શિંદે, વિઠ્ઠલ રામજી (. 23 એપ્રિલ 1873, જમખંડી, કર્ણાટક; . 2 જાન્યુઆરી 1944, પુણે) : સ્વાતંત્ર્યપૂર્વ કાળમાં ભારતમાં થઈ ગયેલ અગ્રણી સમાજસુધારક તથા હરિજન ઉદ્ધારને વરેલા ‘ડિપ્રેસ્ડ ક્લાસિસ મિશન સોસાયટી ઑવ્ ઇન્ડિયા’ના સંસ્થાપક. પિતા રામજીબાબા તરીકે ઓળખાતા અને જમખંડીના વિઠ્ઠલ મઠમાં દર વર્ષે તુકારામ બીજના રોજ નામસપ્તાહનું આયોજન કરતા. પરિવારમાં જાતપાત આધારિત ભેદભાવને સ્થાન ન હતું. વિઠ્ઠલ રામજી 1891માં જમખંડીની હાઈસ્કૂલમાંથી મૅટ્રિક થયા અને ત્યારબાદ થોડાક સમય માટે શિક્ષક તરીકે સેવાઓ આપી. તેમના એક શિક્ષક વાસુદેવ ગિરમુલેના પ્રોત્સાહનથી વિઠ્ઠલ રામજી મહાવિદ્યાલયીન શિક્ષણ લેવા માટે પુણે ગયા. ઉચ્ચશિક્ષણ માટે તેમને બે શિષ્યવૃત્તિઓ મળી : એક ડેક્કન મરાઠી એજ્યુકેશન ઍસોસિયેશનની અને બીજી સયાજીરાવ ગાયકવાડ શિષ્યવૃત્તિ. પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી તેમણે મુંબઈ યુનિવર્સિટીની ક્રમશ: બીએ તથા એલએલ.બી.ની પદવીઓ પ્રાપ્ત કરી. ઑક્ટોબર 1901માં તેઓ તુલનાત્મક ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે ઇંગ્લૅન્ડની માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં જોડાયા. સાથોસાથ ઇંગ્લૅન્ડ ઉપરાંત સ્કૉટલૅન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઇટાલી જેવા યુરોપના દેશોની મુસાફરી કરી અને તે દરમિયાન આ દેશોની કુટુંબવ્યવસ્થા, શિક્ષણનું માળખું, સામાજિક સંસ્થાઓ અને લોકજીવનનું અધ્યયન કર્યું તથા ત્યાંના અનેક વિદ્વાનો સાથે ચર્ચાવિચારણા કરી.

વિઠ્ઠલ રામજી શિંદે

સ્વદેશ પરત આવ્યા પછી તુરત જ તેમણે ધર્મકાર્યની પ્રવૃત્તિઓ શરૂ કરી તથા હરિજનોના ઉદ્ધાર માટેનાં કાર્યોનું પ્રત્યક્ષ આયોજન કર્યું. ભારતના દલિત સમાજની ઉન્નતિ માટે તેમણે ‘ડિપ્રેસ્ડ ક્લાસિસ મિશન સોસાયટી ઑવ્ ઇન્ડિયા’ નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થાના નેજા હેઠળ તેમણે ઠેરઠેર હરિજનો માટે શાળાઓ, છાત્રાલયો, ઔદ્યોગિક તાલીમકેન્દ્રો વગેરેની સ્થાપના કરી. હરિજનો માનભેર જીવન જીવી શકે તે માટે તેમને તૈયાર કરવા, પ્રવૃત્ત કરવા એ ઉપર્યુક્ત મિશનનો મુખ્ય ઉદ્દેશ હતો. સમયાંતરે મિશનના નિયામક મંડળ સાથે મતભેદ થતાં તેઓ તેની સેવામાંથી મુક્ત થયા અને ત્યારબાદ મંગળૂર ખાતેના બ્રહ્મસમાજના કાર્યાલયમાં આચાર્ય તરીકે જોડાયા. સમાજસેવાના ભાગ તરીકે તેમણે કર્ણાટકમાં પ્રવર્તમાન દેવદાસીપ્રથા જેવા સામાજિક કુરિવાજો અને દૂષણો નાબૂદ કરવાની ઝુંબેશ ઉપાડી. તેમની આવી પ્રવૃત્તિઓને કારણે જમખંડીના રૂઢિચુસ્ત લોકોના રોષનું તેઓ નિશાન બન્યા; જેને કારણે તેમને જમખંડી છોડવું પડ્યું.

1930માં તેમણે સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લીધો, જેને કારણે તેમને છ માસની કઠોર શિક્ષા ફટકારવામાં આવી. 1933માં તેમના પર એક પછી એક સંધિવા, મધુમેહ, કંપવાત (Parkinson’s disease) જેવા રોગોનો હુમલો થયો, જેને કારણે લગભગ એક દાયકા સુધી (1933-44) તેઓ પથારીવશ રહ્યા. 1944ના જાન્યુઆરી માસમાં તેમણે દેહ છોડ્યો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે