શીરાઝી, મીર ફતહુલ્લાહ (. 1588, કાશ્મીર) : સોળમા શતકના ભારતના એક વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવતા ધર્મપુરુષ, રાજપુરુષ, વૈજ્ઞાનિક તથા લેખક. તેમણે મુઘલ શહેનશાહ અકબર તથા તેના મહાન દરબારીઓ અબુલફઝલ, ટોડરમલ જેવાને પોતાની બુદ્ધિ તથા પોતાના વ્યક્તિત્વથી ઘણા પ્રભાવિત કર્યા હતા અને તેમણે એક વખત નવરોઝના તહેવાર નિમિત્તે અકબરી દરબારમાં વૈજ્ઞાનિક પ્રદર્શન પણ ગોઠવી બતાવ્યું હતું. તેમણે કરેલી કેટલીક વૈજ્ઞાનિક શોધોનો પણ ઉલ્લેખ મળે છે. તેમનો જન્મ શીરાઝ, ઈરાનમાં થયો હતો અને ત્યાં જ તેમણે સર્વ પ્રકારનું ધાર્મિક તથા વૈજ્ઞાનિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. શીરાઝમાંના તેમના એક શિષ્ય ખ્વાજા મુહમ્મદ દેહદાર, જે દક્ષિણ ભારતમાં બિજાપુરના આદિલશાહી દરબારમાં જોડાઈ ગયા હતા, તે શીરાઝી મીર ફતહુલ્લાહના ભારતમાંના આગમનનું કારણ બન્યા હતા. ખ્વાજા દેહદારે સુલતાન અલી આદિલશાહને દરખાસ્ત કરતાં, પ્રવાસખર્ચ મોકલીને શીરાઝીને બિજાપુર બોલાવવામાં આવ્યા હતા. 1580માં અલી આદિલશાહના અપમૃત્યુ પછી ખ્વાજા દેહદાર તો પહેલાં અહમદનગર અને પછી સૂરત આવી વસી ગયા પરંતુ શીરાઝી, મુઘલોની સલ્તનતનો લાભ લેવા આગ્રા ગયા જ્યાં તેમણે ફક્ત સાત વર્ષના નિવાસ દરમિયાન ઘણી નામના પ્રાપ્ત કરી હતી. અકબરે તેમને શરૂઆતમાં સદારતનો હોદ્દો આપ્યો હતો અને પાછળથી અમીન-ઉલ-મુલ્ક તથા ત્રણ હજારી અસ્વારનાં પદો ઉપર પણ પહોંચ્યા હતા. તેઓ એક તરફ ધાર્મિક જ્ઞાન ધરાવતા હતા તો બીજી તરફ તત્વજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, ગણિત, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ગુરુત્વાકર્ષણ વિશેનું જ્ઞાન ધરાવતા હતા. તેમણે અકબરને નવા ઇલાહી સંવતની રચનામાં ઘણી મદદ કરી હતી. 1582માં નવરોજના તહેવારની ઉજવણીના ભાગ રૂપે તેમણે એક વૈજ્ઞાનિક પ્રદર્શન ગોઠવ્યું હતું; જેમાં વિવિધ પ્રકારનાં ઘડિયાળો, ભૌતિકશાસ્ત્ર તથા ખગોળશાસ્ત્ર માટેનાં પોતે બનાવેલાં સાધનો, ઍસ્ટ્રૉલેબ વગેરેને સ્થાન આપ્યું હતું. અકબર માટે ભારતીય તથા યુરોપીય ખગોળશાસ્ત્રીઓએ જે Astronomical Tables તૈયાર કર્યાં હતાં તેમાં જે તફાવત દેખાતો હતો તે શીરાઝીએ સુધારાવધારા સૂચવીને દૂર કર્યો હતો. મહેસૂલી વહીવટ બાબતમાં  રાજા ટોડરમલની સાથે શીરાઝીને પણ જવાબદારી સોંપવામાં આવી હતી. અકબરે તેમને રાજદ્વારી મિશન ઉપર પણ નિયુક્ત કર્યા હતા; પણ તેમાં તેઓ સફળ થયા ન હતા. તેઓ વાસ્તવમાં પોતાના સમયના એક સંશોધક તથા એન્જિનિયર હતા. તેમણે પવનથી ચાલતી અનાજ દળવાની ઘંટી, સ્વયંસંયોજિત તોપ તથા બાર બંદૂકોનું એક એકમ બનાવ્યું હતું; જેમાંથી એક સાથે બાર ગોળીઓ છૂટતી હતી. તેમણે તારીખે અલિફી નામના ઇતિહાસની રચનામાં નિઝામુદ્દીન અહમદ તથા મુલ્લા અબ્દુલકાદર બદાયૂનીની સાથે રહીને પોતાનું આગવું યોગદાન આપ્યું હતું. તેમણે પવિત્ર કુરાનની એક તક્સીર ફારસી ભાષામાં લખી હોવાનું કહેવાય છે. તેમણે કાશ્મીર વિશે જે કાંઈ લખ્યું હતું તેને અકબરના હુકમથી અબુલફઝલના પુસ્તક અકબરનામામાં દાખલ કરી દેવામાં આવ્યું હતું. તેમણે શિક્ષણના ક્ષેત્રમાં પણ નવા પ્રયોગો કરી બતાવ્યા હતા. અકબર કહેતો હતો કે ‘શીરાઝી મારા વકીલ, હકીમ, તબીબ તથા ખગોળશાસ્ત્રી છે. જો તેઓ સંજોગોવશાત્ ફિરંગીઓના હાથમાં પડી જાય તો હું મારું સઘળું ધન આપીને તેમને પાછા મેળવી લઉં ને એ તો સસ્તો સોદો ગણાય.’ તેમનું અવસાન કાશ્મીરમાં થયું હતું અને તખ્તે સુલયમાન નામના સ્થળે તેમનું દફન થયું હતું.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી