શૉલ્ઝ, ક્રિસ્ટૉફર લૅથામ
January, 2006
શૉલ્ઝ, ક્રિસ્ટૉફર લૅથામ (જ. 14 ફેબ્રુઆરી 1819, મૂર્ઝબર્ગ, પેન્સિલવેનિયા; અ. 17 ફેબ્રુઆરી 1890) : ટાઇપરાઇટર વિકસાવનાર અમેરિકન સંશોધક. તેમણે શાળાશિક્ષણ પૂરું કર્યા બાદ તાલીમી પ્રિન્ટર તરીકે તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો. 4 વર્ષ બાદ માબાપ સાથે વિસ્કોન્સિનમાં સ્થળાંતર કર્યું. થોડા વખતમાં જ મેડિસોનમાં ‘વિસ્કોન્સિન એન્ક્વારર’ના સંપાદક બન્યા, એક વર્ષ બાદ સાઉથપૉર્ટ ગયા અને અખબારના તંત્રી તરીકે કાર્ય કર્યું. થોડા જ વખતમાં રાજકારણમાં પ્રવેશ કર્યો અને રાજ્યવિધાનસભામાં સેવા આપી.
1860માં તેઓ ‘મિલ્વૉકી ન્યૂઝ’ પછી ‘મિલ્વૉકી સેન્ટિનેલ’ના સંપાદક બન્યા. તેવામાં પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકને તેમની નિમણૂક કલેક્ટર ઑવ્ ધ પૉર્ટ-મિલ્વૉકી તરીકે કરી.
આ હોદ્દાની ફરજ દરમિયાન પણ તેમની સંશોધનપ્રતિભા ઝળકી ઊઠી. 1864માં તેમણે અને તેમના મિત્ર સૅમ્યુઅલ ડબ્લ્યૂ. સોલેને પેજ- નંબરિંગ મશીન માટે પેટન્ટ મંજૂર કરાવી. સાથી સંશોધક-મિકેનિક કાર્લોસ ગ્લિડનની સહાયથી તેમણે લેટર-પ્રિન્ટિંગ મશીનની ક્રાંતિકારી શોધ કરી અને બાકીનું જીવન આ પ્રૉજેક્ટ પાછળ ગાળ્યું. ગ્લિડન અને શોલેની સાથે શૉલ્ઝે 23 જૂન, 1868ના રોજ ટાઇપરાઇટરની પેટન્ટ મંજૂર કરાવી. તેમાં જરૂરી સુધારો કરાતાં તેમની વધુ બે પેટન્ટ મંજૂર કરવામાં આવી. 1873માં તેમણે તેમની એ પેટન્ટના હકો 12,000 ડૉલરમાં રેમિંગ્ટન આર્મ્સ કંપનીને વેચ્યા, જેણે તેમાં સુધારાવધારા કરીને બજારમાં રેમિંગ્ટન ટાઇપરાઇટર મૂક્યું.
મહેશ ચોકસી