શેન્યાંગ (મુકડેન)

January, 2006

શેન્યાંગ (મુકડેન) : ચીનના લાયોનિંગ પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 41° 48´ ઉ. અ. અને 123° 27´ પૂ. રે.. આ શહેર મંચુરિયાના ગીચ વસ્તીવાળા પ્રદેશની મધ્યમાં હુન નદીને કાંઠે વસેલું છે. અહીં પાંચ રેલમાર્ગો ભેગા થાય છે. શહેરની નજીક ત્રણ હવાઈ મથકો આવેલાં છે. શેન્યાંગમાં આવેલાં કારખાનાં ધાતુપેદાશો, યાંત્રિક ઓજારો અને હવાઈ જહાજોનું ઉત્પાદન કરે છે.

શેન્યાંગનો મધ્ય વિભાગ અને જૂનામાં જૂનો વિભાગ મધ્યયુગમાં બંધાયેલા છે. શહેરના રસ્તા સાંકડા છે, ઇમારતો પ્રાચીન સમયની છે તેમજ શહેર પથ્થરની ઊંચી દીવાલોથી ઘેરાયેલું છે.

20મી સદીની શરૂઆતમાં રશિયનોએ જ્યારે તેનો કબજો મેળવેલો ત્યારે તેમણે બાંધેલો રશિયન વિભાગ શહેરની બહાર આવેલો છે. 1904-1905 દરમિયાન રુસી-જાપાની યુદ્ધ શેન્યાંગ ખાતે થયેલું. 1931માં જાપાનીઓએ મંચુરિયા પર આક્રમણ કરેલું, તેમાં જાપાનીઓચીની લોકો વચ્ચે સંઘર્ષ થયેલો. તે પછીથી જાપાનીઓએ પણ ઘણા આવાસો અને કારખાનાં માટે પરાં વિકસાવેલાં. વિશાળ ચીની સામ્રાજ્ય પર એક વાર શાસન કરી ચૂકેલા મંચુ શહેનશાહોની કબરો ધરાવતો એક રમણીય ઉદ્યાન શહેરની ઉત્તરમાં આવેલો છે.

ગિરીશભાઈ પંડ્યા