શુભ્રરંગી ખડકો, ખનિજો (leucocratic rocks, – minerals)
January, 2006
શુભ્રરંગી ખડકો, ખનિજો (leucocratic rocks, – minerals) : મુખ્યત્વે આછા રંગવાળાં ખનિજોથી બનેલા અગ્નિકૃત ખડકો માટે ઉપયોગમાં લેવાતો શબ્દપ્રયોગ. આવા ખડકોમાં ઘેરા રંગના ખનિજોનું પ્રમાણ 0 % થી 30 % જેટલું હોય છે. બાકીની ટકાવારી આછા રંગનાં ખનિજોની હોય છે. આછા રંગનાં ખનિજો પૈકી ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર, ફેલ્સ્પેથૉઇડ, રંગવિહીન કે આછા રંગવાળું અબરખ, ટોપાઝ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારમાં ગણાતા કેટલાક ખડકો (ખનિજો) હસ્તનમૂનામાં એવા પણ હોય છે કે જે દેખાવમાં ઘેરા રંગવાળા લાગતા હોય, પરંતુ તેમના ખડક(ખનિજ)-છેદ આછો રંગ દર્શાવતા હોય અને ખડકવિદ શાન્ડના રંગક્રમ મુજબ રંગઅંક 0-30 વચ્ચે આવતા હોય. અગ્નિકૃત ખડકોનું રંગ મુજબનું વર્ગીકરણ કરવા બ્રોગરે પ્રયોજેલા શુભ્રરંગી (leucocratic), મધ્યમરંગી (mesocratic) અને શ્યામરંગી (melanocratic) પૂર્વગો પૈકીનો આ પૂર્વગ આછા રંગવાળા ખનિજધારક ખડકો માટે ઉપયોગમાં લેવાય છે. શાન્ડે સૂચવેલા રંગક્રમ માટેના ત્રણ વિભાગો (ઘેરા રંગનાં ખનિજોનું પ્રમાણ 0 % – 30 %, 30 % – 60 % અને 60 % – 90 %) પૈકીના પ્રથમ વિભાગ-શુભ્રરંગી પ્રકાર-માં આવે છે. ગ્રૅનાઇટ ખડક શુભ્રરંગી પ્રકારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ગિરીશભાઈ પંડ્યા