શુન:શેપ : વૈદિક સાહિત્યનું પાત્ર. સૂર્યવંશી પ્રસિદ્ધ રાજા હરિશ્ર્ચંદ્રને સંતાન ન હતું. વરુણના વરદાનથી તેને રોહિત નામે પુત્ર થયો. પરંતુ શરત મુજબ હરિશ્ર્ચંદ્રે વરુણને આ પુત્ર બલિદાનમાં આપવાનો હતો. આથી રોહિત વનમાં નાસી ગયો. શરત પૂરી ન થતાં હરિશ્ર્ચંદ્રને જળોદર રોગ થયો. રોહિતને પિતાને રોગમુક્ત કરવાની ઇચ્છા હતી, પરંતુ તેણે પોતાને બદલે બીજા કોઈનું બલિદાન આપવા વિચાર્યું. તે ભૃગુકુળમાં ઉત્પન્ન સુવસ અજીગર્ત નામે લોભી બ્રાહ્મણને મળ્યો. તેણે ધનપ્રાપ્તિથી પોતાનો વચેટ પુત્ર રોહિતને આપી દીધો. હરિશ્ર્ચંદ્રે યજ્ઞ શરૂ કર્યો. યજ્ઞસ્તંભ સાથે શુન:શેપને બાંધ્યો, પરંતુ યજ્ઞમાં બલિકર્મ કરનારા ઉપઋત્વિજોએ આને મારવાની ના પાડી તો અજીગર્ત આ માટે તૈયાર થયો. શુન:શેપ રડતો હતો. આ યજ્ઞમાં ઋત્વિજ વિશ્વામિત્ર હતા. તેમને દયા આવી. તેમણે શુન:શેપને વરુણનો મંત્ર આપ્યો. આ મંત્રથી શુન:શેપે વરુણને પ્રસન્ન કર્યા. હવે શુન:શેપ મુક્ત થયો અને હરિશ્ર્ચંદ્ર રોગમુક્ત થયો. શુન:શેપ દેવકૃપાથી ઊગર્યો તેથી તે ‘દેવરાત’ કહેવાયો. હવે શુન:શેપે યજ્ઞમાં ઉપસ્થિત સભાસદોને પ્રશ્ર્ન કર્યો કે હું કોનો પુત્ર કહેવાઉં ? વસિષ્ઠે નિર્ણય આપ્યો કે તું વિશ્વામિત્રનો પુત્ર છો. એમના મંત્રદાનથી ઊગર્યો છે. હવેથી તે કૌશિક ગોત્રી થયો. વિશ્વામિત્રે તેને પોતાના જ્યેષ્ઠ પુત્રનો દરજ્જો આપ્યો અને ગાધિકુળનો ઉત્તરાધિકારી બનાવ્યો. વરુણની કૃપાથી શુન:શેપ પાશમુક્ત થયો તે ઘટનાનો નિર્દેશ ઋગ્વેદમાંથી (527) પણ મળે છે. શુન:શેપનો આ વૃત્તાન્ત બ્રાહ્મણગ્રંથો, શ્રૌતસૂત્ર, રામાયણ મહાભારત, ભાગવતવિષ્ણુપુરાણ વગેરેમાંથી પણ ઉપલબ્ધ થાય છે. શુન:શેપ મંત્રદ્રષ્ટા પણ હતો. ઋગ્વેદમાં 124થી 130 તેમજ 93 સૂક્તના તેઓે ઋષિ છે. અહીં તેમના માટે ‘આજિગર્તિ’ અને ‘દેવરાત’ એવાં વિશેષણો પ્રયોજાયાં છે. આ રીતે તેઓ આઠ સૂક્તોના ઋષિ છે. તેમનો વરુણને વીનવતો એક સુંદર મંત્ર આ પ્રમાણે છે : ‘હે રાજા (વરુણ), તારી પાસે તો સેંકડો અને હજારો ઉપાયો છે. તારી સુમતિ (અમારે માટે) ઉદાર અને સ્થિર બની રહો. પાપોને (અમારાથી) દૂરથી જ રાખ અને જે પાપો અમે કર્યાં છે એનાથી અમને મુક્ત કરી દે.’ (ઋ. 1/24/9).

રશ્મિકાન્ત પ. મહેતા