શેબ્સી પર્વતો

January, 2006

શેબ્સી પર્વતો : પૂર્વ નાઇજિરિયામાં આવેલી પર્વતમાળા. બેન્યુ અને તરાબા નદીઓ વચ્ચે તે આશરે 160 કિમી. જેટલી લંબાઈમાં વિસ્તરેલી છે. તેનું દિમલાન્ગ (વૉજેલ) શિખર નાઇજિરિયાનું ઊંચામાં ઊંચું શિખર ગણાય છે; તેની ઊંચાઈ 2,042 મીટરની છે અને તે હારમાળાના મધ્ય ભાગમાં આવેલું છે. ભરપૂર વનરાજીવાળા તેના ઉપરના ઢોળાવો પરથી કૅમ, ફૅન, સૉન્કો, મેયો બેલ્વા અને ઇની જેવી સહાયક નદીઓ નીકળીને બેન્યુ નદીને મળે છે.

આ પર્વતમાળાનો વિસ્તાર સવાના ઘાસ-ભૂમિવાળો છે. અહીં વસ્તી ઘણી ઓછી છે. ચંબા, ડાકા (ડક્કા), મુમુય અને કૅમ જાતિજૂથો અહીં ખેતી કરીને જીવન ગુજારે છે તથા પોતપોતાના પરંપરાગત ધર્મ પાળે છે. પહાડી ઢોળાવો પર જુવાર અને બાજરીના કૃષિપાકો થાય છે. અહીંની વસ્તી બકરાં અને મરઘાં ઉછેરે છે.

ગિરીશભાઈ પંડ્યા