શોલ્સ, માયરન સૅમ્યુઅલ (. 7 જાન્યુઆરી 1941, ટિમિન્સ, કૅનેડા) : 1997ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. કૅનેડાના ઑન્ટોરિયા પ્રાંતમાં આવેલ હૅમિલ્ટન ખાતેની મૅકમાસ્ટર યુનિવર્સિટીમાંથી 1961માં અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ.ની પદવી મેળવ્યા પછી અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાં જોડાયા, જ્યાં અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના વિજેતા મેર્ટન એચ. મિલરના માર્ગદર્શન હેઠળ 1964માં એમ.બી.એ. અને 1970માં ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યારબાદ એક પછી એક અમેરિકાની ત્રણ યુનિવર્સિટીઓમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપી. 1968-73ના ગાળામાં મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી-(MIT)માં, 1973-83ના દાયકા દરમિયાન શિકાગો યુનિવર્સિટીમાં તથા 1983 પછીના ગાળામાં સ્ટૅનફર્ડ યુનિવર્સિટી(અર્થશાસ્ત્રના તથા કાયદાશાસ્ત્રના પ્રોફેસર)માં કામ કર્યું. સાથોસાથ અમેરિકાની અર્થકારણ તથા નાણાવ્યવસ્થાને લગતી ઘણી સંસ્થાઓ સાથે સલાહકાર તરીકે તેઓ સંકળાયેલા રહ્યા; જેમાં ‘નૅશનલ બ્યૂરો ઑવ્ ઇકૉનૉમિક રિસર્ચ’, ‘સાલોમન બ્રધર્સ’ તથા નોબેલ પારિતોષિકના તેમના સહવિજેતા રૉબર્ટ સી. મેર્ટને સ્થાપેલી લૉંગ ટર્મ કૅપિટલ મૅનેજમેન્ટ સંસ્થાનો સમાવેશ થાય છે.

અર્થશાસ્ત્ર અને ખાસ કરીને વિશ્વના નાણાબજારને લગતું જે મુખ્ય પ્રદાન શોલ્સે કર્યું છે તેને ‘બ્લૅક-શોલ્સ ઑપ્શન વૅલ્યુએશન ફૉર્મ્યૂલા’ તરીકે ઓળખવામાં આવે છે. આ ફૉર્મ્યૂલા ફિશર બ્લૅક અને માયરન શોલ્સે 1973માં રજૂ કરી હતી. આ ફૉર્મ્યૂલાનું નામ સૂચવે છે તે મુજબ હકીકતમાં આ પ્રદાન સાથે સંબંધ ધરાવતું મૂળ વિશ્લેષણ અને તેમાંથી ઉદ્ભવતાં પાયાનાં તારણોનું બયાન રજૂ કરવામાં શોલ્સ સાથે ફિશર બ્લૅક નામના અર્થશાસ્ત્રીનો ફાળો નોંધપાત્ર હતો અને તેથી વાસ્તવમાં આ પ્રદાન માટે અપાયેલ નોબેલ પારિતોષિક શોલ્સ સાથે બ્લૅકને એનાયત થયું હોત તો તે વાજબી ગણાત; પરંતુ 1997ના વર્ષ માટેનું પારિતોષિક જાહેર થયું તે પૂર્વે જ 1995માં બ્લૅકનું અવસાન થયું હતું. (નોબેલ પારિતોષિક અંગેના નિયમોમાં એક નિયમ એ છે કે તે મરણોત્તર આપી શકાય નહિ.) અલબત્ત, શોલ્સના સહવિજેતા રૉબર્ટ સી. મેર્ટને ‘બ્લૅક-શોલ્સ ફૉર્મ્યૂલા’ની મૂળ રજૂઆતમાં નોંધપાત્ર વિસ્તરણ કરી તેને વ્યાપક ફલક પર ઉપયુક્ત કરવાનો સફળ પ્રયાસ કર્યો હતો, જેથી અર્થતંત્રનાં અન્ય ક્ષેત્રો ઉપરાંત નાણાબજાર સાથે સંબંધ ધરાવતી વિશિષ્ટ પ્રવૃત્તિઓ પણ તેના હેઠળ આવરી લઈ શકાય.

માયરન સૅમ્યુઅલ શોલ્સ

1973માં ‘બ્લૅક-શોલ્સ ફૉર્મ્યૂલા’ જાહેર થઈ તે પૂર્વે એવી કોઈ પદ્ધતિ રોકાણકારોને ઉપલબ્ધ ન હતી, જેની સહાયથી રોકાણકારો તેમના મૂડીરોકાણનું ભાવિ મૂલ્ય કેટલું થશે તેનો અંદાજ કરી તે દ્વારા વર્તમાનમાં રોકાણ કરવું કે નહિ અને કરવું યોગ્ય હોય તો ઓછામાં ઓછા જોખમ સાથે કેટલું રોકાણ કરવું તે અંગે નિર્ણયો લઈ શકે. ‘બ્લૅક-શોલ્સ ફૉર્મ્યૂલા’ના ઉપયોગથી વર્તમાન મૂડીરોકાણના મૂલ્યમાં ભવિષ્યમાં અર્થતંત્રમાં થતી સંભવિત ઊથલપાથલની આગાહી કરી શકાય અને તેના દ્વારા મૂડીરોકાણ અંગે નિર્ણયો લઈ શકાય તેમ છે.

આ ફૉર્મ્યૂલાની યથાર્થતા કેટલીક ધારણાઓ તથા મર્યાદાઓ પર અવલંબે છે; જેમાં ઘટાડો કરવાનો રૉબર્ટ મર્ટને પ્રયત્ન પણ કર્યો છે; તેથી વિશ્વસ્તર પર રોકાણકારો તેનો વ્યાપક ઉપયોગ કરતા થયા છે, જે નોંધપાત્ર બાબત છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે