારીતિથી ઊપસે છે અને એકત્વ પામે છે. શ્રીકાન્ત આરંભમાં જ કહે છે : ‘‘મારા આ ‘ભવ-ભટક્યા’ જીવનને પાછલે પહોરે ઊભા રહીને તેનો જ એક અધ્યાય કહેવા બેસતાં આજે કેટકેટલી વાતો યાદ આવે છે ?’’ આ ભટકવાની વૃત્તિ (picaresque) સાથે તેનામાં નારી પ્રત્યેની કરુણા છે, તેથી તેના ભ્રમણ સાથે અનેક નારીહૃદયની વાતો ગૂંથાતી જાય છે, પણ તેમાં એક કેન્દ્રીય વાત છે શ્રીકાન્ત-રાજલક્ષ્મીના પ્રણયની.

શ્રીકાન્તની ભ્રમણવૃત્તિને પોષણ મળ્યું છે શાળાના સાથી, નીડર કિશોર ઇન્દ્રનાથ પાસેથી અને તેની જ પાસેથી સંકુચિત હિંદુત્વની આભડછેટને વશ નહિ થવાનુંયે પામી લીધું છે. તે શ્રીકાન્તને અન્નદાનો પરિચય કરાવે છે. પતિને ખાતર ધર્મ ત્યજી જીવનભર કલંકિની કહેવાઈ, છતાં અન્નદાએ સતીધર્મ પાળ્યો છે. શ્રીકાન્ત પર આનો ઊંડો પ્રભાવ પડે છે અને એક સત્ય તેને લાધે છે – ‘સ્ત્રીના કલંકની વાત હું સહેજમાં માની લઈ શકતો નથી’  નવલકથાના પહેલા ભાગની આ આરંભની – નારીના કલંકની વાત, તેની ભર્ત્સના કરવાની અ-વૃત્તિ તેને રાજલક્ષ્મી સાથે જોડે છે. રાજકુમારના નિમંત્રણથી ભમવા જતાં મળે છે પિયારીબાઈ-ગાનારી, જે પોતાની ખરી ઓળખ-શ્રીકાન્તની બાલસખી રાજલક્ષ્મી-પ્રકટ કરે છે. રાજલક્ષ્મી, જે બાલ્યાવસ્થામાં શ્રીકાન્તને બંચીના ફળની માળા પહેરાવતી, શ્રીકાન્તનો માર ખાતી – તેણે તો શ્રીકાન્તની સ્મૃતિ જાળવી રાખી છે, કારણ તે તેને ચાહતી હતી  વિસ્મૃત થયેલી બાલસખીની હવે શ્રીકાન્તને યાદ આવે છે અને એક વ્યથાને અનુભવે છે. પણ બંને પોતપોતાને માર્ગે જઈ છૂટાં પડે છે. એક વાર સખત બીમારીમાં પટકાતાં પિયારી તેને પોતાને ત્યાં પટણા લાવે છે. અન્નદા પાસેથી મળેલા સંસ્કારને કારણે તે રાજલક્ષ્મીને પતિતા તરીકે ગણે જ નહિ, તેમ છતાં ઊંડે રહેલા કોઈ સંસ્કારને કારણે ગૃહસ્થ તરીકે તેની આ પ્રેમિકાને સ્વીકારી શકતો નથી; બીજી તરફ રાજલક્ષ્મીએ પોતાની શોક્યના પુત્ર બંકુનું ‘માતૃપદ’ સ્વીકાર્યું છે, તેથી તે પણ સંકોચ અનુભવે છે. ‘પ્રબળ પ્રેમ પાસે જ ખેંચતો નથી, એ દૂર પણ ધકેલે છે’, એ રીતે શ્રીકાન્ત ત્યાંથી નીકળી જાય છે.

નવલકથાના બીજા ભાગમાં મુખ્ય વાત તો છે શ્રીકાન્તની બર્માયાત્રાની. ત્યાંના નિવાસ દરમિયાન મળેલ અભયા-રોહિણીબાબુની, પણ તેનું અનુસંધાન મુખ્ય કથા સાથે થાય છે અભયાના વ્યક્તિત્વ દ્વારા. અભયા પતિને શોધવા બર્મા આવી છે, પણ પતિ બીજી બર્મી સ્ત્રી સાથે રહે છે, છતાં તે તેને સ્વીકારે છે. પણ એ પતિ તેને નેતરની સોટીથી માર મારી કાઢી મૂકે છે ત્યારે અભયા રોહિણી(જે ગામ સંબંધે ભાઈ કહેવાય)બાબુ સાથે રહેવા લાગે છે. અભયા માને છે કે આવા પતિ સાથે વિવાહના મંત્રો બંધનકર્તા નથી. પત્ર દ્વારા રાજલક્ષ્મીને આની જાણ થતાં તે અભયાને ‘સહસ્ર કોટી’ વંદન કહેવડાવે છે. રાજલક્ષ્મી અભયાને ઓળખી શકી અને તેના દ્વારા શ્રીકાન્તને માટે અભયાનો વ્યવહાર એક નવી અભિજ્ઞતા બની રહે છે – નારી વિશેની નવી દૃષ્ટિ. અભયાની વાત સ્વતંત્ર રીતે માત્ર એક કથાપ્રસંગ છે, પણ તે શ્રીકાન્ત-રાજલક્ષ્મીને તેમના માન્ય સંસ્કારપ્રભાવમાંથી મુક્ત બનવાની દિશાનો સંકેત બને છે – પ્રેમને જડ સંસ્કારજન્ય માન્યતાઓથી ઊંચે સ્થાને સ્થાપે છે.

ત્રીજા ભાગમાં રાજલક્ષ્મી શ્રીકાન્તના સ્વાસ્થ્ય માટે તેને ગંગામાટિ નામના એક ગામમાં લઈ જાય છે  શ્રીકાન્તે પોતાને સંપૂર્ણપણે રાજલક્ષ્મીને સોંપી દીધો છે પણ રાજલક્ષ્મી પોતાના કલ્મષભર્યા જીવનને અધ્યાત્મમાર્ગે શુદ્ધ કરવા અભીપ્સુ બની વ્રતતપમાં મગ્ન બને છે. ગંગામાટિના નિવાસ દરમિયાન આવતો તરુણ સાધુ વજ્રનંદ, કુશારી દંપતી અને સુનંદા – આ નવાં પાત્રો એક રીતે શ્રીકાન્ત-રાજલક્ષ્મીની મન:સ્થિતિઓનાં આલેખન માટે સહાયક બને છે. સુનંદાના સત્સંગમાં અને તપમાં, પિયારીમાંથી રાજલક્ષ્મી બનવા જતાં, શ્રીકાન્ત તરફ બેધ્યાન બને છે ત્યારે શ્રીકાન્તને તે દૂર જતી રહી લાગે છે. એને થાય છે કે રાજલક્ષ્મીને પોતાથી મુક્ત કરી પોતે દૂર બર્મા જવું જોઈએ. સતીશ ભારદ્વાજ અને ચક્રવર્તી દંપતી સાથેના પ્રસંગો પછી શ્રીકાન્ત પોતે માંદો પડતાં ફરી ગંગામાટિ પહોંચે છે. ધર્માભિમુખ થયેલી રાજલક્ષ્મીને શ્રીકાન્તાભિમુખ બનવા બાધ્ય થવું પડે એટલું મૂલ્ય ઉપરના પ્રસંગોનું છે – મુખ્ય કથા સાથે સીધો સંબંધ ન હોવા છતાં બર્મા જતાં પહેલાં કાશી ગયેલી રાજલક્ષ્મીને મળવા જાય છે ત્યારે રાજલક્ષ્મીનું જુદું જ રૂપ – કેશ કપાવેલા, ઉપવાસથી રુક્ષતા આવેલી એવું – જુએ છે. ત્યાં કોઈ પુંટુ નામની સ્ત્રી સાથે શ્રીકાન્તના લગ્નની વાત આવે છે, તે જાણી રાજલક્ષ્મી અનુમતિ તો નથી જ આપતી, પણ ગુરુદેવને છોડવા તૈયાર થાય છે. ધર્માચરણમાં શ્રીકાન્તને ખોવો પડે તો જપતપ વગેરે છોડી દે. પોતે વિધવા છે તેથી ધર્મને નામે પરભવ ખાતર આ જીવનને નષ્ટ કરવા હવે ઇચ્છતી નથી. તેને અભયાનું સ્મરણ છે. હવે શ્રીકાન્ત માટે કોઈ દ્વિધા (ambivalence) રહેતી નથી – રાજલક્ષ્મીનો સ્વીકાર મળી ગયો છે. આ ઘટના આમ તો ચોથા ભાગની શરૂઆતમાં છે અને નવલકથા અહીં પૂરી થઈ હોત; પણ ચોથા ભાગમાં લેખક વાચકને નવા પ્રદેશમાં લઈ જાય છે – શ્રીકાન્તના કવિમિત્ર ગહર અને મુરારિપુરના વૈષ્ણવ અખાડામાં. ગહર દ્વારા શ્રીકાન્ત કમલલતાને પેલા વૈષ્ણવ અખાડામાં મળે છે. શ્રીકાન્તને મળતાં જ વૈષ્ણવી કમલલતા એવી તો અંતરંગતાથી વાત કરે છે કે શ્રીકાન્તને તો થાય જ – વાચકનેય વિસ્મય થાય છે ! પણ આ વૈષ્ણવીમાં પ્રેમની આધ્યાત્મિક છાપ સાથે લોહમાંસની પ્રેમભરી નારીનું રૂપ પણ શરદચંદ્રે ઉપસાવ્યું છે. જ્યારે તે પાછો કોલકાતા જાય છે ત્યારે રાજલક્ષ્મીનું રૂપ જોઈ તે આભો બની જાય છે – રાજલક્ષ્મી સજીને નવે રૂપે સામે આવે છે – તે શ્રીકાન્તને ખોવા તૈયાર નથી. શ્રીકાન્ત કમલલતાની વાત કરે છે ત્યારે રાજલક્ષ્મી પણ મુરારિપુરના અખાડામાં જઈ તેને મળે છે. અહીં તે શ્રીકાન્તનું જાણે વધારે સંવનન કરે છે અને મહંતશ્રી પાસે શ્રીકાન્તની સેવાચાકરી માટે આશીર્વાદ માગે છે. રાજલક્ષ્મી હવે બર્મા સાથે જવા તૈયાર થાય છે  સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે. પણ શ્રીકાન્ત ફરી એક વાર કમલલતાને મળી લેવા ઇચ્છે છે – ગહર હવે નથી, અખાડામાં વિષાદ છે, ગહરની માંદગીમાં કમલલતાએ તેની સેવા કરી, તેથી તેને ‘ધર્મચ્યુત’ ગણવામાં આવી છે, આશ્રમ છોડવાની સ્થિતિ આવી છે. શ્રીકાન્ત અને કમલલતા એક જ ટ્રેનમાં નીકળે છે – કમલલતા કાશી જશે, શ્રીકાન્તને ગંગામાટિ જવા વચ્ચેના સ્ટેશને ઊતરવાનું થાય છે. પ્લૅટફૉર્મ પર ઊભેલા શ્રીકાન્તનો હાથ પહેલી વાર કમલલતા પકડે છે અને શ્રીકાન્તને કહે છે કે ચિંતા છોડી દઈ પ્રભુના ચરણમાં પોતાને સમર્પિત કરે. કથા અહીં પૂરી થાય છે. શ્રીકાન્ત-રાજલક્ષ્મીના સહજીવનની વાત આવતી નથી, આમ છતાં કમલલતા માટેનો સ્નેહ હોઈનેય, તેના ચિત્તપ્રદેશમાં મુખ્ય સ્થાને રાજલક્ષ્મી જ છે. ઇન્દ્રનાથ કે અન્નદા, અભયા કે સુનંદા અને કમલલતા પણ છેવટે તો શ્રીકાન્ત-રાજલક્ષ્મીની પ્રેમસૃદૃષ્ટિને બંધનથી બાંધતી જતી કડીઓ છે.

અનિલા દલાલ