શીશે જા ઘરા (1989) : સિંધી કવિ ગોવર્ધન‘ભારતી’નો કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1990ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેમાં ગઝલ, ગીતો અને અન્ય કાવ્યરૂપોનું ઠીક ઠીક વૈવિધ્ય છે. કાવ્યરચનાના પ્રકાર પ્રમાણે સંગ્રહના 3 ભાગ છે. ક્યારેક કવિ લાગણીશીલ, ક્યારેક ચિંતનશીલ, ક્યારેક ઉદ્દંડ તો ક્યારેક સૌમ્ય – એમ વિવિધ ભાવમુદ્રાઓ પ્રગટ કરે છે.

તાત્ત્વિક રીતે તેઓ રંગદર્શી પ્રકૃતિના કવિ છે, પરંતુ પ્રસ્તુત કાવ્યસંગ્રહમાં તેમનામાં પરિવર્તન જોવા મળે છે. તેમનામાં એક નવી જાગરૂકતા દેખાય છે. તેથી તેમના વિચારોમાં ઊંડાણ અને તેમનાં કાવ્યોમાં પ્રસ્તુતતાનો આવિષ્કાર થાય છે. આ પરિવર્તન તેમની ગઝલોમાં વિશેષ વરતાય છે. તેમની ગઝલોમાં સામાન્ય માનવીના જીવનની મર્મભેદક અને કારુણ્યસભર અવસ્થાઓનું નિરૂપણ છે.

મહેશ ચોકસી