શેખ, મુજીબુર રહેમાન

January, 2006

શેખ, મુજીબુર રહેમાન (. 17 માર્ચ 1920, તાન્જીપુરા, ઢાકા, અખંડ ભારત; . 15 ઑગસ્ટ 1975, ઢાકા, બાંગ્લાદેશ) : બંગાળી રાજકીય નેતા, બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા અને પ્રથમ વડાપ્રધાન તથા પ્રમુખ. તેઓ મધ્યમવર્ગીય જમીનદાર કુટુંબનું સંતાન હતા. પ્રારંભિક ઉચ્ચ શિક્ષણ કોલકાતાની ઇસ્લામિયા કૉલેજમાંથી મેળવ્યું અને સ્નાતક થયા. ત્યારબાદ ટૂંકા ગાળા માટે ઢાકા યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો. કિશોર વયે તેમણે ભારતની સ્વતંત્રતા સબબ ટૂંકી જેલ ભોગવી હતી.

મુજીબુર રહેમાન શેખ

1949માં પાકિસ્તાનના પ્રથમ વિરોધપક્ષ અવામી લીગના સહસ્થાપક તરીકે તેમણે રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો. થોડો સમય આ પક્ષના મહામંત્રી રહ્યા બાદ 1966થી તેઓ પક્ષપ્રમુખ બન્યા. આ જ વર્ષે પૂર્વ પાકિસ્તાનમાં થયેલી જૂથહિંસાને કારણે તેમને જેલવાસ વેઠવાનો થયો. ક્રમશ: તેમની રાજકીય કારકિર્દી ઘડતર પામી અને તેઓ પ્રજાના અગ્રણી નેતા બન્યા. ડિસેમ્બર 1970ની સામાન્ય ચૂંટણીઓમાં તેમના પક્ષ અવામી લીગે બહુમતી બેઠકો મેળવી જે મહત્ત્વની સિદ્ધિ હતી. કારણ પાકિસ્તાન સરકાર પૂર્વ પાકિસ્તાન પ્રત્યે ઓરમાયું વર્તન કરતી હતી, જેનો વારંવાર, વિવિધ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. આ અસંતોષને વાચા આપતાં 1970 બાદ અવામી લીગે મુજીબુર રહેમાનના નેતૃત્વ હેઠળ પૂર્વ પાકિસ્તાનની સ્વાયત્તતાની માંગ કરી. આ માટે સરકાર સાથે યોજાયેલી બેઠકો નિષ્ફળ રહી. એ સાથે પાકિસ્તાનમાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો. સરકારે તેમની ધરપકડ કરી તેમને જેલમાં ધકેલતાં પરિસ્થિતિ વધુ તંગ અને ઉગ્ર બની. આથી પૂર્વ પાકિસ્તાનના સ્વાતંત્ર્યની માંગ વધુ જલદ બની. સ્વાતંત્ર્યસૈનિકોની મુક્તિવાહિનીને ભારતીય સૈન્યની મદદ સાંપડતાં પૂર્વ પાકિસ્તાન વિજેતા બન્યું અને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશ નામે ઘોષિત થયું. ડિસેમ્બર 1971ના પ્રારંભે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા અને પ્રજાએ તેમને રાષ્ટ્રપિતા તરીકે સ્થાપ્યા. જાન્યુઆરી 1972માં તેઓ બાંગ્લાદેશના પ્રથમ વડાપ્રધાન બન્યા.

વડાપ્રધાન તરીકે તેમણે દેશનું પુનર્ઘડતર કરવા પ્રયાસો આરંભ્યા. પાકિસ્તાન સાથેના તંગ થયેલા સંબંધો તેમણે સામાન્ય બનાવ્યા. જાન્યુઆરી 1974માં બંધારણ-પરિવર્તનથી તેઓ પ્રમુખ બન્યા અને સરમુખત્યારશાહી જેવી સત્તાઓ ધારણ કરી. સાત મહિના બાદ લશ્કરી બળવો થતાં સૈન્યે મુજીબુરની સરકાર ઉથલાવી તેમને પદભ્રષ્ટ કર્યા અને તેમની તથા તેમના પરિવારજનોની ઑગસ્ટ 1975માં હત્યા કરવામાં આવી.

રક્ષા મ. વ્યાસ