શીઆ વંશ (. પૂ. 2205થી . પૂ. 1766) : ચીનનો પૌરાણિક વંશ. તેનો ઉલ્લેખ અનુશ્રુતિઓમાં છે, પરંતુ તેની ઐતિહાસિકતા અનિશ્ચિત છે. અનુશ્રુતિ પ્રમાણે તે વંશનો સ્થાપક યુ હતો. તેણે મહાન રેલનાં પાણીનો નહેરોમાં નિકાલ કર્યો હતો. પાછળથી આ રાજાને ફસલના દેવ તરીકે પૂજવામાં આવતો હતો. તેણે રાજાનું પદ તેના કુટુંબમાં વારસાગત કર્યું. એ રીતે ચીનમાં પ્રથમ વાર તેના વંશની સ્થાપના થઈ. તેના પછી શીઆ વંશમાં ચી, તાઈ-કાંગ, ચુંગ-કાંગ, શીઆંગ વગેરે રાજાઓ શાસન કરી ગયા. ચીએહ શીઆ વંશનો છેલ્લો રાજા હતો. અનુશ્રુતિ પ્રમાણે તે એક સુંદર પરંતુ દુષ્ટ સ્ત્રીના પ્રેમમાં પડ્યો હતો. તે સ્ત્રી ઘાતકી કાર્યો કરતી હતી અને લોકો ઉપર જુલમ ગુજારતી હતી. તેથી લોકોએ બળવો કર્યો. ચીએહને સત્તા પરથી દૂર કરીને બળવાના આગેવાન તાંગે શાંગ (અથવા યીન) વંશની સ્થાપના કરી.

જયકુમાર ર. શુક્લ