શેરુબિની, (મારિયા) લુઈગી (કાર્લો ઝેનોબિયો સાલ્વાતોરે)

January, 2006

શેરુબિની, (મારિયા) લુઈગી (કાર્લો ઝેનોબિયો સાલ્વાતોરે) (. 14 સપ્ટેમ્બર 1760, ફ્લોરેન્સ, ઇટાલી; . 15 માર્ચ 1842, પૅરિસ, ફ્રાંસ) : રંગદર્શી ફ્રેંચ સંગીતકાર અને સ્વરનિયોજક. ફ્રેંચ ઑપેરા અને ફ્રેંચ ખ્રિસ્તી ધાર્મિક સંગીતના સર્જક તરીકે તેની ખ્યાતિ છે.

સંગીતકાર કુટુંબમાં જન્મેલા શેરુબિનીએ ઑપેરા-કંપોઝર (સ્વરનિયોજક) ગ્વીસેપિ સાર્તી હેઠળ સંગીતની તાલીમ લીધી. એની પ્રારંભિક કારકિર્દી ધાર્મિક સંગીતને વરેલી જોવા મળે છે; પરંતુ પછીથી તેણે રંગમંચ માટેના ઑપેરા સર્જવા પર ભાર મૂક્યો હતો. સમગ્ર કારકિર્દી દરમિયાન તેણે 15 ઇટાલિયન ઑપેરા અને 14 ફ્રેંચ ઑપેરા લખ્યા. 1785માં બ્રિટનના રાજા જ્યૉર્જ ત્રીજાના દરબારી સંગીતકાર તરીકે તેની નિમણૂક થઈ, પરંતુ બીજે જ વર્ષે શેરુબિની એ પદ છોડીને પૅરિસની પૅરિસ કૉન્ઝર્વેટરીમાં જોડાયો. નેપોલિયોં સાથે એને ફાવ્યું નહિ, પણ એ પછી સત્તા પર આવેલા રાજા લૂઇ અઢારમાએ શેરુબિનીને ‘રૉયલ ચૅપલ’ના સંગીત-દિગ્દર્શકની જવાબદારી સોંપી.

ઇટાલિયન સંગીતશૈલીમાં તાલીમ પામેલ શેરુબિનીના પુખ્ત સર્જન ઉપર રંગદર્શી જર્મન સંગીતનો તથા તેમાં પણ ક્રિસ્ટૉફ ગ્લકનો પ્રભાવ જોવા મળે છે. તેના ઑપેરામાં પણ શ્રીમંતો અને રાજવીઓના સ્થાને અદના આદમીની ઉદાત્તતાની પ્રતિષ્ઠા થયેલી જોવા મળે છે; એકથી વધુ કંઠની મધુર સહોપસ્થિતિઓ વડે ‘હાર્મની’ ઊભી થતી જોવા મળે છે. એની શ્રેષ્ઠ કૃતિઓમાં સમાવેશ પામે છે : 1. ઑપેરા ‘લોડોઇસ્કા’ (1791), 2. ઑપેરા ‘મેદી’  (1797), 3. ઑપેરા ‘લ દ્યુ જૂર્ની’ (Les Deux Journee) (‘ધ ટુ ડેઝ’  ‘ધ વૉટર કૅરિયર’) (1800), 4. માસ ઇન એફ મેજર (1809), 5. રેક્વિયમ ઇન ડી માઇનોર ફૉર મેઇલ વૉઇસિઝ.

શેરુબિનીએ સંગીત ઉપર ભાષ્યો પણ લખ્યાં છે, જેમાં ‘કોર્સ ઇન કાઉન્ટરપૉઇન્ટ ઍન્ડ ફ્યુગ’ (1835) શ્રેષ્ઠ છે.

બીથોવનને શેરુબિની માટે ખાસ આદર હતો. બીથોવને તેને પોતાનો સૌથી મહાન સમકાલીન સંગીતકાર ગણાવેલો.

અમિતાભ મડિયા