શેબાલિન, વિસારિયોન

January, 2006

શેબાલિન, વિસારિયોન (. 11 જૂન 1902, સાઇબીરિયા, રશિયા; . 1963, મૉસ્કો, રશિયા) : રશિયન સંગીતકાર અને સંગીત-નિયોજક. સંગીતના સંસ્કાર ધરાવતા એક જાગ્રત રશિયન પરિવારમાં તેમનો જન્મ.

વિસારિયોન શેબાલિન

ઘરે પરિવારમાં અવારનવાર જલસા યોજાતા. બાળપણથી જ ગ્લીન્કા, મુસોર્ગ્સ્કી, બોરોદીન, રિમ્સ્કી-કોર્સાકૉવ અને ચાઇકૉવ્સ્કીનું સંગીત તેઓ વગાડતા. શાલેય અભ્યાસ પૂરો કર્યા બાદ 1919માં શેબાલિન સંગીત મહાવિદ્યાલય મ્યુઝિક ટૅક્નિકમાં વિદ્યાર્થી તરીકે જોડાયા.

અહીં સંગીતશિક્ષક મિખાઇલ નેવિતૉવ હેઠળ તેમનું ઘડતર થયું. વિદ્યાર્થીકાળની તેમની બે કૃતિઓ ‘સૉનાટા-બૅલેડ’ અને ‘25 રોમૅન્સિસ’ રંગદર્શી પ્રકૃતિની છે. અહીં અભ્યાસ પૂરો કર્યા પછી શેબાલિન મૉસ્કો ખાતેની મૉસ્કો કૉન્ઝર્વેટરીમાં વધુ અભ્યાસ માટે જોડાયા અને મ્યાસ્કૉવ્સ્કી તેમના સંગીતશિક્ષક બન્યા.

1928માં આ અભ્યાસ પૂરો થતાં શેબાલિનની કેટલીક પ્રારંભિક કૃતિઓનું મૉસ્કો ખાતેની સ્ટેટ એકૅડેમી ઑવ્ આર્ટ્સમાં મંચન થયું. તે નીચે પ્રમાણે છે :

1. સૉનાટા : ‘સૉંગ વિધાઉટ અ નેઇમ’; 2. ફાઇવ એક્સ્ટ્રેક્ટ્સ ફ્રૉમ સાફો; 3. સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ નં. 1; 4. સિમ્ફની નં. 1; 5. સ્ટ્રિન્ગ ટ્રાયો, ઑપસ-4; 6. ગાયકવૃંદ અને વાદકવૃંદ માટેનો કેન્ટાટા ‘બ્લ્યૂ મે, અ ફ્રી લૅન્ડ’; 7. કન્ચર્ટીનો ફૉર વાયોલિન ઍન્ડ ઑર્કેસ્ટ્રા; 8. કન્ચર્ટીનો ફૉર ફ્રેંચ હૉર્ન ઍન્ડ ઑર્કેસ્ટ્રા.

રશિયન સામ્યવાદી ક્રાંતિની પંદરમી જયંતીની ઉજવણી માટે શેબાલિને લખેલી સિમ્ફની નં. 2, ‘લેનિન’નો પ્રીમિયર શો 1932માં મૉસ્કો ખાતે થયો. એની ઉપર ગ્લીન્કા અને મુસોર્ગ્સ્કીનો ભારે પ્રભાવ જોવા મળે છે.

1936થી શેબાલિને મૉસ્કો કૉન્ઝર્વેટરીમાં સંગીતશિક્ષક તરીકે કામ શરૂ કર્યું. એક શિક્ષક તરીકે પણ તેઓ સફળ નીવડ્યા. તેમના હાથ નીચે ઘણા ઉત્તમ સંગીતકારો પાક્યા. તે સાથે તેમનું મૌલિક કૃતિઓનું સર્જનાત્મક કામ તો ચાલુ જ હતું. તેમની કેટલીક કૃતિઓ નીચે પ્રમાણે છે : (1) સ્લાવૉનિક ક્વાર્ટેટ, (2) રશિયન ઑવર્ચર, (3) શૅક્સપિયર ઉપર આધારિત ઑપેરા ‘ટેમિંગ ઑવ્ ધ યૂ’, (4) ઑપેરા : ‘સન ઓવર ધ સ્ટેપ’.

અમિતાભ મડિયા