શીલગુણસૂરિ
January, 2006
શીલગુણસૂરિ (ઈસુની 8મી સદી) : વનવૃક્ષ પર બાંધેલી ઝોળીમાં અદ્ભુત લક્ષણવાળા બાળકને જોઈને, તેને વનરાજ નામ આપી, જીવનનિર્વાહની વ્યવસ્થા કરનાર જૈન આચાર્ય. જૈન પ્રબંધો મુજબ વનરાજનું બાળપણ વઢિયાર પ્રદેશના પંચાસર ગામમાં વીત્યું હતું. ત્યાંથી પસાર થતાં જૈનાચાર્ય શીલગુણસૂરિએ તે શિશુને જોયો. તેનામાં તેમને અદ્ભુત લક્ષણો જણાયાં. તેથી લાકડાં વીણતી તેની માતાને બોલાવી, તેના પુત્ર સાથે પોતાની સાથે લઈ ગયા. તેમણે માતાના જીવનનિર્વાહ માટે પ્રબંધ કરી, એ બાળકને વીરમતી નામે શેઠાણી શ્રાવિકાને ઉછેરવા સોંપ્યો અને તેનું નામ વનરાજ રાખ્યું. એની જન્મકુંડળીમાં રહેલા રાજયોગ પરથી એ મોટો થતાં રાજા થશે એવો એમને ખ્યાલ આવ્યો હતો. પચાસ વર્ષે જ્યારે વનરાજે અણહિલ્લપુર વસાવી ત્યાં (વિ. સંવત 802) ઈ. સ. 746માં પોતાનો રાજ્યાભિષેક કર્યો ત્યારે પંચાસરગ્રામમાંથી શીલગુણસૂરિને ભક્તિભાવપૂર્વક તેડાવ્યા અને ધવલગૃહમાં પોતાના સિંહાસન ઉપર બેસાડી, પ્રાપ્ત કરેલું આખું રાજ્ય તેમને અર્પણ કર્યું. ગુરુએ તેને રાજ્ય પાછું આપ્યું અને વનરાજે પંચાસરા નામના શ્રીપાર્શ્ર્વનાથનું દેરાસર ત્યાં બંધાવ્યું. પાટણમાં પંચાસરા પાર્શ્ર્વનાથનું મોટું મંદિર છે, તેમાં પાર્શ્ર્વનાથની મૂર્તિ ઉપરાંત વનરાજની તથા શીલગુણસૂરિની પ્રતિમા પણ છે.
જયકુમાર ર. શુક્લ