શૅરીફ, ઑમર (જ. 1932, ઍલેક્ઝાન્ડ્રિયા, ઇજિપ્ત) : ઇજિપ્તના રંગભૂમિના અને ફિલ્મોના અભિનેતા. મૂળ નામ માઇકેલ શલહૂબ. 1953માં તેમણે ઇજિપ્તના ફિલ્મજગતમાં અભિનયનો પ્રારંભ કર્યો અને એ દેશના ટોચના ફિલ્મ-અભિનેતા બની રહ્યા.
1962માં ‘લૉરેન્સ ઑવ્ અરેબિયા’ ચિત્રમાંના તેમના અભિનયથી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી. તેમનાં ઉત્તરાર્ધનાં ચિત્રોમાં ‘ડૉક્ટર ઝિવાગો’ (1965), ‘ફની ગર્લ’ (1968), ‘ધ ટૅકૉ રિન્ડ સીડ’ (1974), ‘રિટર્ન ટુ ઈડન’ (1982) તથા ‘ધ મિરર હૅઝ ટુ ફેસિઝ’નો સમાવેશ થાય છે. 1996માં રજૂ થયેલી ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ની ટેલિવિઝનશ્રેણીમાં તેમણે કામ કર્યું. ‘ધી ઇટર્નલ મેલ’ નામે આત્મકથા 1977માં પ્રગટ કરી. બ્રિજની રમતમાં પણ તે સ્પર્ધક રૂપે જાણીતા થયા.
મહેશ ચોકસી