શેન્સી (Shensi, Shaanxi)

January, 2006

શેન્સી (Shensi, Shaanxi) : ચીનના ઉત્તર-મધ્ય ભાગમાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે 35° ઉ. અ. અને 109° પૂ. રે.ની આજુબાજુનો આશરે 1,98,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મોંગોલિયન સ્વાયત્ત રાજ્યસીમા, પૂર્વે શાન્સી, હેનાન અને હેબેઈ પ્રાંતો; દક્ષિણે સિયુઆન તથા પશ્ચિમે ગાન્શુ અને નિંગ્શિયા સ્વાયત્ત રાજ્ય આવેલાં છે. સિયાન (Sian) આ પ્રાંતનું પાટનગર છે.

શેન્સી

ભૂપૃષ્ઠ : પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલી ક્વિનલિંગ (Qinling) હારમાળા આ પ્રાંતને બે ભાગમાં વહેંચે છે. ઉત્તર તરફ હુઆંગ હે (પીળી નદી) અને દક્ષિણે યાંગત્ઝે નદીઓએ મેદાનોનું નિર્માણ કર્યું છે. ક્વિનલિંગ નદીના મૂળનો ભાગ સમુદ્રસપાટીથી 1,850 મીટરની ઊંચાઈ પર આવેલો છે. અહીંનાં 3,700 મીટરની ઊંચાઈ ધરાવતાં શિખરોમાંથી અનેક સહાયક નદીઓ તેને જળપુરવઠો પૂરો પાડે છે. અન્ય મહત્વની નદીઓમાં વેઈ (Wei), ચિંગ (Ching) અને હાન(Han)નો સમાવેશ થાય છે. દક્ષિણે આવેલી તાપા શાન ગિરિમાળાની સરેરાશ ઊંચાઈ સ્થાનભેદે 1,500થી 2,400 મીટર છે; જ્યારે શિનલિંગ (Tsinling) શાન હારમાળાની સરેરાશ ઊંચાઈ 2,400 મીટર જેટલી છે. ઉત્તર તરફનો ભાગ ઉચ્ચપ્રદેશીય છે. તેની ઊંચાઈ આશરે 900 મીટર કરતાં વધુ છે. શેન્સીના મધ્યભાગમાં વેઈ-હેની ખીણ આવેલી છે.

આબોહવા : સિયાન શહેરનું જાન્યુઆરી અને જુલાઈનું સરેરાશ તાપમાન અનુક્રમે 1° સે. અને 30° સે. જેટલું રહે છે; અહીંનો સરેરાશ વરસાદ 500 મિમી. જેટલો પડે છે; વર્ષાઋતુ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાનની હોય છે. હાન નદીના ખીણપ્રદેશમાં મોંગોલિયા તરફથી વાતા પવનોને કારણે ઉનાળા અને શિયાળા બંને સમધાત રહે છે, પરંતુ અહીં વરસાદ 750થી 1,000 મિમી. જેટલો પડે છે.

અર્થતંત્ર : ચીનનો આ પ્રાંત ખેતીની ષ્ટિએ મહત્વનો છે. ક્વિનલિંગ નદીની ઉત્તર તરફનો ભાગ ધાન્યના ભંડાર સમાન છે. અહીં ઘઉં, મકાઈ, ડાંગર, જવ અને કાઓલિયાંગ(જુવાર જેવું ધાન્ય)નું વાવેતર થાય છે. વેઈ-હેનો ખીણપ્રદેશ સૌથી વધુ ફળદ્રૂપ છે.

ખેતી : આ પ્રાંતમાં કપાસ, તમાકુ, સફરજન અને પીચની ખેતી થાય છે. લોએસનાં મેદાનોમાં પવનોથી થતા ઘસારાથી જમીનની ફળદ્રૂપતા ઘટતાં અવારનવાર દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતી હતી; પરંતુ 1949થી અહીંની નદીઓ પર બંધો બાંધી સિંચાઈની સુવિધા ઊભી કરવામાં આવી છે, પગથિયાં આકારનાં ખેતરોનું નિર્માણ કરીને ખેતીના પાકોનું ઉત્પાદન વધારવામાં આવ્યું છે. વળી ઉત્તરે આવેલા ઓર્ડોસના રણની રેતીને આગળ વધતી અટકાવવા અનેક વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે.

ખનિજો : આ પ્રાંતમાં કોલસા અને ખનિજતેલના વિપુલ ભંડારો આવેલા છે. યાનચાંગ ખાતે રિફાઇનરી સ્થાપવામાં આવી છે. ચીનના કોલસાના કુલ જથ્થાનો 2 ભાગ અહીં સંગ્રહાયેલો છે, તેનું મુખ્ય મથક ટોંગ ગુઆન ખાતે છે. કાંપના વિસ્તારોમાં રેતી ધોઈને સુવર્ણરજ મેળવવામાં આવે છે. પ્રાંતના નૈર્ઋત્ય ભાગમાં હેનઝોંગ પાસે લોહઅયસ્કની ખાણ આવેલી છે.

ઉદ્યોગો-પરિવહન : અહીં ખેતીની સાથે સાથે ઉદ્યોગો પણ વિકસેલા છે. અહીં કાપડ, સિમેન્ટ, દવાઓ અને યંત્રો બનાવવાના એકમો સ્થપાયેલા છે. તે સિયાન, બાઓજી, ચેંગ ડુ, સિયાન યાંગ, હુઆંગ જેવાં શહેરમાં આવેલાં છે. પાટનગર સિયાન પાકા રસ્તા તથા રેલમાર્ગે પ્રાંતનાં અન્ય શહેરો સાથે જોડાયેલું છે. સિયાન-બાઓજીને સાંકળતો રેલમાર્ગ મુખ્ય છે. તે લોંગહાઇ રેલમાર્ગ તરીકે ઓળખાય છે. તે હેનાન અને શાન્સી રાજ્યોને પણ જોડે છે. સિયાન યાંગ અને હુઆંગ હે વચ્ચે વેઈ નદીનો જળમાર્ગ ખૂબ જ ઉપયોગી બની રહેલો છે.

વસ્તી : પ્રાંત અને પાટનગરની વસ્તી અનુક્રમે 3,60,60,000 (1997) અને 30 લાખ (1995) જેટલી છે. આ પ્રાંતમાં મોટેભાગે હાન-ચીની વંશના લોકો વસે છે. પ્રાંતના ઉત્તર ભાગમાં વસતા કેટલાક લોકોએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે. અહીંની મુખ્ય ભાષા મંડારીન છે. આ પ્રાંતમાં તકનીકી, વિજ્ઞાન અને વિવિધ કલાઓનું શિક્ષણ આપતી સંસ્થાઓ આવેલી છે. સિયાન ખાતે ઉત્તર-પશ્ચિમ યુનિવર્સિટી અને સિયાન યાંગમાં પૉલિટૅક્નિકલ યુનિવર્સિટી સ્થપાયેલી છે.

ઇતિહાસ : ચીનના ઇતિહાસમાં શેન્સી પ્રાંતનું વિશિષ્ટ સ્થાન છે. અંદાજે 1,000 વર્ષથી ચોઉ, ચીન, હાન અને તાંગ વંશના શક્તિશાળી રાજાઓના સમયથી સિયાન આ પ્રાંતનું પાટનગર રહ્યું છે. તે વખતે એક એવી માન્યતા પ્રવર્તતી હતી કે ‘જે કોઈ સિયાન જીતી લે તેણે ચીન જીતી લીધું સમજવું.’

ઈ. પૂ. 220થી 206 સુધી હાન વંશના શાસન દરમિયાન શેન્સી પ્રાંત યુન ઝોઉ નામથી ઓળખાતો હતો. ઈ. સ. 609થી 907 દરમિયાન તાંગ વંશના શાસન વખતે કે ક્વાન્નાઈ અને શાંતાન રાજ્ય તરીકે જાણીતો હતો. 960થી 1279 સુધીના શુંગ વંશના શાસન દરમિયાન તે શેન્સી રાજ્ય બન્યું. 1279થી 1368 દરમિયાન અહીં મોંગોલ જાતિનું વર્ચસ્ રહેલું. તેઓએ તેનો એક પ્રાંત તરીકે સ્વીકાર કરેલો. 1644થી 1912 સુધી અહીં ચિંગ વંશના શાસકો હતા, પરંતુ તે વખતે પ્રાંતની સીમા અંગે તેઓ ચોક્કસ ન હતા.

ચીનમાં સામ્યવાદની ક્રાંતિ દરમિયાન શેન્સી ચીનનું મહત્વનું કેન્દ્ર બની રહેલું. 1934માં સામ્યવાદીઓએ દક્ષિણ ચીનથી 9,700 કિમી.ની લાંબી કૂચ કરીને શેન્સી પહોંચવામાં સફળ રહેલા. તેમણે શેન્સીને ચીનનું મહત્વનું મથક બનાવ્યું. આજે પણ શેન્સી ઉત્તર ચીનનું મહત્વનું મથક બની રહેલું છે.

નીતિન કોઠારી