શૈલેન્દ્ર (. 30 ઑગસ્ટ 1923, રાવલપિંડી, હાલ પાકિસ્તાન; . 14 ડિસેમ્બર 1966, મુંબઈ) : ગીતકાર તથા ચલચિત્રનિર્માતા. મૂળ નામ શંકરસિંહ. પિતા કેશરીલાલ સિંહ બ્રિટિશ સેનામાં કૅન્ટીન-મૅનેજર હતા. તેઓ મૂળ બિહારના ભોજપુર જિલ્લાના વતની હતા. દલિત હોવાને કારણે સ્થાનિક જમીનદારોના ત્રાસથી વાજ આવીને કેશરીસિંહે રાવલપિંડીમાં જ રહેવાનું પસંદ કર્યું હતું અને નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ મથુરામાં સ્થાયી થયા હતા. શંકરનો પ્રાથમિક અભ્યાસ રાવલપિંડી અને મથુરામાં થયો હતો. મથુરામાં તેઓ ભણતા હતા તે દરમિયાન કાવ્યો રચવા માંડ્યાં હતાં અને આસપાસમાં જ્યાં પણ કવિસંમેલનો યોજાતાં તેમાં કાવ્યપઠન કરતા. આ દિવસોમાં જ તેમણે પોતાનું ઉપનામ ‘શૈલેન્દ્ર’ રાખ્યું અને પછી એ નામે જ વિખ્યાત થયા.  પિતા નિવૃત્ત થયા પછી ઘરની આર્થિક સ્થિતિ કફોડી થતાં શૈલેન્દ્રે

શૈલેન્દ્ર

અભ્યાસ છોડીને મથુરાની રેલવે-વર્કશૉપમાં વેલ્ડર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તે સાથે ઝાંસી રેલવે ખાતે તાલીમ લેવા માટે પાંચ વર્ષનો અભ્યાસ પણ શરૂ કર્યો. એ દરમિયાન જ 1941માં તેમનું પ્રથમ કાવ્ય ‘સાધના’ સામયિકમાં પ્રગટ થયું. એ પછી તો તેમનાં કાવ્યો એ સમયનાં જાણીતાં સામયિકોમાં પ્રગટ થવા માંડ્યાં. દરમિયાનમાં તેમની બદલી મથુરાથી મુંબઈ ખાતેના માટુંગા રેલવે વર્કશૉપમાં થઈ. અહીં વિશાળ કામદાર સમુદાય સાથે તેઓ સંપર્કમાં આવ્યા. મહાનગરમાંના તેમના વિવિધ પ્રશ્નો અંગે જાણીને આ સંવેદનશીલ કવિ ખળભળી ઊઠ્યા. તેમનાં કાવ્યોમાં આ પીડાઓને અવાજ મળવા માંડ્યો. એ વખતે તેઓ ‘શચીપતિ’ ઉપનામે નાટકો અને ગીતો લખતા. એ દિવસોમાં બલરાજ સાહની અને દુર્ગા ખોટે વગેરેના સંપર્કમાં આવતાં ‘ઇપ્ટા’ સાથે પણ જોડાયા હતા.

એક વાર મુંબઈની એક સાંસ્કૃતિક સંસ્થા ‘જનનાટ્ય સંઘ’ દ્વારા આયોજિત કવિસંમેલનમાં શૈલેન્દ્રની બે કવિતા ‘જલતા હૈ પંજાબ સાથિયોં’ અને ‘મોરી બગિયા મેં આગ લગા ગયો રે ગોરા પરદેશી’ને ખૂબ દાદ મળી. શ્રોતાઓ વચ્ચે એ સમયે હજી પાંગરી રહેલા ચિત્રસર્જક રાજ કપૂર પણ હતા. એ વખતે તેઓ પોતાના ચિત્ર ‘આગ’ માટે પરાકાષ્ઠાનું ગીત શોધી રહ્યા હતા. શૈલેન્દ્રની પ્રતિભા પારખીને તેઓ તેમને મળ્યા, પણ શૈલેન્દ્રે ત્યારે ચલચિત્રો માટે ગીત લખવાની ના પાડી દીધી.

1948ના વર્ષમાં માટુંગા રેલવે વર્કશૉપમાં જ શૈલેન્દ્ર ફોરમૅન બન્યા. એ દરમિયાન તેમનાં લગ્ન શકુંતલા સાથે થયાં. લગ્ન પછી મુંબઈમાં જ્યારે ઘર વસાવવાની નોબત આવી ત્યારે તેમની સમક્ષ આર્થિક સંકટો ઊભાં થવા માંડ્યાં. એ વખતે ચલચિત્રો માટે ગીતો લખવાનો તેમણે નિર્ણય કર્યો. રાજ કપૂરને જ તેઓ મળ્યા અને તેમના ચિત્ર ‘બરસાત’ માટે લખેલાં બે ગીતો પૈકી ‘બરસાત મેં હમ સે મિલે તુમ સજન’ ગીતે તેમને રાતોરાત ખ્યાતિ અપાવી દીધી. સમય જતાં તેમણે વર્કશૉપની નોકરી છોડી દીધી અને ચલચિત્રો માટે ગીતો લખવામાં વ્યસ્ત થઈ ગયા. સરળ પણ ભાવપૂર્ણ શબ્દો અને સરળતાથી જીભે ચઢી જાય તેવાં ગીતો તેમની વિશેષતા હતી.

રાજ કપૂરે શૈલેન્દ્ર ઉપરાંત ગીતકાર હસરત જયપુરી, ગાયક મુકેશ અને સંગીતકાર શંકર-જયકિશનની એક એવી મંડળી બનાવી લીધી હતી, જેમણે સાથે મળીને લાંબા સમય સુધી ઉમદા ચિત્રો આપ્યાં. મુંબઈના વસવાટ અને ચિત્રજગતની સાહ્યબી શૈલેન્દ્રને પોતાની જન્મભૂમિ બિહારથી દૂર રાખી શકી નહોતી. એક સફળ ભોજપુરી ચિત્ર ‘ગંગા મૈયા તોહે પિયરી ચઢાઇબો’ માટે તેમણે લખેલાં ગીતો ખૂબ લોકપ્રિય થયાં હતાં. બિહારના જ એક ખ્યાતનામ લેખક ફણીશ્વરનાથ રેણુની એક ટૂંકી વાર્તા ‘મારે ગયે ગુલફામ’ પરથી તેમણે પોતે ‘તીસરી કસમ’ ચિત્રનું નિર્માણ કર્યું હતું. આ ચિત્રને રાષ્ટ્રપતિનો ચંદ્રક મળ્યો હતો અને સમીક્ષકોએ પણ તેનાં ભરપેટ વખાણ કર્યાં હતાં, પણ કમનસીબે વ્યાવસાયિક દૃષ્ટિએ તે નિષ્ફળ ગયું હતું. એ પછી દારૂના વધુ પડતા સેવનને કારણે શૈલેન્દ્ર યકૃતની એક ગંભીર બીમારીમાં પટકાયા હતા અને માત્ર 46 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. રાજ કપૂરના ચિત્ર ‘મેરા નામ જોકર’ માટે તેમણે પોતાનું અંતિમ ગીત ‘જીના યહાં મરના યહાં ઇસ કે સિવા જાના કહાં’ લખ્યું અને બીજા જ દિવસે તેમનું નિધન થયું હતું. હિંદી ચલચિત્રોને તેમણે આપેલાં અનેક ગીતો કદી વીસરાય નહિ એવાં બની ગયા છે.

1960માં ચિત્ર ‘પરખ’ માટે તેમણે સંવાદો લખ્યા હતા  અને ‘બૂટ-પૉલિશ’, ‘શ્રી 420’ તથા ‘તીસરી કસમ’ સહિત પાંચ ચિત્રોમાં તેમણે એકાદ-બે શ્યોમાં દેખા દીધી હતી. તેમણે વિવિધ 28 સંગીતકારો માટે 171 હિંદી અને છ ભોજપુરી ચિત્રો માટે ગીતો લખ્યાં, તેમાં સૌથી વધુ 91 ચિત્રોનાં ગીતોને શંકર-જયકિશને સંગીતબદ્ધ કર્યાં હતાં. તેમનો પુત્ર શૈલી શૈલેન્દ્ર પણ ગીતકાર છે.

નોંધપાત્ર ગીતો : ‘રમૈયા વસ્તા વૈયા’, ‘મુડ મુડ કે ના દેખ’, ‘મેરા જૂતા હૈ જાપાની’ (‘શ્રી 420’), ‘રાજા કી આયેગી બારાત’ (‘આહ’), ‘સુનો સજના બરખા બહાર આઈ’ (‘પરખ’), ‘પતલી કમર હૈ’, ‘બરસાત મેં હમ સે મિલે’ (‘બરસાત’), ‘જંગલ મેં મોર નાચા કિસી ને ના દેખા’ (‘મધુમતી’), ‘સજન રે જૂઠ મત બોલો’, ‘સજનવા બેરી હો ગયે હમાર’ (‘તીસરી કસમ’), ‘ઓ જાને વાલે હો સકે તો લોટ કે આના’ (‘બંદિની’), ‘સબ કુછ સીખા હમને ના સીખી હોશિયારી’ (‘અનાડી’) તથા ‘જીના યહાં, મરના યહાં…..’ (મેરા નામ જોકર).

હરસુખ થાનકી