શૈવાલિની : બટુભાઈ ઉમરવાડિયા (13-7-1899 – 19-1-1950) લિખિત ચાર પ્રવેશોમાં વિભાજિત એકાંકી (1927). શરૂઆતનાં દૃશ્યોમાં શૈવાલિનીનું પાત્ર ઉપસાવવા માટે અને એની લગ્નબાહ્ય સંબંધોની કુટિલતા અને અધ:પતન વિશે પતિ શ્રીમુખના મિત્ર સુબોધ દ્વારા ચર્ચા અને ચિંતા વ્યક્ત કરી તીવ્ર રહસ્ય ઘૂંટવામાં આવ્યું છે. પતિ શ્રીમુખ શૈવાલિનીને કેમ માફ કરે છે અને શ્રીમુખનાં મા શૈવાલિની પ્રત્યે કેમ આદર રાખે છે એ પણ પેલા રહસ્યનો ભાગ બને છે. અંતે ખ્યાલ આવે છે કે પૂર્વજન્મમાં બનેલી ઘટનાઓથી આ જન્મમાં શ્રીમુખ શૈવાલિની પ્રત્યે આવો અભિગમ દર્શાવે છે. કેટલાક વિવેચકોને મતે શૈવાલિનીના સ્ત્રી-ચાંચલ્યને બુદ્ધિપૂત નિર્લેપભાવે નિહાળી રહેતો અને જીવનની વિચક્ષણતાનું અવગાહન કરવા મથતો ચિંતનશીલ પુરુષ અને બૌદ્ધિક યુગ અને કર્તાના પ્રતિનિધિ જેવો શ્રીમુખ બટુભાઈએ આલેખ્યો છે; પણ ‘માલાદેવી’ નાટકમાં જે રીતે ખુમારીભરી નાયિકા ઊપસે છે એ રીતે શૈવાલિનીનું પાત્ર અહીં ઊપસતું નથી. તોપણ ‘માલાદેવી’ કરતાં વાતાવરણ, વસ્તુ અને વિચારભારના પરસ્પરના સંકલનની અર્થસાધક નાટ્યમયતાના કારણસર શૈવાલિની પ્રત્યે વાચક નવી કેળવાયેલી અભિરુચિથી આકર્ષિત થઈ શકે છે. અંતે પૂર્વજન્મમાં બન્યું હતું તેમજ ચોથા દૃશ્યમાં શૈવાલિની અને શ્રીમુખના ઘરને વૈશ્વાનર ઘેરી લે છે અને ક્ષણેકભરમાં તો બધું ભડબડ બળી રહે છે. એકાંકીના પ્રારંભે વ્યક્ત થતી લગ્ન અને લગ્નબાહ્ય સંબંધોની નૈતિકતાને આ રીતે તર્કસંગત કારણોથી સમજાવવામાં આવી છે. ચાર દૃશ્ય જેટલો પ્રસ્તાર ધરાવતા આ એકાંકીમાં શ્રીમુખ પૂર્વ-જન્મની આખી વાર્તા વર્ણવે છે. એથી એકાંકી-બંધ થોડો ઢીલો તો પડે જ છે, છતાં ગુજરાતીના એકાંકી-લેખનમાં પૂર્વસૂરિ ગણાતા બટુભાઈનું આ એકાંકી વીસમી સદીની નારીનું ચિત્રણ 1927માં રજૂ થતું હોવાથી, ગુજરાતી એકાંકીઓમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

હસમુખ બારાડી