શેરિડન, રિચર્ડ બ્રિન્સલી (બટલર)

January, 2006

શેરિડન, રિચર્ડ બ્રિન્સલી (બટલર) (. 1 નવેમ્બર 1751, ડબ્લિન; . 7 જુલાઈ 1816, લંડન) : આઇરિશ નાટ્યકાર, વક્તા અને વ્હિગ પક્ષના રાજકીય પુરુષ. ‘કૉમેડી ઑવ્ મૅનર્સ’ સ્વરૂપના નાટકના એક સ્તંભરૂપ સર્જક. ટૉમસ અને ફ્રાન્સિસ શેરિડનના ત્રીજા ક્રમના સંતાન. તેમના દાદા જોનાથન સ્વિફ્ટના નિકટના મિત્ર હતા. શેરિડનના પિતાએ અંગ્રેજી શબ્દોના ઉચ્ચાર માટે એક શબ્દકોશ પ્રસિદ્ધ કર્યો હતો. તેમણે શિક્ષણમાં વક્તૃત્વ(elocution)ને મહત્વનું સ્થાન અપાવવા પ્રયત્ન કરેલો. તેમનાં માતાએ કેટલાંક નાટકો લખેલાં.

શેરિડનનાં માતાપિતા ડબ્લિન છોડી લંડનમાં સ્થાયી થયેલાં. શેરિડને હૅરોની પ્રસિદ્ધ શાળામાં શિક્ષણ લીધેલું. પોતાની કિશોરાવસ્થામાં શેરિડને એક મિત્ર સાથે ‘આઇકિશયોન’ (1771) કે ‘જ્યુપિટર’ નામનું ફારસ રચેલું. ઉપરાંત તેમણે પ્લેટો, લ્યુસિયન અને પ્લૂટાર્કનાં ગદ્ય-લખાણોને છંદોબદ્ધ કાવ્યમાં ઉતારવાનો પ્રયત્ન કરેલો. આ જ સમયમાં શેરિડને ‘ધ રિડોટ્ટો ઑવ્ બાથ’ અને ‘ક્લિઓઝ પ્રોટેસ્ટ’ કાવ્યોની રચના કરેલી.

પોતાના મધુર કંઠથી સંગીતની મહેફિલોમાં અનેક શ્રોતાઓના દિલોદિમાગમાં છવાઈ જતા. શેરિડન ઇલિઝાબેથ એન. લિન્લીના પ્રેમમાં પડેલા. આને કારણે તેમને દ્વંદ્વયુદ્ધોમાં ઊતરવું પડેલું. આ સંજોગોમાં પિતાએ શેરિડનને ઇસેક્સમાં કાયદાનો અભ્યાસ કરવા મોકલી આપ્યા, પરંતુ એક જ અઠવાડિયાના ટૂંકા સમયમાં પિતા સાથે અબોલા લઈ તેમણે વકીલ બનવાના લક્ષ્યને છોડી દીધું. જોકે ઇલિઝાબેથ સાથેના પ્રણયનો સુખદ અંત મેરિલ બોન ચર્ચ, લંડનમાં તેમના લગ્ન થયેથી આવ્યો.

રિચર્ડ બ્રિન્સલી શેરિડન

શેરિડનનું પ્રથમ નાટ્યસર્જન ‘ધ રાઇવલ્સ’ (1775) કૉવેન્ટ ગાર્ડન થિયેટરમાં ભજવાયું. આ નાટકમાં શેરિડનના છટાદાર સંવાદો (sparkling dialogues) અને બુદ્ધિગમ્ય વાતોએ પ્રેક્ષકગણને આનંદ બક્ષ્યો. આમાં મિસિસ મેલાપ્રોપના પાત્રે સૌનાં દિલ પર કબજો લઈ લીધો. તેમનું ‘સર પેટ્રિક્સ ડે : ઑર ધ સ્કિમિંગ લેફ્ટેનન્ટ’ લૉરેન્સ ક્લિન્કના નામના નટના લાભાર્થે ભજવાયું. ‘ધ ડ્યુએના’ (1775) ઑપેરાને અપૂર્વ ખ્યાતિ મળી. સતત 75 રાત્રિઓ સુધી તેની ભજવણીનો વિક્રમ તે જમાનમાં લોકજીભે ચડ્યો હતો. ‘ધ બેગર્સ ઑપેરા’ (1728) આજે પણ ભજવાય છે. ડ્રુઅરી થિયેટરના માલિક ડેવિડ ગેરિકે શેરિડનની શક્તિઓને ઓળખી અને તેના પરિણામે લિન્લી અને શેરિડન 1776માં થિયેટરના ભાગીદાર બન્યાં. પાછળથી વિલોબી લેસીએ વધુ રકમનું રોકાણ કરતાં તે થિયેટર ડ્રુઅરી લેનના નવા નામે ફેરવાઈ ગયું.

શેરિડને વિલિયમ કાગ્રિવ અને વાન્બ્રુનાં નાટકોના નિર્માણમાં રસ લીધો. જોકે તેના સંવાદો અને સ્વરૂપમાં શેરિડને થોડાક ફેરફાર કરતાં તે નાટકોના અસલ સ્વરૂપને ઝંખતા પ્રેક્ષકો નાસીપાસ થયેલા.

‘ધ સ્કૂલ ફૉર સ્કૅન્ડલ’ (1777) નાટકે શેરિડનને ‘ધ મૉડર્ન કાગ્રિવ’નું બિરુદ અપાવ્યું. આ નાટકના જોસેફ સફેર્સ અને લેડી ટીઝલનાં પાત્રો ખૂબ જાણીતાં બન્યાં હતાં. આમાં ગ્રામનારીઓને શહેરના ફૅશનપરસ્ત સમાજની સન્નારીઓનાં ઉઘાડેછોગ યૌનવર્ણનોથી સાનંદાશ્ચર્યનો ભાવ થાય તેવું અનોખું વર્ણન છે. લાગણી અને દંભની ખેલદિલીપૂર્વક ઉડાવેલી મજાકને લીધે શેરિડનના ‘ધ સ્કૂલ ઑવ્ સ્કૅન્ડલ’ને કેટલાક વિવેચકોએ ‘કૉમેડી ઑવ્ મૅનર્સ’ પ્રકારની સર્વોત્તમ કૃતિ તરીકે ઓળખાવી છે. ‘ધ ક્રિટિક’ (1779) તથા ‘પિઝારો’ (1799) તેમની મહત્વની નાટ્યકૃતિઓ છે.

શેરિડને ડ્રુઅરી લેનમાં કામ કરતાં કરતાં રાજકારણમાં રસ લેવા માંડ્યો. 1780માં તેઓ સ્ટેફર્ડમાંથી ચૂંટાઈને પાર્લમેન્ટના સભ્ય બન્યા. વિદેશ ખાતાના અન્ડર સેક્રેટરી (1782) અને નાણા ખાતાના સેક્રેટરી (1783) તરીકે તેમણે સેવા આપેલી. 1806થી 1807ના સમયગાળામાં તેઓ નેવીના ખજાનચી અને પ્રિવી કાઉન્સિલર બનેલા. ટોરીપક્ષના સત્તાકાળમાં તેઓ 32 વર્ષ સુધી વ્હિગ પક્ષના સભ્ય રહેલા. વૉરન હૅસ્ટિંગ પર ચાલેલા મુકદ્દમામાં તેમણે પ્રશંસનીય વક્તવ્યો આપેલાં. જોકે એડમન્ડ બર્કના ફ્રેન્ચ ક્રાન્તિના વિચારો વિશે શેરિડન તદ્દન વિરોધી મત ધરાવતા હતા. તેમને વ્હિગ પક્ષનું નેતૃત્વ મેળવવું હતું પણ તે શક્ય બન્યું નહિ. સ્ટેફર્ડની બેઠક પણ તેમણે 1812માં ગુમાવેલી.

પાછલાં વર્ષોમાં શેરિડનની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી પડી હતી. તેમણે સ્થાપેલી રંગભૂમિ પણ ભંગારને આરે ઊભી હતી, તે 1809માં આગને લીધે ભસ્મીભૂત થઈ ગઈ હતી. લેણદારોની ઉઘરાણી અને તેમનાં બીજી વારનાં પત્ની એસ્થર જેન ઑગલને થયેલા કૅન્સરના રોગે તેમના તણાવને વધારી દીધો. લૉર્ડ બાયરન પર તેમનો મોટો પ્રભાવ હતો. કવિ બાયરને ‘અ મોનોડી ઑન ધ ડેથ ઑવ્ ધ રાઇટ ઑનરેબલ આર. બી. શેરિડન’ (1816) લખ્યું જેનો પાઠ નવા ડ્રુઅરી લેન થિયેટરના ઉદ્ઘાટન વખતે કરવામાં આવ્યો હતો

ટૉમસ મૂરે લખેલી ‘મેમોઇર્સ ઑવ્ ધ લાઇફ ઑવ્ ધ રાઇટ ઑનરેબલ રિચર્ડ બ્રિન્સ્લી શેરિડન’ (બે ભાગમાં 1971; નવી આવૃત્તિ) પ્રગટ થયેલી છે. સી. જે. એલ. પ્રાઇસે ‘ધ લેટર્સ ઑવ્ રિચર્ડ બ્રિન્સ્લી શેરિડન’ ત્રણ ભાગમાં 1966માં પ્રસિદ્ધ કરેલ છે. આ ઉપરાંત માર્ક એસ. ઑસ્બર્નના ‘શેરિડન્સ કૉમેડીઝ : ધેર કૉન્ટ્રેકસ્ટ્સ ઍન્ડ એચિવમેન્ટ્સ’(1978)માં શેરિડનનાં નાટકોનું વિશદ પૃથક્કરણ થયું છે.

વિ. પ્ર. ત્રિવેદી