શુમાકર . એફ. (. 1911, જર્મની; . 6 સપ્ટેમ્બર 1977, સ્વિટ્ઝર્લૅન્ડ) :  વિકાસશીલ દેશો માટે મધ્યવર્તી તકનીકોની હિમાયત કરનાર સ્વતંત્ર વિચારક તથા ‘બુદ્ધિસ્ટ ઇકોનૉમિસ્ટ’ની આર્થિક વિચારસરણીના પ્રવર્તક. આખું નામ અર્ન્સ્ટ ફ્રેડરિક શુમાકર. 1930ના અરસામાં ઇંગ્લૅન્ડની ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં ‘રોડસ સ્કૉલર’ તરીકે અધ્યયન કર્યું અને ત્યારબાદ જર્મની પાછા ગયા ખરા, પરંતુ નાઝીવાદની ચુંગાલમાંથી છટકી જવા માટે બીજા વિશ્વયુદ્ધ (1939-45) પૂર્વે જર્મનીથી ઇંગ્લૅન્ડ પલાયન કર્યું. ત્યાંની સરકારે તેઓ શત્રુ પક્ષના નાગરિક હોવાને કારણે તેમને નજરકેદ (intern) રાખ્યા હતા; તેમ છતાં વિશ્વયુદ્ધના ગાળા દરમિયાન ઇંગ્લૅન્ડની અર્થવ્યવસ્થાની સુદૃઢતા માટે અને ખાસ કરીને ત્યાંની નાણાવ્યવસ્થાને ઊર્ધ્વગામી કરવા માટે તેમની સેવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ પરાજિત જર્મનીની અર્થવ્યવસ્થાને પુનરુજ્જીવિત કરવા માટે બ્રિટિશ કંટ્રોલ કમિશનના સલાહકાર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. 1950-70ના બે દાયકાના ગાળા દરમિયાન વિશ્વના સૌથી મોટા કદના ગણાતા બ્રિટિશ કોલ બૉર્ડ(British Coal Board)ના ચીફ ઇકોનૉમિક એડવાઇઝર અને મુખ્ય આંકડાશાસ્ત્રી તરીકે તેમની સેવાઓ પ્રાપ્ત કરવામાં આવી હતી. દરમિયાન 1955માં બ્રહ્મદેશ(હવે મ્યાનમાર)ના આર્થિક સલાહકાર તરીકે પણ તેઓ કાર્યરત રહ્યા. તેમના આ કાર્યકાળમાં જ તેમણે તેમના ‘બુદ્ધિસ્ટ અર્થશાસ્ત્ર’ની વિભાવના વિકસાવી, જેનો સારાંશ એ છે કે માનવજાતિના ઇષ્ટ કે યોગ્ય વિકાસ માટે સારું કામ અનિવાર્ય હોય છે. તેમની આ વિચારસરણીના એક ભાગ તરીકે તેમણે એમ પણ સૂચવ્યું કે સ્થાનિક લોકોની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે સ્થાનિક સાધનોના ઉપયોગ પર જ ભાર મૂકવો જોઈએ, નહિ કે બહારથી પ્રાપ્ત કરવામાં આવેલાં સાધનો પર. વળી વિકાસશીલ દેશોની ગરીબી જેવી સમસ્યાઓના ઉકેલ માટે ઉચ્ચકક્ષાની, વધુ ખર્ચાળ અને વધુ કૌશલ્ય (skills) માગી લેતી અને દેશને પરાવલંબી બનાવતી ટૅક્નૉલૉજીને બદલે સ્થાનિક સ્તરે સુલભતાથી ઉપલબ્ધ થઈ શકે તેવી શ્રમપ્રધાન મધ્યવર્તી ટૅક્નૉલૉજીનો વ્યાપક ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી સ્થાનિક સાધનોના ઇષ્ટતમ ઉપયોગ ઉપરાંત પર્યાવરણની સમસ્યાનું નિરાકરણ પણ સહેલાઈથી કરી શકાશે. આ તેમની વિચારસરણીને કારણે તેમને ભારતના આયોજન પંચના સલાહકાર તરીકે નીમવામાં આવ્યા હતા. તે ઉપરાંત ઝાંબિયા તથા મ્યાનમાર દેશોની સરકારોના આર્થિક સલાહકાર તરીકે પણ તેમણે કામ કર્યું હતું.

1943માં તેમનો એક સંશોધનલેખ ‘મલ્ટિલૅટરલ ક્લિયરિંગ’ શીર્ષક હેઠળ ‘ઇકોનૉમિક’ સામયિકમાં પ્રકાશિત થયો હતો. તેનાથી વિખ્યાત અર્થશાસ્ત્રી જે. એમ. કેઇન્સ ખૂબ પ્રભાવિત થયા હતા. આટલે સુધી કે કેઇન્સે 1944માં બ્રેટનવૂડ્ઝ ખાતે ભરાયેલી મિત્રરાષ્ટ્રોની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ‘ઇન્ટર ક્લિયરિંગ યુનિયનની સ્થાપના માટે જે સૂચનો કર્યાં હતાં, તેમાં શુમાકરના વિચારોનો સ્પષ્ટ પડઘો પડ્યો હતો.

શુમાકરના ત્રણ ગ્રંથો જાણીતા છે : (1) ‘સ્મૉલ ઇઝ બ્યૂટિફુલ’ (1973, બીજી આવૃત્તિ : 1999). તેનું વિશ્વભરમાં મોટા પાયા પર પ્રસારણ થયું હતું. 2. ‘ગુડ વર્ક’, જેમાં શુમાકરે તેમના ‘બુદ્ધિસ્ટ ઇકૉનોમી’ના સિદ્ધાંતોનું બયાન કર્યું છે તથા 3. ‘અ ગાઇડ ફૉર ધ પરપ્લેક્સ્ડ’. તે ઉપરાંત, ‘બ્રિટિશ જર્નલ રિસર્જન્સ’માં છપાયેલા તેમના લેખો તથા ‘ટાઇમ’ સામયિકમાં છપાયેલા તેમના લેખો પણ પ્રશંસાને પાત્ર ઠર્યા હતા.

તેમણે સ્થાપેલી ‘ઇંટરમીડિયેટ ટૅક્નોલૉજિકલ ડેવલપમેન્ટ ગ્રૂપ’ નામની બિનસરકારી સેવાસંસ્થા (NGO) વિશ્વના વિકાસશીલ દેશોમાં કાર્યરત છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે