શુબુન, તેન્શો (Shubun, Tensho) (. ચૌદમી સદીનો અંત ?, ઓમિ, જાપાન; . 1444-48 ?, ક્યોટો, જાપાન)  : જાપાની ચિત્રકાર. જાપાનમાં એકરંગી (monochromatic) શાહી વડે આલેખિત ચિત્રોના વિકાસમાં તેનો મુખ્ય ફાળો છે.

ચીની ચિત્રશૈલીઓને અનુસરતા જાપાની ચિત્રકારો પાસેથી શુબુન ચિત્રકલા શીખેલો. ક્યોટોમાં શોકોકુ-જી (Shokku-Ji) મંદિરમાં એ પોતે ધર્મગુરુ હતો. આ જ મંદિરના એક અન્ય ધર્મગુરુ-ચિત્રકાર જોસેસ્તુ અને તેના ખ્યાતનામ શિલ્પ ચિત્રકાર સેશુ પાસેથી પણ તે ચિત્રકલાના પાઠ શીખવા પામ્યો. 1403માં તેણે કોરિયાની મુલાકાત લીધી. બીજે જ વર્ષે ત્યાંથી પાછા ફરીને તેણે જાપાની રાજવંશ શોગુનના દરબારી ચિત્રકલા વિભાગના વડા તરીકેની નિમણૂક સ્વીકારી. અહીં જ તેણે એકરંગી શાહી વડે આલેખિત ચિત્રોને દરબારી મોભો આપ્યો અને તેનો જાપાનમાં પ્રસાર કર્યો.

અમિતાભ મડિયા