શીવણ (સિવણ, સેવન, ગંભારી, શ્રીપર્ણી)

January, 2006

શીવણ (સિવણ, સેવન, ગંભારી, શ્રીપર્ણી) : એક રસાયન-ઔષધિ.

ગુજરાતમાં ગિરનારની ખીણો, દત્તાત્રેયની ટેકરી અને તળેટી પાસે, તથા પંચમહાલ-રાજપીપળાનાં જંગલોમાં શીવણ કે સેવનનાં 40થી 60 ફૂટ ઊંચાં મોટાં વૃક્ષો થાય છે. તેનાં થડ અને ડાળી સફેદ રંગનાં હોય છે. તેનાં પાન પીપળાનાં પાન જેવાં જ પણ તેથી મોટાં, ખંડિત કિનારી વગરનાં, 4થી 9 ઇંચ લાંબાં, 3થી 7 ઇંચ પહોળાં, પાછળના ભાગે સફેદ ચૂના જેવા રંગનાં થાય છે. તેની ઉપર અરડૂસીનાં ફૂલો જેવાં (સુવર્ણ જેવાં) પીળા રંગનાં મનોહર પુષ્પો જાન્યુઆરીમાં આવે છે. તેના ઉપર નાનાં જાંબુ કે અજમેરી બોર જેવડાં કદનાં જાંબુડિયા કે પીળા રંગનાં ફળ એપ્રિલ-મે માસમાં થાય છે. ફળ સ્વાદે મધુર, ખાટાં, તૂરાં હોય છે; અને દરેકમાં બદામ જેવાં 2થી 3 બીજ હોય છે. આ ફળ ‘ચ્યવનપ્રાશ અવલેહ’માં રસાયન-ઔષધ તરીકે વપરાય છે. સેવનના ઝાડને તાંત્રિકો પવિત્ર અને લક્ષ્મી તથા સમૃદ્ધિદાયક માની, તેના કાષ્ઠમાંથી શ્રી-યંત્રો બનાવી, તેની પૂજા કરે છે અથવા આ વૃક્ષને આંગણામાં વાવીને તેની પૂજા કરે છે.

ગુણધર્મો : શીવણ કે સેવન સ્વાદે મીઠી, કડવી અને તૂરી; ગુણમાં ગરમ, જડ, ભૂખ લગાડનાર, પાચનકર્તા, મેધાવર્ધક, મળભેદક, હૃદયને હિતકર, સ્નિગ્ધ, બળવર્ધક, રસાયન, શ્રમહર, મૃદુરેચક અને ગર્ભપોષક છે. તેનાં મૂળ વાતદોષ તથા સોજાનો નાશ કરે છે. તેનાં ફળ (ગંભારી ફળ) શીતળ, ભારે, બળવર્ધક, ધાતુવર્ધક, રસાયનરૂપ, સ્નિગ્ધ, ભારે, મૂત્રલ, વાળ કાળા કરનાર, સ્વાદે મધુર, ખાટાં અને તૂરાં હોય છે. ફળ પિત્તદોષ, રક્તપિત્ત, રક્તદોષ, આમદોષ, વાયુ, તૃષા, દાહ, ક્ષય, મૂત્રકૃચ્છ્ર, પ્રદર અને પ્રમેહ રોગ મટાડે છે. ફળ ઉત્તમ ગર્ભપોષક તરીકે પ્રખ્યાત છે.

ઔષધિપ્રયોગો : (1) બાળકનું સુકતાન કે ગર્ભ સુકાવો અથવા ગર્ભછોડ થવો. શીવણનાં ફળ તથા જેઠીમધથી ગાયનું ઘી સિદ્ધ કરી, રોજ 1-1 ચમચી આ ઘી સ્ત્રીને સાકરવાળા દૂધ સાથે સવાર-સાંજ પૂરો લાભ થાય ત્યાં સુધી અપાય છે. (2) લોહીના ઝાડા (રક્તાતિસાર) : શીવણનાં ફળના ઉકાળામાં થોડું લીંબુ કે દાડમનો રસ તથા સાકર નાંખી પીવામાં આવે છે. (3) વાતરક્ત (ગાઉટ) : જેઠીમધ અને શીવણના ફળથી સિદ્ધ ઘી કે તેલનું કાયમ સેવન કરાય છે. (4) દાહ-તરસવાળો ગરમીનો તાવ : શીવણનાં ફળ તથા ગળોનો ઉકાળો કરી, સાકર નાંખી દિવસમાં 2થી 3 વાર પીવામાં આવે છે. (5) રક્તપિત્ત (રક્તસ્રાવ) : શીવણ-ફળ અને જેઠીમધનું ચૂર્ણ સાકર તથા ઘી સાથે કે મધ સાથે નિત્ય અવલેહ તરીકે લેવામાં આવે છે. (6) શીળસ : શીવણનાં પાકાં-સૂકાં ફળ, હળદર અને કડુનું ચૂર્ણ ગરમ પાણી સાથે રોજ બે વાર પીવામાં આવે છે. અથવા શીવણ-ફળનું ચૂર્ણ દૂધ કે મધમાં લેવાય છે. (7) ગર્ભસ્રાવ થતો અટકાવવા માટે : શીવણનાં મૂળ તથા છાલ, કાળા તલ તથા મજીઠ સમભાગે લઈ બનાવેલું ચૂર્ણ 5 ગ્રામ જેટલું રોજ સવાર-સાંજ સાકરવાળું દૂધ અને 1 ચમચી ગાયનું ઘી મેળવી પિવાય છે. (8) અમ્લપિત્ત : શીવણનાં પાન, અઘેડાનાં મૂળ તથા મોચરસનું ચૂર્ણ રોજ સાકરવાળા દૂધમાં બે વાર લેવાય છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા