શૈવાગમ : શૈવમત-પ્રતિપાદક શાસ્ત્રો. ઉપ-આગમો સહિતનાં આગમોની સંખ્યા 200 કરતાં પણ વધુ છે. તેમની રચના ઈ. સ.ની સાતમી સદીથી આરંભાઈ અને સમય જતાં એમાંથી તમિળ શૈવ, વીર શૈવ અને કાશ્મીરી શૈવ મતોનો વિકાસ થયો. આગમો અનુસાર એમની રચના સ્વયં શિવે અને દુર્વાસા ઋષિએ કરી હતી. જોકે શિવની ઉપાસના તો આગમો રચાયાં એ પૂર્વે ઘણે વહેલેથી પ્રચલિત થઈ હતી. ભારતીય જીવન પર આ ઉપાસનાનો ઘણો ઊંડો પ્રભાવ પડેલો જોવામાં આવે છે. શૈવાગમોમાં મુખ્ય ‘માલિનીવિશ્વાસ’, ‘સ્વચ્છંદ’, ‘વિજ્ઞાન-ભૈરવ’, ‘આનંદ ભૈરવ’, ‘મૃગેન્દ્ર’, ‘માતંગ’, ‘સ્વયંભૂ’, ‘રુદ્રયામલ’ અને ‘કામિકાગમ’ વગેરે મહત્વનાં છે. મૂળમાં આગમો દ્વૈત-પ્રતિપાદક હતાં. પરંતુ પાછળથી તેમની અદ્વૈતવાદી વ્યાખ્યા – ખાસ કરીને કાશ્મીરના શૈવ દાર્શનિકોએ પ્રસ્તુત કરી. આ આગમશાસ્ત્રોનો ભારતીય સાહિત્ય અને કલા પર વિશેષ પ્રભાવ પડેલો છે. કાલિદાસનાં ત્રણે નાટકોના મંગલશ્લોક સ્પષ્ટપણે શૈવાગમપ્રેરિત છે. નાટક, નૃત્ય, શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, સંગીત, શબ્દશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, સાંખ્ય અને વૈશેષિકનાં તત્વોની ચર્ચા શૈવ આગમોમાં મળે છે. આ આગમોની લોકવિશ્વાસની સાથેની સમરસતાને લઈને ધીમે ધીમે એમની ગણના વેદો સમકક્ષ થવા લાગી. મધ્યયુગના ઉત્તરાર્ધ સુધીમાં પહોંચતાં તો નિગમની જેમ આગમ પણ પ્રમાણભૂત મનાવા લાગ્યાં. આગમ ગ્રંથો અનુસાર 36 તત્વો હોય છે. એમાં સાંખ્યનાં 24 તત્વો ઉપરાંત 7 મિશ્ર તત્વો જેમ કે કાલ, નિયતિ, કલા, વિદ્યા, રાગ, અશુક્રમાયા અને પ્રકૃતિમાયા ઉપરાંત પાંચ શુદ્ધ તત્વો જેવાં કે; શિવ, શક્તિ, સદાશિવ, ઈશ્વર અને શુદ્ધ વિદ્યા – આ 36 તત્વો ગણાવ્યાં છે.
પ્રવીણચંદ્ર પરીખ