શેફિલ્ડ : મધ્ય ઇંગ્લૅન્ડના ઉત્તરભાગમાં આવેલું ઔદ્યોગિક શહેર. ભૌગોલિક સ્થાન : 53° 23´ ઉ. અ. અને 1° 30´ પ. રે.. તે ડૉન અને શીફ નદીઓના સંગમ નજીક રમણીય પહાડી વિસ્તારમાં વસેલું છે. આ શહેર ઘણા લાંબા સમયથી ઉચ્ચ કક્ષાના પોલાદ અને તેની બનાવટો, ધાતુની પેદાશો અને ચાંદીનાં પાત્રો તથા તાસકો માટે જાણીતું છે. આ ઉપરાંત તે વાસણો, કીટલીઓ, કાપવા માટેનાં ઓજારો વગેરે માટે પણ દુનિયાભરના બજારમાં પ્રખ્યાત છે.

આજે જ્યાં શેફિલ્ડ વસેલું છે ત્યાં અગિયારમી સદીમાં અગ્લો-સેક્સન કૃષિવસાહત રહેતી હતી. અઢારમી અને ઓગણીસમી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન શેફિલ્ડ ઝડપથી વિકસતું ગયું અને વિશેષે કરીને પોલાદ-ઉત્પાદન માટેનું ઇંગ્લૅન્ડનું મુખ્ય મથક બની રહેલું. વીસમી સદીના મધ્ય ભાગમાં આ શહેરના કેટલાક વિભાગો બીજા વિશ્વયુદ્ધ (1939-1945) દરમિયાન જર્મની દ્વારા નખાયેલા બાબથી તારાજ થઈ ગયેલા; પરંતુ 1950ના દાયકામાં શહેરીકરણનું નવેસરથી આયોજન કરવામાં આવેલું. આજે તો શેફિલ્ડમાં જાહેર ઇમારતો, આધુનિક વ્યાપારી અને ઔદ્યોગિક વિસ્તારો, રમણીય ઉદ્યાનો તથા મનોહર સ્થળશ્યો જોવા મળે છે.

ગિરીશભાઈ પંડ્યા