શૅરિંગ્ટન, ચાર્લ્સ સ્કૉટ (સર)

January, 2006

શૅરિંગ્ટન, ચાર્લ્સ સ્કૉટ (સર) (. 27 નવેમ્બર 1857, આઇલિંગ્ટન, લંડન; . 4 માર્ચ 1952) : ચેતાકોષ(neurons)ના કાર્ય અંગે શોધાન્વેષણ (discovery) કરીને એડ્ગર ડગ્લાસ ઍડ્રિયન સાથેના સરખા ભાગના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમને આ સન્માન સન 1932માં પ્રાપ્ત થયું હતું. તેઓ બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલા હતા, જ્યારે તેમના સહવિજેતા ત્યાંની કૅમ્બ્રિજ યુનિવર્સિટી સાથે સંલગ્ન હતા. બાળક હતા ત્યારે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેમની માતાએ એક જાણીતા વાસ્તુવિદ અને સારા શાસ્ત્રીય અભ્યાસક સાથે લગ્ન કર્યાં જેમની અસરથી તેમને કળાઓમાં રસ જાગ્યો.

તેમણે 1876માં સેન્ટ થૉમસની હૉસ્પિટલમાં તબીબી અભ્યાસ શરૂ કર્યો. તેઓ એડિનબર્ગમાં થોડો સમય રહ્યા અને સન 1879માં કેમ્બ્રિજ ખાતે કૉલેજ બહારના વિદ્યાર્થી તરીકે માઇકલ ફૉસ્ટર પાસે ભણવા ગયા. સન 1880માં તેઓ ગૉનવિલ ઍન્ડ કેયસ કૉલેજમાં જોડાયા. સન 1881માં તેમણે લંડનમાં એક તબીબી મહાસભામાં ભાગ લીધો અને ત્યાં તેમને ચેતાતંત્ર અંગેના અભ્યાસક્રમમાં રસ જાગ્યો. તેમણે તે વિષય પર કેમ્બ્રિજ ખાતે કાર્ય કરીને લૅન્ગલે સાથે સન 1884માં પ્રથમ શોધ-લેખ પ્રકાશિત કર્યો. સન 1883માં તેઓ કેમ્બ્રિજ ખાતે શરીરરચનાવિદ્યા(anatomy)ના નિર્દેશન-સહાયક(demonstrator) બન્યા. સને 1883-84માં તેમણે સેન્ટ થૉમસની હૉસ્પિટલમાં પેશીવિદ્યા (histology) વિષયમાં નિર્દેશન-સહાયકનું કાર્ય કર્યું. સન 1884માં તેમણે MRCPની ઉપાધિ મેળવી અને સન 1885માં તેમણે કેમ્બ્રિજની નૈસર્ગિક વિજ્ઞાનોની પરીક્ષા વિશેષ યોગ્યતા (distinction) સાથે પસાર કરી. આ સમયગાળામાં તેમણે ગોલ્ટ્ઝનાં કૂતરાંઓ પર પોતાનો સંશોધનલેખ પ્રકાશિત કર્યો. સન 1885માં તેમણે એમ.બી.(M.B.)ની ઉપાધિ અને 1886માં એલ.આર.સી.પી.(LRCP)(કેમ્બ્રિજ)ની ઉપાધિ મેળવી.

ચાર્લ્સ સ્કૉટ શૅરિંગ્ટન

સન 1885માં તેમણે સ્પેન ખાતે અને 1886માં વેનિસ વિસ્તારમાં થયેલા કૉલેરાના ઉપદ્રવ અંગે તપાસ કરી. તેમની તપાસનાં પરિણામોને બર્લિનમાં વિર્શોવે તપાસ્યાં અને તેમને રૉબર્ટ કોક પાસે 6 અઠવાડિયાં માટે ક્રિયાકલાપન (technique) શીખવા માટે મોકલ્યા. ત્યાં તેઓ એક વર્ષ રહ્યા અને તેમણે જીવાણુવિદ્યા(bacteriology)માં સંશોધનો કર્યાં. સન 1887માં તેઓ તંત્રીય દેહધર્મવિદ્યા (systematic physiology)ના વ્યાખ્યાતા થયા અને તેમની ગોનવિલ ઍન્ડ કેયસ કૉલેજના ફેલો તરીકે વરણી થઈ. સન 1891માં તેઓ બ્રાઉન ઇન્સ્ટિટ્યૂટ ફૉર એડવાન્સ્ડ ફિઝિયોલૉજિકલ ઍન્ડ પૅથોલૉજિક રિસર્ચ(લંડન)ના પ્રાધ્યાપક અને અધીક્ષક નિમાયા. સન 1895માં તેઓ લિવરપુલ વિશ્વવિદ્યાલયમાં દેહધર્મવિદ્યાના પ્રાધ્યાપક થયા.

જ્યારે તેઓ સ્પેનમાં હતા ત્યારે તેઓ જાણીતા ચેતાવિદ રૅમૉન કાજલને મળ્યા હતા. તેને કારણે તેમને ચેતાવિદ્યામાં વિશેષ રસ જાગ્યો હતો. તેમણે કરોડરજ્જુ (મેરુરજ્જુ, spinal cord) પર અભ્યાસો કર્યા હતા અને કરોડરજ્જુ સંબંધિત ચેતાપરાવર્તી ક્રિયાઓ (spinal reflexes) પર સંશોધન કરીને ઘણા શોધલેખો પ્રકાશિત કર્યા હતા (1891). 1892થી 1894માં તેમણે સ્નાયુઓમાંથી સંદેશા લઈ જતા ચેતાતંતુઓ પર અભ્યાસ કર્યો. સન 1893થી 1897માં તેમણે ચેતાઓ દ્વારા ચામડીમાંથી સંવેદનાઓ લઈ જવાય છે ત્યારે તે ચર્મપટ્ટાઓને અનુકૂળ હોય છે તેવું શોધ્યું. તેમણે તે સમય દરમિયાન બતાવ્યું કે સ્નાયુઓ સાથે જોડાતી ચેતાઓમાં 2/3 ચેતાતંતુઓ સ્નાયુના સંકોચનનું પ્રેરણ (motor) કરે છે અને 2 ચેતાતંતુઓ સ્નાયુઓમાંથી સંવેદનાઓ લઈ જાય છે. કોઈ એક સાંધા પર બે પ્રકારના સ્નાયુઓ કાર્ય કરતા હોય છે. જે ક્રિયાધર્મી (agonist) સ્નાયુ હોય છે તે સંકોચાઈને સાંધાને કોઈ એક રીતે વાળે છે; જ્યારે તેનાથી વિપરીત ક્રિયા કરતા વિપરીતધર્મી (antagonist) સ્નાયુઓ તે સમયે શિથિલ થઈને તે સાંધાને વળવા દે છે. ચેતાપરાવર્તી ક્રિયામાં ક્રિયાધર્મી તથા વિપરીતધર્મી સ્નાયુઓ  એમ બંને પ્રકારના સ્નાયુઓનું મહત્વ છે એવું તેમણે દર્શાવ્યું તે સમયે તેમણે મોટા મગજ અને કરોડરજ્જુની વચ્ચે સંબંધ દર્શાવતા ઊર્ધ્વપ્રેરક ચેતાતંતુઓ(upper motor nerve fibres)ના બનેલા ત્રિપાર્શ્ર્વી ચેતાપથ (pyramidal tract) પર પણ અભ્યાસ કર્યો હતો. સન 1906માં તેમણે ‘ચેતાતંત્રની સંકલનશીલ ક્રિયા’ (The integrative action of nervous system) નામનું પુસ્તક લખ્યું. સન 1913માં તેમને ઑક્સફર્ડ ખાતે વેન્ફ્લિટ પ્રાધ્યાપક થવા માટે નિમંત્રણ મળ્યું. સન 1919માં તેમણે તેનું બીજું વિખ્યાત પુસ્તક ‘સસ્તન પ્રાણીઓની દેહધર્મવિદ્યા  પ્રાયોગિક અભ્યાસ માટેનો અભ્યાસક્રમ’ (Mammalian physiology  a course of practical exercises) લખ્યું.

બાળપણમાં તેઓ રમતવીર (athlet) હતા. તેમનું શારીરિક સૌષ્ઠવ સારું હતું. તેઓ ઊંચો અને સુઢ દેહ ધરાવતા હતા. તેથી તેઓ લાંબા સમયના સંશોધન માટે સક્ષમ રહ્યા હતા. તેઓ રોજ 13 કલાક અને રવિવારે 9 કલાક કામ કરી શકતા હતા. આ કાર્ય તેઓ જ્યારે બર્મિગહામમાં ઔદ્યોગિક શ્રાંતિ (fatigue) બૉર્ડના ચૅરમૅન હતા ત્યારે કર્યું હતું. તેમને નાનપણથી જ દૂરનું જોવા માટેનાં ચશ્માં હતાં. તેઓ નમ્ર, મૈત્રીપૂર્ણ અને ઉદાર હતા અને બીજાં માટે નાણાં અને સમયનો સદુપયોગ કરતા. સન 1925માં તેમણે એક કવિતાનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું હતું. સંગીત, સાહિત્ય તથા જીવવિદ્યાના રસિક ઉપરાંત તેઓ ફિલસૂફ પણ હતા. સન 1933ના તેમના પુસ્તક ‘મગજ અને એની ક્રિયાપ્રવિધિઓ’(the brain and its mechanism)માં તેમણે માનસિક અને દેહધાર્મિક અનુભવોને જોડવાના મનુષ્યના અધિકારને નકાર્યો હતો. તેમનામાંનો ફિલસૂફ ‘પોતાની પ્રકૃતિ અંગે માનવ’ (man on his nature) નામના પુસ્તકમાં પૂર્ણ રીતે અભિવ્યક્ત થયો (1940). આ પુસ્તકમાં તેમનાંં સન 193738નાં ગિફર્ડ વ્યાખ્યાનોનો સંગ્રહ છે.

સન 1893માં તેઓ રૉયલ સોસાયટી ઑવ્ લંડનના ફેલો થયા અને સન 1897માં તેમણે ક્રુમિયન વ્યાખ્યાન આપ્યું હતું. તેમને રાજ્ય સન્માનિત ચંદ્રક (royal medal) સન 1905માં પ્રાપ્ત થયો અને કોપ્લે ચંદ્રક 1927માં. તેમને સન 1922માં ‘નાઇટ ગ્રાન્ડ ક્રૉસ ઑવ્ ધી ઑર્ડર’થી તથા ‘ઑર્ડર ઑવ્ મેરિટ’થી 1924માં સન્માનિત કરાયા હતા. તેમને ઑક્સફર્ડ, લંડન, શેફિલ્ડ, બર્મિંગહામ, મૅન્ચેસ્ટર, લિવરપુલ, વેલ્સ, ગ્લૅસ્ગો, પૅરિસ, સ્ટ્રેસ્બર્ગ, લૉવેઇન, ઉપ્સાલા, લાયૉન્સ, બુડાપેસ્ટ, ઍથેન્સ, બ્રસેલ્સ, બેર્ને, ટૉરેન્ટો, મૉન્ટ્રિયલ અને હાર્વર્ડ એમ કુલ 21 વિશ્વવિદ્યાલયો તરફથી માનાર્હ વિષય- વિદ્વત્તા(honorary doctorate)ની ઉપાધિ મળેલી હતી.

સન 1892માં તેઓ ઇથેલ મૅરી સાથે પરણેલા. પાછલી ઉંમરે તેમને શારીરિક નબળાઈ આવી હતી. પરંતુ માનસિક સતેજતા જળવાઈ રહી હતી. સન 1952માં તેઓ અચાનક હૃદયરોગના હુમલાને કારણે અવસાન પામ્યા.

શિલીન નં. શુક્લ