શોલોખૉવ મિખાઇલ (. 24 મે 1905, વેશેન્સ્કાયા, રશિયા; . 21 ફેબ્રુઆરી 1984, વેશેસ્કાયા, રશિયા) : રશિયન નવલકથાકાર અને 1965ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. રશિયાના કાઝાક્ષ પ્રદેશમાં જન્મ. 1918 સુધીમાં જુદી જુદી શાળાઓમાં અભ્યાસ. રશિયામાં થયેલ આંતરયુદ્ધ દરમિયાન ક્રાન્તિકારીઓને પડખે રહી લડતમાં ભાગ લીધો. 1922માં પત્રકાર થવાના ઉદ્દેશથી મૉસ્કો તરફ પ્રયાણ. ત્યાં રહીને છાપામાં વિવિધ પ્રકારની વાર્તાઓ પ્રકાશિત કરી. આમ 1926થી સાહિત્યિક કારકિર્દીની શરૂઆત થઈ.

મિખાઇલ શૉલોખૉવ

સૌપ્રથમ વાર્તાસંગ્રહ તે ‘ટેઇલ્સ ફ્રૉમ ધ દોન’. આ વાર્તાઓમાં પોતાના વતન કાઝાક્ષના જનજીવનનું ચિત્રણ છે. આ જ વર્ષે તેમની યશસ્વી કૃતિ ‘ઍન્ડ ક્વાયટ ફ્લોઝ ધ દોન’ જેનો ગુજરાતીમાં અનુવાદ ‘ધીરે વહે છે દોન’ નામે થયો છે, તેની શરૂઆત કરી. આ નવલકથા લખવામાં તેમણે ચૌદ વરસનો સમય લીધો. મૂળ ત્રણ ભાગમાં વહેંચાયેલી આ મહાકાવ્ય સમી નવલકથામાં શૉલોખૉવ મિખાઇલે ટૉલ્સ્ટૉયના વિશ્લેષણાત્મક વાસ્તવવાદની નિરૂપણ-પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, જેને સમાજવાદી વાસ્તવવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. પાત્રોના નિરૂપણ દ્વારા બાહ્ય વર્તન અને આંતરિક ઉદ્દેશ વચ્ચેની ભિન્નતાના અનુસંધાનમાં માનવસ્વભાવનું વિશ્લેષણ એ આ નિરૂપણ-પદ્ધતિનું મહત્વનું પાસું છે. આ નવલકથા પૂર્ણ કરતાં પહેલાં, વચ્ચે શૉલોખૉવે કાઝાક્ષ પ્રદેશના જનઆંદોલનની વાત ‘વર્જિન સૉઇલ અપટર્ન’ અને ‘હાર્વેસ્ટ ઑન ધ દોન’ લખવામાં સમય ફાળવ્યો.

શૉલોખૉવની કૃતિઓમાં સામ્યવાદી વિચારસરણીવિરોધી લોકોની મનોદશાનું તટસ્થ નિરૂપણ એ નોંધપાત્ર પાસું છે. ‘દોન’ નવલકથાના નાયક ગ્રિગોરી મેલેખૉવની મન:સ્થિતિનું વર્ણન પ્રતીતિકર લાગે છે. રૂસી જર્મન મોરચો છોડ્યા બાદ ઝારશાહીના પતનથી તેને હરખ થાય છે; પણ બૉલ્શેવિકોને તે ધિક્કારે છે, તેમની સામે મોરચો માંડે છે; પણ ગોરાઓ તેનો વિશ્વાસ કરતા નથી અને સમય જતાં તે બુદેનીની લાલ સેનામાં જોડાય છે. તેને ખબર છે કે પહેલાંનું રશિયા હવે નામશેષ થઈ ગયું છે, પણ નૂતન રશિયાનો તે સ્વીકાર કરી શકતો નથી. નવાં જોડાણોવાળાં જૂથોથી તે ત્રસ્ત થાય છે અને ફરી પાછો સામ્યવાદવિરોધી બની જાય છે. શૉલોખૉવે ગ્રેગરીના પાત્ર દ્વારા તેની પોતાના વતન માટેની લાગણી શ્રેષ્ઠતમ રીતે નિરૂપી છે. આ મહાકાવ્ય સમ કૃતિ અદૃશ્ય થતા જતા ગ્રામજીવન માટેનો જાણે કે કરુણ વિલાપ છે. ‘દોન’ નવલકથાને યુગોથી ચાલી આવેલા કૃષિજીવન અને કૃષિ-સંસ્કૃતિના ઊર્મિગત સ્વીકારની કથા ગણી શકાય. શૉલોખૉવનાં અન્ય મુખ્ય લખાણોમાં સ્ટાલિનના જમીન-એકત્રીકરણના પ્રયાસો અને તેનાથી પેદા થયેલી યાતનાઓ અને વિદ્રોહની કથાઓ છે. શૉલોખૉવ રશિયન સામ્યવાદને વરેલ હતા અને એકત્રીકરણમાં માનતા પણ હતા; પરંતુ તેનાં પરિણામોથી તેમના હૃદયને અત્યંત દુ:ખ પહોંચેલું. 1965માં નોબેલ પારિતોષિક પ્રાપ્ત કર્યા બાદ શૉલોખૉવનું જીવન પલટાયું. સર્જન તો તેમણે લગભગ છોડી દીધું. અત્યંત ઉન્નતભ્રૂ જીવનશૈલીથી, દોન નદીના કિનારે બનાવેલ પોતાના વૈભવી વિલાસમાં તેઓ નિવાસ કરતા. ત્યાં તેમનું પોતાનું વિમાન અને પોતાનું થિયેટર પણ હતું. શરાબ, શિકાર અને વૈભવી શૈલીના જીવનમાં તેમણે છેલ્લાં વર્ષો પસાર કર્યાં. આ બધું જોઈને કેટલાકે તો એવી પણ શંકા વ્યક્ત કરવા માંડી કે શૉલોખૉવની યશસ્વી કૃતિઓના સર્જક સાચેસાચ શૉલોખૉવ હતા કે કેમ ? 1974માં સોલ્ઝેનિત્સિને એક પુસ્તકમાં એવો પણ આક્ષેપ કર્યો કે એક એફ. ડી. ક્રિયુકૉવ (1870-1920) નામના કાઝાક્ષના લેખકે ‘દોન’ નામની યશસ્વી કૃતિનું સર્જન કરેલું; પરંતુ વિવેચકોએ કાળજીપૂર્વકની ચકાસણી કરીને આવા આક્ષેપોને રદિયો આપ્યો છે. શૉલોખૉવને વિવેચકો રશિયાના અત્યંત પ્રતિભાવંત સર્જક તથા જુલ્મનો શિકાર બનેલ સંવેદનશીલ વ્યક્તિ તરીકે નવાજે છે.

પંકજ સોની