શેલ્ડ નદી (Schelde River) : બેલ્જિયમમાં આવેલી નદી. યુરોપના મહત્વના ગણાતા વેપારી જળમાર્ગો પૈકીના એક જળમાર્ગ તરીકે આ નદી વધુ જાણીતી છે. ભૌગોલિક સ્થાન : 51° 22´ ઉ. અ. અને 4° 15´ પૂ. રે.. તે ફ્રાન્સના લીલી(Lille)ના અગ્નિકોણમાંથી નીકળે છે અને બેલ્જિયમમાં થઈને ઈશાન તરફ વહે છે. એન્ટવર્પ ખાતે તે પૂર્વ અને પશ્ચિમ વિભાગોમાં વહેંચાઈ જાય છે. બંને ફાંટા નેધરલૅન્ડ્ઝમાં થઈને ઉત્તર સમુદ્રને મળે છે. તેની લંબાઈ 435 કિમી. છે, તે પૈકી 338 કિમી. લંબાઈમાં તે જળમાર્ગની અનુકૂળતા ધરાવે છે. નહેરો દ્વારા તે મ્યૂસ અને રહાઇન નદીઓ સાથે સંકળાયેલી છે.

ડચ લોકોએ આ નદીને 200 વર્ષ સુધી અન્ય દેશોનાં વહાણો માટે બંધ રાખેલી. 1839માં બેલ્જિયમ અને નેધરલૅન્ડ્ઝ વચ્ચે થયેલ લંડનની સંધિ અનુસાર શેલ્ડ નદીનો ઉપયોગ કરવા માટે નેધરલૅન્ડ્ઝને બેલ્જિયમ પાસેથી વહાણોની અવરજવર સામે વેરો લેવાની મંજૂરી આપવામાં આવેલી; જોકે 1863માં આ વેરો રદ કરવામાં આવેલો. 1914થી 1918ના પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન નેધરલૅન્ડ્ઝ તરફથી જહાજી અવરવજર માટે આ જળમાર્ગ બંધ કરવામાં આવેલો. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન, શેલ્ડ નદી તેમજ શેલ્ડ-મ્યૂસ નદીઓને જોડતી આલ્બર્ટ નહેર નજીક ભારે લડાઈ થયેલી.

ગિરીશભાઈ પંડ્યા