શેલૂકર, આબા : ગુજરાતના સૂબા ચિમણાજીનો નાયબ. રઘુનાથરાવ(રાઘોબા)નો પુત્ર બાજીરાવ ડિસેમ્બર 1796માં પેશવા બન્યો. તેણે તેના ભાઈ ચિમણાજીને ગુજરાતનો સૂબેદાર નીમ્યો. ચિમણાજી માત્ર દસ વર્ષનો હતો. તેથી મરાઠા રીત મુજબ તેના નાયબ તરીકે આબા શેલૂકરને મોકલવામાં આવ્યો. તેનું આખું નામ ભીમરાવ કૃષ્ણરાવ શેલૂકર હતું. તે 1798માં અમદાવાદ આવ્યો અને આબા શેલૂકર તરીકે જાણીતો થયો.

પેશવા બાજીરાવ ગુજરાત પ્રાંતનો પોતાનો પ્રદેશ વડોદરાના ગાયકવાડ પાસેથી પાછો લઈ લેવા માગતો હતો. શેલૂકર નાના ફડનવીસનો માણસ હતો તથા વડોદરાનો ગોવિંદરાવ ગાયકવાડ સિંધિયા-તરફી હતો.

ગોવિંદરાવે શિવરામ ગારદીને લશ્કર આપી શેલૂકર સામે મોકલ્યો. શેલૂકર નાચગાનનો ઘણો શોખીન હતો. તે ચાલુ સવારીએ પણ મજૂરોને માથે પાટ ઉપડાવી તેના ઉપર નાચ કરાવતો. વળી એ ઘણો કડક હતો અને લોકોને તેણે અનેક રીતે ત્રાસ આપ્યો હતો. અમદાવાદમાંથી ગાયકવાડનો પગ કાઢવાનો એણે પ્રયાસ કર્યો હોવાથી ગાયકવાડે અમદાવાદ જીતી લેવા લશ્કર મોકલ્યું. શેલૂકર પાસે 5,000 અરબ તથા 10,000ની બીજી ફોજ હોવા છતાં જમાલપુર દરવાજા આગળ તેનો પરાજય થયો. આખરી ઘડી પર્યન્ત નાચગાન જોવાની ટેવ તેણે છોડી નહોતી. એણે લોકો પર ગુજારેલા જુલમ તથા દમનથી તે અપ્રિય થયો હતો. તેથી તેનો પરાજય થવાથી લોકોમાં, ‘હાથમાં દંડો બગલમાં મોઈ, હવેલી લેતાં ગુજરાત ખોઈ’ એવી કહેવત પ્રચલિત થઈ.

શેલૂકરને કેદ કરીને ગાયકવાડના સેનાપતિ બાલાજીએ બોરસદના કિલ્લામાં રાખ્યો. ત્યાં સાત વર્ષ સુધી તે નજરકેદ રહ્યો. શેલૂકરને કેદ કર્યા બાદ, ગાયકવાડે ઉત્તર ગુજરાતના અડધા ભાગ પરનું વહીવટી તંત્ર પેશવાનું હતું તે પોતાની સત્તામાં લઈ લીધું અને ગુજરાતમાં વિભાજિત સત્તા હતી તેનો અંત આવ્યો.

ઈ. સ. 1800માં રચાયેલો ‘શેલૂકરનો ગરબો’ અજ્ઞાતકર્તૃક છે, પરંતુ ઐતિહાસિક દૃષ્ટિએ અગત્યનો છે. શેલૂકરની કારકિર્દીનું વિગતવાર વર્ણન પ્રસ્તુત ગરબામાં છે.

જયકુમાર ર. શુક્લ