શૅર-સર્ટિફિકેટ અને શૅર-વૉરંટ

January, 2006

શૅરસર્ટિફિકેટ અને શૅરવૉરંટ : (1) શૅર-સર્ટિફિકેટ : સભ્યની શૅરમાલિકી સૂચવતો કંપનીની સામાન્ય મહોરવાળો અધિકૃત દસ્તાવેજ. શૅર-સર્ટિફિકેટ/શૅર-પ્રમાણપત્ર સભ્યની શૅરમાલિકી દર્શાવતો પ્રથમદર્શનીય પુરાવો છે. શૅર-પ્રમાણપત્ર દ્વારા કંપની જાહેર જનતા સમક્ષ સભ્યની શૅરમાલિકીનો સ્વીકાર કરે છે. સભ્ય તરફથી દરેક શૅરદીઠ વસૂલ આવેલી રકમ, શૅરનો પ્રકાર, અનુક્રમનંબર, શૅરસંખ્યા તેમજ કંપનીનું અને શૅરધારણ કરનારનું નામ તથા સરનામું તેમાં દર્શાવવામાં આવે છે. વળી તેમાં શૅર-પ્રમાણપત્ર આપ્યાની તારીખ અને કંપનીની મહોર સાથે જવાબદાર અધિકારીની તેના પર સહી હોય છે. શૅર-પ્રમાણપત્ર એ અગત્યનો દસ્તાવેજ હોઈ તેનાં છાપેલાં ફૉર્મ કંપનીના સંચાલકો કે જવાબદાર અધિકારીના અંગત કબજામાં રાખવાં જરૂરી હોય છે. શૅર-પ્રમાણપત્ર અને તેને લગતા અન્ય દસ્તાવેજો, પત્રકો વગેરે તૈયાર કરાવવા તથા તેની નોંધ રાખવા માટે નિયમો બનાવી, સંચાલકો, વહીવટી સંચાલક કે સેક્રેટરીને જવાબદાર ગણવામાં આવે છે.

શૅર-પ્રમાણપત્ર આપવાની વિધિ બાબતે સામાન્ય રીતે શૅર-અરજીઓની મંજૂરીનું કાર્ય પૂરું થયા પછી શૅર-મંજૂરીપત્રો તૈયાર કરવામાં આવે છે. શૅર-મંજૂરીપત્રોની યાદી ઉપરથી સેક્રેટરીએ શૅર-પ્રમાણપત્રો પૂરેપૂરી વિગતો ભરી તૈયાર કરાવવાનાં હોય છે. શૅરધારકને તેણે લીધેલા શૅરના સંબંધમાં શૅર-પ્રમાણપત્ર સમયસર આપવાની જવાબદારી કંપનીની ગણાય છે. શૅર-વહેંચણીના ત્રણ માસમાં અને શૅરફેરબદલી દસ્તાવેજ મળે પછી બે માસમાં નવાં શૅર-પ્રમાણપત્ર બનાવી સભ્યોને મોકલવા તૈયાર કરવાનાં હોય છે. કંપની પોતાના ‘આર્ટિકલ્સ’  એટલે કે આંતરિક વહીવટના નિયમપત્રમાં જોગવાઈ કરી શૅર-પ્રમાણપત્ર આપવાની મુદતમાં જરૂરી ફેરફાર કરી શકે છે. કેટલીક કંપનીઓ શૅરની રકમ પૂરેપૂરી વસૂલ ન થાય ત્યાં સુધી પ્રમાણપત્ર આપવાનું મુલતવી રાખે છે.

કંપનીના જવાબદાર અધિકારી – સેક્રેટરીએ શૅર-પ્રમાણપત્ર આપવાની સમયમર્યાદા લક્ષમાં લઈ સમયસર શૅર-પ્રમાણપત્રમાં સભ્યની પૂરી વિગતો ભરી કંપનીના ઑડિટર પાસે ચકાસણી માટે રજૂ કરવા અનિવાર્ય હોય છે. તેમ કરવાથી શૅર-પ્રમાણપત્રમાં થતી ભૂલ કે સરતચૂક અટકાવી શકાય છે. આ વિધિ પછી સંચાલક-મંડળમાં શૅર-પ્રમાણપત્રો શૅરધારકોને વહેંચી આપવાનો ઠરાવ પસાર કરવામાં આવે છે.

શૅર-પ્રમાણપત્રો સંપૂર્ણ તૈયાર થયા પછી શૅર ધરાવનારાઓને રજિસ્ટર્ડ ટપાલથી મોકલી આપવામાં આવે છે. કેટલીક વાર પરિપત્ર મોકલી જાણ કરવામાં આવે છે કે તેમણે તેમનાં પ્રમાણપત્રો શૅર-મંજૂરીપત્ર તથા રકમ ભર્યાંની બૅંકની પહોંચ રજૂ કરી કંપનીની ઑફિસેથી જાતે અથવા તેમના અધિકૃત પ્રતિનિધિ દ્વારા મેળવી લે છે.

(2) શૅર-વૉરન્ટ : કંપનીની સામાન્ય મહોર અંકિત કરી શૅરની માલિકીના પુરાવા રૂપે આપવામાં આવતો દસ્તાવેજ. છાપેલા ફૉર્મ પર પૂરી વિગતો ભરી પૂરેપૂરા ભરપાઈ થયેલા શૅરના બદલામાં જ શૅર-વૉરન્ટ આપી શકાય છે. ચલણી નોટની જેમ શૅર-વૉરન્ટ પણ બેરર-દસ્તાવેજ છે. તેથી જેની પાસે તે હોય તે તેનો માલિક છે તેમ માની લેવાય છે. માત્ર હાથ-બદલીથી શૅર-ફેરબદલી સરળ અને ઝડપી બને છે.

શૅર-પ્રમાણપત્રમાં દર્શાવેલા શૅરની ફેરબદલીની વિધિ લાંબી અને ખર્ચાળ હોય છે. સમય, શ્રમ અને ખર્ચ બચાવવા અને શૅરનું ઝડપભેર ખરીદ-વેચાણ થઈ શકે તે માટે શૅર-વૉરન્ટની જોગવાઈ કરવામાં આવી છે. વિદેશમાં વસતા સભ્યો માટે અથવા પરદેશની કંપનીઓના શૅર-માલિકો માટે શૅર-વૉરન્ટ પ્રથા ખૂબ જ અનુકૂળ પડે છે. તેઓ સરળતાથી તેમના શૅરની ફેરબદલી કરી શકે છે.

શૅર-વૉરન્ટની માલિકી સરળતાથી બદલી શકાતી હોવાથી લોન મેળવતી વખતે અથવા કોઈ અન્ય કારણસર જરૂરતના સમયે જામીનગીરી તરીકે તે આપી શકાય છે. આ દસ્તાવેજ પરક્રામ્ય દસ્તાવેજ (નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ) હોવાથી શુભનિષ્ઠા અને પ્રામાણિકપણે કીમતી અવેજના બદલામાં તે મેળવનાર તેમાં દર્શાવેલ શૅરનો માલિક બને છે.

શૅર-વૉરન્ટ બહાર પાડવાની બાબતે સૌપ્રથમ કંપની તરફથી સભ્યોને પરિપત્ર પાઠવીને જણાવવામાં આવે છે કે જે સભ્યોને શૅર-વૉરન્ટ મેળવવાં હોય તેમણે નિયત કરેલા અરજીફૉર્મમાં કંપનીને તે અંગે જાણ કરવી.

આ માટે નક્કી કરેલી ફી, સ્ટૅમ્પ ડ્યૂટી તેમજ સભ્યે પોતાનાં શૅર-પ્રમાણપત્રો કંપનીને સુપરત કરવાં પડે છે. આ અરજી અને વિગતોની સંપૂર્ણ ચકાસણી કરી કંપનીના સેક્રેટરી કંપનીના સંચાલકમંડળ સમક્ષ ચર્ચાવિચારણા અને ઠરાવ માટે તે રજૂ કરે છે. ઠરાવ મંજૂર થતાં શૅર-વૉરન્ટ પર સહીસિક્કા, મહોર મારી વહેંચણી માટે સેક્રેટરીને સત્તા આપવામાં આવે છે. સભ્યપત્રકમાંથી શૅર-વૉરન્ટ મેળવનારનું નામ રદ કરવામાં આવે છે.

શૅર-વૉરન્ટ ઉપર ડિવિડન્ડ-ચુકવણી માટે બે પદ્ધતિ અમલમાં છે :

(1) ડિવિડન્ડ-કૂપન દ્વારા કે જે કૂપન શૅર-વૉરન્ટ સાથે જોડેલી હોય છે; જ્યારે ડિવિડન્ડ જાહેર થાય ત્યારે શૅર-વૉરન્ટ ધારણ કરનાર ડિવિડન્ડ-કૂપન જાહેરાતના આધારે વિગતો ભરી કંપની-ઑફિસ કે કંપનીના બૅંકર્સ સમક્ષ રજૂ કરે છે. વિગતોની ચકાસણી કંપની દ્વારા જે માહિતી આપવામાં આવેલી હોય તેની સાથે સરખાવી-ચકાસી કૂપનના બદલામાં ડિવિડન્ડ ચૂકવી આપે છે અને મૂળ કૂપનને રદ કરે છે. (2) શૅર-વૉરન્ટ રજૂ કરીને શૅર-ધારક કંપની અથવા કંપનીના બૅંકરો દ્વારા ડિવિડન્ડ મેળવી શકે છે. આ સંજોગોમાં ડિવિડન્ડ-યાદીમાં કયા નંબરના શૅર-વૉરન્ટ માટે કયા નંબરની કૂપન આપી તેની નોંધ થાય છે. વૉરન્ટ-ધારકને તેનાં શૅર-વૉરન્ટ અને શૅરડિવિડન્ડ-કૂપન આપવામાં આવે છે. આ કૂપન બૅંકમાં રજૂ કરવાથી વિધિસર શૅર-વૉરન્ટ ધરાવનાર વ્યક્તિ ડિવિડન્ડ મેળવી શકે છે.

ઉપર દર્શાવેલ બીજા પ્રકારની ડિવિડન્ડ-ચુકવણીની રીત મુશ્કેલ હોવાથી પ્રથમ પદ્ધતિ વધુ આવકારદાયક બની છે.

શૅર-પ્રમાણપત્ર કે શૅર-વૉરન્ટ કેટલીક વાર ધોવાઈ જાય, ફાટી જાય, ઘસાઈ જાય કે અન્ય કારણોસર વિકૃત કે બિનઉપયોગી બની જાય છે. ચોરાઈ જાય, ખોવાઈ જાય કે ગુમ થઈ જાય કે નાશ પામે ત્યારે બીજું ડુપ્લિકેટ શૅર-વૉરન્ટ, શૅર-પ્રમાણપત્ર આપવાનો પ્રશ્ન કંપની સમક્ષ આવે છે.

આવા અનેકવિધ સંજોગોમાં શૅરધારક પાસેથી અરજી, જામીનગીરી, જરૂરી ફી ચૂકતે લઈ, સંપૂર્ણ ચકાસણી અને તકેદારીનાં પગલાં ભર્યાં પછી જ કંપની ડુપ્લિકેટ પ્રમાણપત્ર આપી શકે છે.

રમેશચંદ્ર ધીરુભાઈ દેસાઈ