શુદ્ધીકરણ : વ્યક્તિનાં શરીર અને મન અશુદ્ધ થાય તેને હિંદુ ધર્મશાસ્ત્રના આધારે શુદ્ધ કરવાની ક્રિયા.

મનુ, યાજ્ઞવલ્ક્ય, નારદ, પરાશર આદિની સ્મૃતિઓ વિશ્વરૂપ, મેધાતિથિ, વિજ્ઞાનેશ્વર વગેરેની ટીકાઓ તેમજ લક્ષ્મીધરનું ‘કલ્પતરુ’, દેવજ્ઞ ભટ્ટની ‘સ્મૃતિચંદ્રિકા’, હેમાદ્રિનું ‘ચતુર્વર્ગચિન્તામણિ’, ‘નિર્ણયસિન્ધુ’, ‘ધર્મસિન્ધુ’, ‘સ્મૃતિસમુચ્ચય’ વગેરે નિબંધગ્રંથો ધર્મશાસ્ત્રીય નિર્ણય માટે પ્રમાણભૂત બન્યા છે. દેશ, કાળ, કુળ કે જાતિના સંદર્ભે જ્યાં શંકા જાગે ત્યાં સત્સંગ, વિદ્વદ્ગોષ્ઠિ, સદ્ગ્રંથ-સેવન વગેરે દ્વારા શ્રવણ, દર્શન, મનન અને નિદિધ્યાસન દ્વારા ઋષિ-મુનિઓએ સમાધાન શોધ્યાં છે. શ્રુતિ, સ્મૃતિ, સદાચાર, પોતાનું પ્રિય તેમજ સમ્યક્ સંકલ્પથી જન્મતાં કામ-ઇચ્છા – એ બધું ધર્મનું પ્રમાણ છે. આવા ધર્મને અનુસરી વ્યક્તિ અને દ્રવ્યની શુદ્ધિ વિશે વિચારવામાં આવ્યું છે.

વ્યક્તિની શુદ્ધિ દેહ અને મનના સંદર્ભે વિચારાઈ છે. દેહશુદ્ધિ માટે સ્નાન અનિવાર્ય ગણ્યું છે. ‘દરરોજ સ્નાન કરવું’ એ વિધિવાક્ય છે. ઋતુસ્નાન, વૃદ્ધિસૂતક કે મૃત્યુસૂતક, સૂતિકાસ્નાન વગેરે પ્રસંગોએ સચૈલ સ્નાન કરવું જોઈએ. અલબત્ત, વૃદ્ધ, રોગી, બાળક માટે દેશકાળ અનુસાર નિયમો છે. પંચાંગ – બે હાથ, બે પગ અને મુખની શુદ્ધિ પણ સ્નાનનો એક ભાગ છે. મૂત્ર-પુરીષોત્સર્ગ પ્રસંગે શિશ્ર્ન-ગુદાનાં પ્રક્ષાલન અને મુખશુદ્ધિ પણ દેહશુદ્ધિ માટે જરૂરી છે. સવારે દંતધાવન અને મુખપ્રક્ષાલન મુખશુદ્ધિ માટે જરૂરી છે. દાંતની શુદ્ધિ માટે બાવળ, લીમડો, વડ વગેરેનાં દાતણનો ઉપયોગ અને દાતણ માટે નિષિદ્ધ વૃક્ષોની યાદી ધર્મશાસ્ત્રકારોએ આપી છે. ભોજન માટે ભોજ્ય પદાર્થોની શુદ્ધિની કાળજી રખાઈ છે. કીડીમંકોડાથી દૂષિત, રજસ્વલા સ્ત્રી અને કૂતરાં-બિલાડાંથી દૂષિત થતા ભોજનને રક્ષવાનાં વિધાનો કેવળ દ્રવ્યશુદ્ધિને અનુલક્ષીને નથી. આવાં ભોજનથી આરોગ્યને થતા નુકસાનનો  વિચાર દેહશુદ્ધિ સંદર્ભે છે. દેવપૂજામાં કરોદ્વર્તન કે ભોજન પછી હાથ-મોંની શુદ્ધિ પણ આરોગ્યને અનુલક્ષીને છે. શુદ્ધિ સંદર્ભે સૂત્રાત્મક રીતે ‘પવિત્ર હોય કે અપવિત્ર કે કોઈ પણ અવસ્થામાં હોય પણ પુંડરીકાક્ષ-નારાયણ-વિષ્ણુનું સ્મરણ પવિત્ર કરનાર છે.’ – એ વચન વ્યંજનાપૂર્ણ છે. વિષ્ણુ નારાયણ કે પુંડરીકાક્ષ વ્યાપક તત્વ છે. વ્યાપક તત્વ સાથે સંકળાય તે બધું પવિત્ર અને બંધિયાર કે સંકુચિત સ્વરૂપે રહે તે બધું અશુદ્ધ છે. આથી જ બીજાનું થૂંક ઊડે તો અશુદ્ધ થવાય પણ દૂર સુધી જતા તેના છાંટા અશુદ્ધ કરતા નથી. ડાઘુના કે શબના સ્પર્શથી અશુદ્ધિ લાગે, પણ જનસમૂહમાં અશુદ્ધિનો દોષ રહેતો નથી. આસમાની સુલતાની આફતના પ્રસંગે પણ શુદ્ધિ-અશુદ્ધિના ભેદ વિચારણીય બનતા નથી. શુદ્ધીકરણ અંગે પણ આપદ્ધર્મમાં ભિન્ન વિધાનો છે. બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીના શુદ્ધીકરણ વિશે તો કહ્યું છે કે સગર્ભા ન હોય તો રજોદર્શન પછી ઋતુસ્નાન કરતાં સ્ત્રી શુદ્ધ થાય. જો સગર્ભા હોય તો પ્રસૂતિ બાદ સ્નાન કરતાં સ્ત્રી શુદ્ધ થાય. આવા પ્રકારના નિયમમાં સ્મૃતિકારોનું દેશકાળ અનુસાર વલણ જણાઈ આવે છે.

શુદ્ધીકરણમાં મનના દોષને અનુલક્ષીને આપેલી પ્રાયશ્ચિત્ત વિધિઓ તપ, વ્રત, દાન વગેરે શુદ્ધીકરણના સંદર્ભે વિચારાયાં છે. વ્યભિચારની વિભાવનામાં મનથી થતા વ્યભિચારને પણ મનને દૂષિત કરનાર ગણ્યું છે. વિચાર, વાણી અને ક્રિયામાં મનના કારણે આવતા દોષોને પણ ધર્મશાસ્ત્રકારોએ વિચાર્યા છે. અઘમર્ષણ ક્રિયામાં ત્રિકાળ સંધ્યા પ્રસંગે વીતેલા સમયમાં મન, વાણી કે ક્રિયાથી થયેલાં પાપનો લોપ કરવાની વિચારસરણી છે. જૈન ધર્મમાં પ્રતિક્રમણ પણ આ દૃષ્ટિએ આત્માના શુદ્ધીકરણનું સાધન છે.

પ્રાયશ્ચિત્તની પાછળ પણ આવી જ વિભાવના છે. ‘પ્રાય:’ એટલે તપ અને ‘ચિત્ત’ એટલે નિશ્ર્ચય. તપ અને નિશ્ર્ચય જેમાં હોય તેને ‘પ્રાયશ્ચિત્ત’ કહે છે.

મહાપાતક, ઉપપાતક અને સામાન્ય પાતકો માટેનાં પ્રાયશ્ચિત્ત વિશે મનુ, યાજ્ઞવલ્ક્ય વગેરેએ વિસ્તારથી ચર્ચા કરી છે.

હવે દ્રવ્યશુદ્ધિમાં સ્મૃતિકારોએ દ્રવ્યના શુદ્ધીકરણ માટે વિગતે ચર્ચા કરી છે. તેમાં આહારશુદ્ધિને પાયામાં ગણી છે. आहारशुद्धौ सत्वशुद्धिः सत्वशुद्धौ स्मृतिः । આથી જ ભક્ષ્યાભક્ષ્ય વિશે ધર્મશાસ્ત્રકારોએ વિચાર્યું છે. તિરસ્કારપૂર્વક અપાયેલું, યજ્ઞના ઉદ્દેશ વગર રાંધેલું માંસ, વાળકૃમિકીટવાળું અન્ન, વાસી અન્ન, ઉચ્છિષ્ટ, કૂતરાએ અડકેલું, પતિત વ્યક્તિએ જોયેલું, રજસ્વલા સ્ત્રીએ સ્પર્શેલું, ગાયે સૂંઘેલું, પગ વડે અડકેલું વગેરે અન્ન અભક્ષ્ય કે અશુદ્ધ છે. ડુંગળી, લસણ કે ગાજર ખાઈને ચાંદ્રાયણાદિ વ્રત શુદ્ધીકરણ માટે દર્શાવાયાં છે. પ્રાણભયે, શ્રૌતસંસ્કાર અનુસાર દેવોને અર્પણ કરાયેલું શુદ્ધ ગણાય છે. પવિત્રતા અને સ્વચ્છતા વગર આંતરિક વ્યવસ્થા આવતી નથી.

શુદ્ધીકરણ માટે જળતીર્થજળ, અગ્નિ, સૂર્ય, પવન વગેરેને પવિત્ર કરનારાં સાધન ગણ્યાં છે. ઉત્તરરામચરિતમાં ભવભૂતિએ ‘तीर्थोदकं च वहनिश्च नान्यतः शुद्धिमर्हतः’ કહી તીર્થોદક અને અગ્નિને પાવન કરનારાં ગણ્યાં છે. પાવક અને પવન જેવા શબ્દોમાં पू – પવિત્ર કરવું અર્થ એની વિભાવનાને અનુરૂપ છે.

સોનું, રૂપું, મોતીનાં પાત્રો, યજ્ઞીય પાત્રો વગેરેની શુદ્ધિ જળના પ્રોક્ષણ માત્રથી થાય છે. ચરુસ્થાલી, સ્રુવા, ઘૃતપાત્ર જેવા પદાર્થોની શુદ્ધિ ગરમ જળથી કરાય. કેટલીક વસ્તુઓ કેવળ જળના પ્રોક્ષણથી શુદ્ધ થાય છે. ઊનનો ધાબળો, રેશમી પીતાંબર વગેરે ઉષરભૂમિની માટી તથા ગોમૂત્રયુક્ત જળથી શુદ્ધ થાય છે. વલ્કલ વસ્ત્રો શ્રીફળના જળથી પવિત્ર થાય છે. શાલ, દુપટ્ટા વગેરે રેશમી વસ્તુઓ અરીઠાથી ધોવાથી શુદ્ધ થાય છે. સુતરાઉ વસ્ત્રો ધોવાથી શુદ્ધ થાય છે. આ સંદર્ભે કહેવાયું છે : ‘સુતરાઉ ધૌતવસ્ત્ર એક વાર પહેરવાથી અશુદ્ધ થાય છે. રેશમી વસ્ત્ર ભોજનપર્યંત શુદ્ધ છે. શણિયું જેવાં તૃણવસ્ત્ર સદાય શુદ્ધ છે. ઊનનાં વસ્ત્ર વાયુમાત્રથી પવિત્ર થાય છે.’

જમીનની શુદ્ધિ જળપ્રોક્ષણ, સંજવારી કાઢવાથી, કચરાને સળગાવી દેવા વગેરેથી થાય છે. ગાયના છાણથી લીંપવાથી ઘર શુદ્ધ થાય છે. અપવિત્ર વસ્તુ, વિષ્ટા, મૂત્ર, માંસાદિથી થયેલી અશુદ્ધિ માટી અને પાણીથી દૂર થાય છે. ક્યાંય શંકા જણાય ત્યાં બ્રાહ્મણવચનથી માર્ગદર્શન મેળવવા જણાવાયું છે.

સૂર્યનાં કિરણો, અગ્નિ, ધૂળ, છાયા, ગાય, ઘોડો, પૃથ્વી, વાયુ, વરાળ વગેરે માળી, ચંડાળ વગેરેથી સ્પર્શાતાં છતાં શુદ્ધ ગણાય છે. દૂધ દોહતી વખતે વાછરડો શુદ્ધ ગણવો. રતિકાળે સ્ત્રી શુદ્ધ મનાય છે.

બકરા અને ઘોડાનું મુખ પવિત્ર છે, પરંતુ ગાયનું મુખ પવિત્ર નથી. તેનું પૂંછડું પવિત્ર છે. મનુષ્યના શરીરનાં મળમૂત્ર અપવિત્ર હોવા છતાં સૂર્યનાં કિરણો અને જળ તેને શુદ્ધ કરનારાં છે. આચમનીય જળ પવિત્ર છે. દાઢી-મૂંછે વળગેલું કે દાંત કે દાઢમાં ભરાઈ ગયેલું અન્ન જળથી સાફ કરવાથી પવિત્ર થાય.

ખાઈને, પીને, સૂઈને, રથ ઉપર બેઠા પછી વસ્ત્ર ધારણ કરીને બેવાર (द्विः) આચમન કરવાં. રસ્તા ઉપરનાં કાદવકીચડ, પાણી, ચંડાળ કૂતરો કે કાગડાના સ્પર્શથી લાગેલી અશુદ્ધિ વાયુના સ્પર્શથી દૂર થાય છે. ઈંટોનું ઘર વાયુથી પવિત્ર થાય છે.

‘વિક્રમોર્વશીયમ્’માં સંગમનીય મણિને અગ્નિશુદ્ધ કરવા જણાવાયું છે.

દેશકાળ અનુસાર આવેલી અશુદ્ધિનું જળ, અગ્નિ, માટી, વાયુ અને સૂર્યનાં કિરણોથી શુદ્ધીકરણ સ્વીકારાયું છે. સીતાની અગ્નિપરીક્ષા આવા જ હેતુથી કરાઈ હતી. વ્યવહારમાં પાપ-ગુનો પકડવા દિવ્યને આ આધારે જ એક પ્રમાણ ગણવામાં આવ્યું છે. ‘સ્પૃશ્યા-સ્પૃશ્યવિવેક’માં દેશકાળને મહદંશે ધર્મશાસ્ત્રકારોએ ધ્યાનમાં લીધાં છે. શ્રીમદભગવદગીતામાં યજ્ઞ, દાન અને તપ:ક્રિયાને સર્વકાળે પાવનકારી ગણ્યાં છે.

દશરથલાલ વેદિયા