શેરપા, ગિરમી (. 1 ડિસેમ્બર 1948, ભારેગ બસ્તી, પશ્ચિમ સિક્કિમ) : નેપાળી કવિ. બી.એ.ની ડિગ્રી મેળવી સરકારી સેવામાં જોડાયા. સિક્કિમ સરકારના અધિક સચિવ. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : સહતંત્રી, ‘મુક્ત સ્વર’ (1965). સંપાદક મંડળના સભ્ય, સાહિત્યિક માસિક ‘ઝિલ્કા’ (1966-69). સહસંપાદક, સાહિત્યિક માસિક ‘પ્રતિબિંબ’ (1978-80). સામાન્ય મંત્રી અને સંપાદક, ભાનુ સલિગ નિર્માણ સમિતિ, ગંગટોક (1980-81). કેન્દ્રીય સાહિત્ય અકાદમીના નેપાળી ભાષા માટેના સલાહકાર બૉર્ડના અને સામાન્ય સભાના સભ્ય (1993-97).

તેમને મળેલ સન્માન આ પ્રમાણે છે : કેન્દ્રીય સાહિત્ય અકાદમી તરફથી કવિતા માટે ઍવૉર્ડ (1991), સિક્કિમ સાહિત્ય સંમેલન તરફથી ભાનુ પુરસ્કાર (1992) વગેરે.

તેમનાં નેપાળી ભાષામાં લખાયેલાં પ્રકાશનો આ પ્રમાણે છે : ‘બાજો દિન માથી પલહિયાકા કેહી ફૂલહારુ’ (1977) તથા ‘હિપોક્રિટ ચૅમ્પ ગુરાશ રા અન્ય કબિતા’ (1988). એ બંને કાવ્યસંગ્રહો છે.

મહેશ ચોકસી