શેરિડન, ટૉમસ (જ. 1719, ડબ્લિન; અ. 14 ઑગસ્ટ 1788, માર્ગેટ, કૅન્ટ, ઇંગ્લૅન્ડ) : આઇરિશ નટ અને રંગભૂમિ-વ્યવસ્થાપક. સુપ્રસિદ્ધ નાટ્યકાર રિચર્ડ બ્રિન્સ્લી શેરિડનના પિતા.
ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે એક ફારસ ‘ધ બ્રેવ આઇરિશ મૅન ઑર કૅપ્ટન ઓ’બ્લન્ડર’’ લખ્યું હતું. તેમણે રિચર્ડ ત્રીજાનું પાત્ર ડબ્લિનની સ્મોક એલી થિયેટરમાં 1743માં ભજવેલું. નાટકમાં ભાગ લેવાનું તેમને ગમતું. લંડનના કોવૅન્ટ ગાર્ડનમાં હૅમ્લેટ સહિત કેટલાંક પાત્રો તેમણે ભજવ્યાં. 1747માં ડબ્લિનના સ્મોક એલી થિયેટરના વ્યવસ્થાપક થયા અને નવલકથાકાર ફ્રાન્સિસ ચેમ્બરલેનની સાથે લગ્નગ્રંથિથી જોડાયા. નટ તરીકે કોઈ કોઈ વાર તેમની કલા ચમકારા મારતી. શેરિડનના પ્રયત્નથી સૅમ્યુઅલ જ્હૉન્સનને વાર્ષિક પેન્શન મળવાનું શરૂ થયેલું. લૉર્ડ બુટને શેરિડનની ઉચ્ચારશાસ્ત્રની યોજના પસંદ પડેલી અને તેના માટે તેમણે વાર્ષિક 200 પાઉન્ડનું પેન્શન પણ મંજૂર કરેલું. 1764માં શેરિડન પોતાના પરિવારને પૅરિસ લઈ ગયા; પરંતુ પોતાની પત્નીના અવસાન બાદ 1766માં તેઓ સ્વદેશ પરત થયા. ‘અ પ્લાન ઑવ્ એજ્યુકેશન ફૉર ધ યંગ નોબિલિટી ઍન્ડ જૅન્ટ્રી’ (1769) અને ‘અ ડિક્શનરી ઑવ્ ધી ઇંગ્લિશ લૅન્ગ્વેજ’ (1780) પ્રકાશિત કર્યાં. ડ્રુઅરી લેન થિયેટરના વ્યવસ્થાપક મંડળમાં તેઓ જોડાયા હતા.
વિ. પ્ર. ત્રિવેદી