શૈલી : સાહિત્યની લેખનરીતિના સંદર્ભમાં વપરાતો શબ્દ. અંગ્રેજી ભાષામાંના ‘style’ના પર્યાય રૂપે ગુજરાતમાં યોજાયેલી સંજ્ઞા. અંગ્રેજી ‘style’ શબ્દ મૂળ લૅટિન ભાષામાંથી ઊતરી આવ્યો છે, ત્યાં તે વિભિન્ન અર્થમાં યોજાતો જોવા મળ્યો છે. ‘પાષાણ, અસ્થિ કે ધાતુ વગેરેમાંથી બનાવેલી કલમ’ એ અર્થમાં લૅટિન ભાષામાં આ સંજ્ઞાનો ઉપયોગ થયો છે. પછી ‘લખવાની કે કહેવાની પદ્ધતિ કે રીત’ એવા વિશિષ્ટ અર્થમાં આ સંજ્ઞા પ્રયોજાતી આવી છે. ઉત્તરોત્તર આજ સુધી (2006) આ સંજ્ઞાના સંકેતોમાં અનેક ફેરફારો થતા જોવા મળ્યા છે.
સાહિત્યનાં વિભિન્ન સ્વરૂપોમાં વાર્તા, કવિતા, નાટક, નવલકથા એ સર્વમાં કશીક સામગ્રી તો કોઈક ને કોઈક રૂપે હોય છે જ; પણ એ સામગ્રી વિશેષ પ્રકારના ભાષાવિધાન વડે આસ્વાદ્ય બનતી હોય છે; દા.ત., વૃક્ષ છે, વૃક્ષના વર્ણનમાં પર્ણ, ડાળ, મૂળ, ડાળ ઉપરનું ગાતું પંખી, વૃક્ષનો રંગ વગેરેનો સમાવેશ થાય છે; પણ એ વૃક્ષની સમગ્ર રૂપે આપણી સામે જે ઉપસ્થિતિ હોય છે, ચક્ષુથી હૃદય સુધી એનો જે પ્રભાવ વિસ્તર્યો છે એ અભિવ્યક્તિગત શબ્દલીલાનું તત્વ જુદું જ હોય છે. તેના વિના પેલું દૃશ્ય પૂરેપૂરું ન પ્રત્યક્ષ બને, ન હૃદયહારી બને. રચનામાં એવું જે તત્વ પરિસ્ફુરતું હોય છે તે શૈલી છે. કૃતિ સાથે જકડી રાખનારું તત્વ એ છે. એને સર્જકની વિશિષ્ટ આવડત તેનું વિલક્ષણ કૌશલ્ય કહી શકાય; નિરૂપણરીતિ કે નિરૂપણપદ્ધતિ પણ કહેવાય. શૈલી તે આવી વિશિષ્ટ, આગવી વાગ્ગત રજૂઆત-રીતિ કે પદ્ધતિ છે. સર્જક પોતાનું સંવેદનાજગત જે વડે, જે પદ્ધતિથી અભિવ્યક્ત કરે તે તેની શૈલી. આવા શૈલીતત્વને શબ્દ વડે સમજાવવું અઘરું છે. કદાપિ સમજાવવામાં આવે તોપણ તે તત્વ પૂરેપૂરું અભિવ્યક્ત થઈ શકતું નથી.
શૈલી એટલે શું ? – એવો પ્રશ્ન કરતાં બે મુખ્ય બાબતો ધ્યાન ઉપર આવતી જણાશે. એક, ઉપરટપકે નોંધી શકાય તેવી તે રીતરસમ છે. કોઈ પણ સર્જકની મહત્વની રચના વાંચવી શરૂ કરતાં, એના લખાણનાં બે-ત્રણ પૃષ્ઠોમાંથી પસાર થતાં તેના સર્જકનું નામ એ કૃતિમાં આપવામાં ન આવ્યું હોય તોપણ તેનો સર્જક ગોવર્ધનરામ, પન્નાલાલ કે કાન્ત, ઉમાશંકર યા તો સુન્દરમ્ કે સુરેશ જોષી છે તે તુરત વરતાઈ આવે છે. સારો લેખક એ રીતે સારા વાચકની સામે અછતો રહેતો નથી. આવા લેખકની અભિવ્યક્તિ કે વાણીની કેટલીક વિશિષ્ટ, ચિત્તને સ્પર્શી જાય તેવી તરાહો-ભંગિઓને પેલો મરમી વાચક તુરત પકડી લે છે. પછી આવનારા નવસર્જકો પણ પુરોગામી સર્જકોની ભાષાની આવી બાહ્ય ચેષ્ટાથી પ્રભાવિત થાય છે; એટલું જ નહિ, એ પ્રકારની ભાષાના બાહ્યઅસ્તરને પણ ક્યારેક જાણતાં તો ક્યારેક અજાણતાં પોતાની રચનામાં લઈ આવે છે. ક્યારેક ક્યારેક એવો નવો સર્જક તેમ કરીને રાજીપો પણ અનુભવતો હોય છે. પણ અહીં સાચું પૂછો તો ભાષા, શૈલીને નામે તે તેની કેટલીક બાહ્ય, ઉપરછલ્લી ભંગિઓને જ પકડી શક્યો હોય છે. તે ભલે એને ‘શૈલી’ કહેતો હોય, એ શૈલી નથી. શૈલી વિશેનો નબળો કે અધૂરો ખ્યાલ છે. સાચી શૈલી મન:સંપદા છે, ચૈતન્યગત આવિષ્કાર છે, જેનું અનુકરણ થઈ શકતું નથી.
એ ચૈતન્યગત આવિષ્કારનો વૉલ્ટર પેટર સાચી રીતે જ લખનારાના મસ્તિષ્ક અને આત્મા સાથે સંબંધ જોડે છે. કાર્લાઇલે એવી શૈલીને જ સર્જકના અંતસ્તત્વ રૂપે જોઈ છે. એને બાહ્ય નહિ પણ ભીતરનું તત્વ ગણી છે. જે પેલી રચનાનો જ એક અકાટ્ય ભાગરૂપ બની રહે છે અને સાથે સાથે રચનાનું વિશેષત્વ અને રચનાકારનું નિજી તત્વ પણ. ‘શૈલી’ સંજ્ઞાને સાચા અર્થમાં પામવા માટે આ અભિગમ સ્વીકારીને ચાલવું અનિવાર્ય છે.
ટૂંકમાં, શૈલી વિશેના પ્રમુખ રૂપે એમ બે ખ્યાલ નજર સામે આવી રહે છે. એક તેને વક્તવ્યથી અલગ કરી શકાય, એવો બાહ્ય તત્વનો ખ્યાલ. વક્તા કે લેખક જે ભાષા કે અભિવ્યક્તિને અમુક પ્રકારે યોજે; શબ્દપસંદગી, અલંકાર, કહેવતો, રૂઢ પ્રયોગો, અમુક-તમુક આરોહ-અવરોહવાળી કે લયાન્વિતતાવાળી વાક્યરચના વગેરે જેમાં હોય; જે એક રીતનો સાજ-શણગાર હોય અને જેને કોઈ ઇચ્છે તો કૃતિ-વક્તવ્યથી પૃથક્ કરી શકે એવું શૈલીનું બાહ્ય પાસું. બીજો ખ્યાલ કૃતિ કે વક્તવ્યથી જેને અલગ જ ન કરી શકાય, એવા ચિત્તના કે આત્મતત્વ કે નિજત્વના વણાટનો છે, સર્જકના જ સમગ્ર સંવિદથી, ચેતાતંત્રથી પ્રેરિત અને પ્રતિબિંબિત કરતું શૈલીનું આંતરિક પાસું. સર્જકની વૈયક્તિક મુદ્રાનો પદે પદે અનુભવ કરાવતી, માત્ર જે તે સર્જકની જ કહી શકાય તેવી સર્જકના અંતરતમને સાક્ષાત્ પ્રગટ કરતી શૈલી. ખાસ કરીને પશ્ચિમમાં, ઓગણીસમી સદીમાં શૈલી વિશેનો વધુ સ્વીકૃત બને, સાચો કહી શકાય તેવો, આ ખ્યાલ સાહિત્યવિવેચનમાં સ્ફુટ થતો જોઈ શકાય છે. ઍરિસ્ટોટલ, ક્રોચે, વૉલ્ટર પેટર, વર્સફોલ્ડ વગેરે અનેકોમાં જુદે જુદે રૂપે શૈલીનો, એની સંજ્ઞાનો વિચાર થતો રહ્યો છે.
કાળક્રમે શૈલીનું આ બીજું પાસું તેનો ઉપર્યુક્ત બીજો સંસ્કાર વધુ દૃઢીભૂત થયો છે. ઉમાશંકર જોશી અને પશ્ચિમના મિડલ્ટન મરેને તેથી જ એકસાથે યાદ કરીને આ વાતને વધુ સારી રીતે પામી શકાય છે. ઉમાશંકર નોંધે છે : ‘‘ભાવનો રસ રૂપે અનુભવ કરવા અને કરાવવા માટેની કવિની દર્શન અને વર્ણનની શક્તિની જે વિશિષ્ટ પ્રવૃત્તિ તે એની શૈલી. સર્જકે સર્જકે તે અલગ અલગ રહેવાની. એક જ સર્જકનાં ભિન્ન ભિન્ન સર્જનોમાં પણ એ જુદી પડવાની. બે માણસોનાં મોઢાં સરખાં હોય તો બે કલાકૃતિઓની શૈલી સરખી હોય. દરેક સર્જકના જે વિશિષ્ટ મુદ્રા, પ્રત્યેક કલાકૃતિના જીવાતુભૂત રસતત્વને સ્ફુટ કરનારી જે વિવિધ રૂપલીલા તે તેની શૈલી.’’ તો મિડલ્ટન મરે નોંધે છે, ‘‘શૈલી એ લખાણનો કોઈ છૂટો કરી શકાય તેવો ગુણ નથી. લખાણ પોતે જ એ છે. એટલે કૃતિના દેહ અને આત્મા અવિભાજ્ય છે અને માત્ર વિચારને ખાતર જ આપણે એમ કહી શકીએ કે શૈલી એ ભાવો અને વિચારોને યથાતથ સંક્રાન્ત કરતો લેખકના આગવા વિશેષરૂપ ભાષાનો ગુણ છે.’’ ન્યૂમૅન પણ વ્યક્તિનો અવાજ જેમ તેનો પોતાનો અને આગવો છે તેમ શૈલી પણ વ્યક્તિની આગવી અને પોતીકી જ હોય છે એમ જે કહે છે તે સ્મરણમાં રાખવા જેવું છે.
અંગ્રેજીમાં ‘style is the man’ એવી ઉક્તિ ઉપરથી ‘શીલ તેવી શૈલી’નું સૂત્ર ગુજરાતીમાં પ્રચલિત બન્યું છે. પણ શીલ અને શૈલી સાથેનો માનવનો પૂરેપૂરો સંબંધ જોડી બતાવવામાં ઘણાં જોખમો છે. ક્યારેક શીલ કરતાં શૈલી અથવા શૈલી કરતાં શીલ કંઈક જુદું જ જોવા મળે છે. એનાં દૃષ્ટાંતો કોઈ પણ સાહિત્યમાં મળી રહે છે. માણસ હોય એના કરતાં જુદી રીતે પ્રકટવા મથે અથવા તે હોય એ રીતે પ્રકટવા ન મથે એવી શક્યતા છે જ. ઉમાશંકરે આ બાબત પરત્વે સંકેત કર્યો છે જ અને માત્ર વાઙ્મયી શીલ પૂરતો એ મુદ્દો સ્વીકાર્ય ગણ્યો છે.
‘શૈલી’ સંજ્ઞા વિશે આમ અનેક વિચારો પ્રવર્તે છે. સર્જકની ભાષાના બાહ્ય માળખાથી જેમ સર્જકના ભીતર સુધી તેનાં અર્થઘટનો થતાં રહ્યાં છે તેવું જ કોઈ એક ચોક્કસ સાહિત્યિક યુગની શૈલીનાં તારણો પણ નીકળ્યાં છે. શૈલીનું એવું એક સર્વસામાન્ય રૂપ પકડવાના પ્રયત્નો પણ થયા છે : જેમ કે, પંડિતયુગની શૈલી, જાગૃતિકાળ કે ગાંધીયુગની શૈલી અથવા આધુનિક યુગની શૈલી – અહીં બહુશ: તો અમુક સમયમાં લખાયેલી રચનાઓમાંથી કેટલીક વ્યાપક રૂપે, સમાન તત્ત્વો દાખવતી ભાષા કે તેની એવી લાક્ષણિકતાઓને આગળ કરવાનો પ્રયત્ન હોય છે. એ જ રીતે અમુકતમુક સાહિત્યપ્રકારની પણ આગવી શૈલી કે તેના સંકેત ખોળી શકાય; જેમ કે, ટૂંકી વાર્તા, નવલકથા અથવા સામે નાટક જેવાં સ્વરૂપો મૂકી જોતાં દરેક સ્વરૂપનો સર્વસામાન્ય કહી શકાય તેવો શૈલીપ્રપંચ અલગ અલગ જ જોવા મળવાનો. ‘શૈલી’ સંજ્ઞાની તપાસ કરનારે સર્જકના અંગત તત્વથી માંડીને સાહિત્યનો જે તે સમય, તે સમયની કૃતિનો વિભાવ, કૃતિસ્વરૂપ વગેરેને પણ લક્ષમાં રાખવાં પડે.
છેલ્લાં વર્ષોમાં રૂપરચનાના અભ્યાસીઓએ પણ ભાષાતત્વનો વિચાર કરતાં કરતાં ‘શૈલી’ સંજ્ઞા વિશે કેટલાક સંકેત પ્રસાર્યા છે તે પણ યાદ રાખવું ઘટે. રશિયન સ્વરૂપવાદ અને પ્રાગજૂથની વિભાવનાઓએ સાહિત્યિક ભાષા ઉપર ધ્યાન આપ્યું છે. તેમ કરતાં માન્ય ભાષાથી સાહિત્યભાષાની પૃથક્તા દર્શાવી બંનેમાં શૈલીગત તત્ત્વોને ચીંધી આપ્યાં છે.
નવ-અભ્યાસીઓએ શૈલીને કૃતિના આશય અને સંદર્ભ સાથે સંપૃક્ત એવા તત્વ રૂપે જોવાનો પણ પ્રયત્ન કર્યો છે. તો કૃતિની શૈલીનો વિચાર-વિમર્શ કરતી વેળા તેનાં અમુક-તમુક તત્ત્વોનો જ નહિ, પણ કૃતિની સમગ્ર ભાષાનોભાષાવિશ્વનો વિચાર કરવો જોઈએ એવું પણ એક ઉત્કટ વલણ રહ્યું છે. ભાષાના જાણીતા વિકલ્પોમાંથી એકની પસંદગી અને એવી પસંદગી તે શૈલી એવો એક વિભાવ પણ સામે આવ્યો છે. સીમા-શક્તિ સમેતનો અદ્વૈતમૂલક અને દ્વૈતમૂલક એવો શૈલીખ્યાલ પણ આજે અસ્તિત્વ ધરાવે છે.
ભારતીય કાવ્યમીમાંસામાં પણ ‘શૈલી’ સંજ્ઞાનો અનેક રૂપે વિચાર થયો છે. રીતિ, વૃત્તિ, માર્ગ, સંઘટના, ગુણ, અલંકાર કે વક્રોક્તિ વગેરેની ચર્ચા કોઈક ને કોઈક રૂપે ‘શૈલી’ તરફ સંકેત કરી રહે છે. વામનનો ‘વિશિષ્ટા પદરચના રીતિ:’ કે ‘વિશેષો ગુણાત્મા’નો ખ્યાલ કે આનંદવર્ધન જેને ‘સંઘટના’ રૂપે જુએ છે તે કે રાજશેખર જેવાનો ‘વચનવિન્યાસક્રમો રીતિ:’ અથવા ભોજની રીતિની વ્યુત્પત્તિમૂલક પરિભાષા કે કુંતકનો વક્રોક્તિવાદ સઘળા એ દિશાના પોતપોતાની રીતના પ્રયત્નો છે; પણ અહીં પશ્ચિમમાં શૈલીને સર્જકના વ્યક્તિત્વથી પ્લાવિત, અંકિત એવા ભાષારૂપ રૂપે જોવાનો જે પ્રયત્ન થયો છે તેનાથી જુદે રૂપે ‘શૈલી’ની તપાસ થઈ છે તે નોંધવું રહ્યું.
‘શૈલી’ સંજ્ઞા એકંદરે એમ કંઈક સંકુલ છે, અમૂર્ત પણ. એની બધી સ્પષ્ટતાઓ પછી પણ તેનું સ્વરૂપ પૂરેપૂરું ભાગ્યે જ ઊઘડી રહે છે.
પ્રવીણ દરજી