શિશુ (infant) : જન્મથી 1 વર્ષ સુધીનું બાળક. જન્મના પ્રથમ વર્ષના સમયગાળાને શૈશવ (infancy) કહે છે. જન્મના પ્રથમ મહિનામાં તેને નવજાત (neonat) કહે છે. આ સમયગાળામાં લેવાતી સંભાળ બાળકના સમગ્ર જીવનને અસર કરે છે. નવજાતકાળ(neonatal period)માં પણ માંદગી અને મૃત્યુ થાય છે. અલ્પવિકસિત દેશોમાં પ્રસૂતિપૂર્વની સંભાળ (antenatal care) અને પરિજન્મ (perinatal) સંભાળમાં કચાશ રહેતી હોવાથી નવજાત શિશુમાં માંદગી અને મૃત્યુનું પ્રમાણ વધુ રહે છે. ભારતમાં ગર્ભાવસ્થાનાં 28 અઠવાડિયાં પછી જન્મેલા નવજાત શિશુનું સરેરાશ વજન 2.8 કિગ્રા. હોય છે જ્યારે વિકસિત દેશોમાં તે 3 કિગ્રા. જેટલું હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નિર્ધારિત વ્યાખ્યામાં 2,500 ગ્રામથી ઓછું વજન ધરાવતા નવજાત શિશુને અલ્પજન્મવજની (low birth weight) શિશુ કહે છે. તેથી આ વ્યાખ્યામાં ગર્ભાવસ્થાનાં 37 અઠવાડિયાં પૂર્વે જન્મતા કાલપૂર્વ (preterm) શિશુને પણ સમાવી લેવાય છે. જે નવજાત શિશુનું વજન સરેરાશ વજનના 2 પ્રમાણિત વિચલનો(standard deviations)થી ઓછું હોય તેમને ગર્ભાવસ્થી વયથી નાનું (small for gestational age) શિશુ કહેવાય છે. સામાન્ય રીતે જે તે સમુદાય માટે જુદી જુદી ગર્ભાવસ્થી વય (gestational age) માટે ગર્ભશિશુનું વજન શોધી કાઢીને તેનો આલેખ દોરવામાં આવે છે.
જન્મ પછી તરત જો નવજાત શિશુ શ્વાસ લે અને તેનું હૃદય ધબકતું હોય, ગર્ભનાળમાં ધબકારા હોય અને તેના સ્નાયુઓ દેખીતી રીતે હલનચલન કરતા હોય તો તેને સજીવજન્મ (live birth) કહે છે; પરંતુ 1,000 ગ્રામનું અને 28 અઠવાડિયાં કે વધુ મોટું નવજાત શિશુ જો મરેલું અવતર્યું હોય તો તેને મૃતજન્મ શિશુ (still born) કહે છે. ગર્ભાશયકાળનાં 37થી 42 અઠવાડિયાં (259-294 દિવસો) પૂરાં કર્યાં હોય તેવા નવજાત શિશુને પૂર્ણકાળ (full term) શિશુ કહે છે. જ્યારે તે 37 અઠવાડિયાં પહેલાં (258 કે ઓછા દિવસે) અવતર્યું હોય તો તેને અપક્વ (premature) અથવા કાલપૂર્વ (preterm) શિશુ કહે છે. જે નવજાત શિશુ 20થી 27 અઠવાડિયે અવતર્યું હોય અને તેનું વજન 500 ગ્રામ હોય તેને અતિ-અપક્વ (very premature) શિશુ કહે છે. જે શિશુ 42 અઠવાડિયાં(294 દિવસો)થી વધુ સમય પછી અવતર્યું હોય તેને કાલોત્તર (postterm) શિશુ કહે છે. જો જન્મ સમયે તેનું વજન 2,500 ગ્રામ કે તેથી ઓછું હોય તો તેને અલ્પજન્મવજની શિશુ કહે છે, પણ જો તે 1,500 ગ્રામથી ઓછું હોય તો તેને અતિ-અલ્પજન્મવજની (very low birth weight) શિશુ કહે છે. ગર્ભાવસ્થા કાળનાં 28 અઠવાડિયાંથી જન્મ પછીના એક સપ્તાહને પરિજન્મકાળ (perinatal period) કહે છે. જો તેને ગર્ભાવસ્થાનાં 20 અઠવાડિયાં સુધી લંબાવાય તો તેને પ્રલંબિત પરિજન્મકાળ (extended perinatal period) કહે છે. દર 1,000 સજીવજન્મે જેટલાં નવજાત શિશુઓ પ્રથમ 28 અઠવાડિયાંમાં મૃત્યુ પામે તેને નવજાત શિશુ મૃત્યુદર (neonatal mortality rate, NMR) કહે છે. તે જે તે દેશ કે પ્રદેશના આર્થિક વિકાસનો પણ સંકેતાંક ગણાય છે.
પૂર્ણકાલ સામાન્ય નવજાત શિશુ : સામાન્ય રીતે તેની 50 સેમી. લંબાઈ હોય છે. તેના માથાનો પરિઘ આશરે 34થી 35 સેમી. હોય છે અને છાતીનો પરિઘ તેનાથી આશરે 3 સેમી. ઓછો હોય છે. શરીરના ઉપરના અને નીચલા ભાગનો ગુણોત્તર 1.7થી 1.9 : 1 હોય છે અને તેનું મધ્યબિંદુ નાભિની આસપાસ હોય છે. જન્મ સમયે ગર્ભાશયમાં તે જે રીતે વાંકું વળીને રહ્યું હોય તેવી રીતે તે બહાર નીકળ્યા પછી પણ રહે છે. તેનું રુદન જોરદાર (vigourous) હોય છે. તે દિવસના 80 % સમય સૂતું રહે છે. તેની ચામડી ગુલાબી હોય છે. કાલપૂર્વ શિશુના શરીર પર ઝીણી રુવાંટી (lunago) હોય છે, જે પૂર્ણકાલ શિશુના શરીર પર ફક્ત પીઠ અને હાથપગની પાછળની બાજુએ જ હોય છે. તેની આંખના ડોળાનો સફેદ ભાગ થોડો ભૂરાશ પડતો હોય છે. કાનનું કાસ્થિ મજબૂત, પૂરેપૂરું વળેલું અને સ્થિતિસ્થાપકતાવાળું હોય છે. સ્તનની ડીંટડી 5 મિમી. વ્યાસવાળી અને સુસ્પષ્ટ હોય છે. ઓછામાં ઓછી એક શુક્રગ્રંથિ નીચે કોથળીમાં ઊતરેલી હોય છે. સંવૃષણ (scrotum) ગાઢા રંગનું અને કરચલીઓવાળું હોય છે. ગુરુ ભગોષ્ઠ (labia majora) વડે લઘુભગોષ્ઠ (labia minora) ઢંકાયેલું હોય છે. પગના તળિયાના આગલા અર્ધાથી બે તૃતીયાંશ ભાગમાં ઊંડી રેખાઓ પડેલી હોય છે. જન્મસમયે હૃદયના ધબકારાનો દર પ્રતિ મિનિટે 120થી 140 હોય છે અને તેનો શ્વસનદર સ્થિરતા પ્રાપ્ત થાય ત્યારે 30થી 40નો રહે છે. જો કે રુદન વખતે તે વધીને દર મિનિટે 60નો થાય છે. જન્મ સમયે કે તે પછી તરત પેશાબ થાય છે. ત્યાર પછી આશરે 24 કલાકે તે પેશાબ પસાર કરે છે. પ્રથમ 24 કલાકમાં તે મળત્યાગ કરે છે. જન્મના થોડાક જ સમયમાં તે ધાવણ લેવા માટે તૈયાર હોય છે. પ્રથમ અઠવાડિયામાં તેની ભૂખ અને ધાવણમાંગ વ્યવસ્થિત થઈ જાય છે અને દર 3થી 4 કલાકે ધાવણની જરૂર રહે છે. જન્મના પ્રથમ સપ્તાહમાં 7 %થી 8 % વજન ઘટે છે, પરંતુ તે 10મે દિવસે મૂળ વજન પ્રાપ્ત કરે છે. ત્યાર પછી પહેલા 3 મહિના રોજના 20થી 30 ગ્રામને દરે વજન વધે છે.
નવજાત શિશુની ચેતાપરાવર્તી ક્રિયાઓ (neonatal reflexes) : તેને પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ પણ કહે છે. તે ઉંમર વધતાં જતી રહે છે. જો તે નવજાત શિશુમાં ન હોય તો તે ચેતાતંત્રીય વિકાર સૂચવે છે. તેવી જ રીતે ઉંમર વધતાં જો તે જતી ન રહે તો પણ તે ચેતાતંત્રીય વિકાર સૂચવે છે. શિશુના ગાલને માતાનું સ્તન સ્પર્શે એટલે તે સ્તનની ડીંટડી શોધે છે. તેને મૂલલક્ષી પરાવર્તી ક્રિયા (rooting reflex) કહે છે. તેના ઉપલા કે નીચલા હોઠને સ્પર્શ વડે સંવેદિત કરાય તો તે મોઢું અને જીભ તેના તરફ લઈ જાય છે. તેને ધાવણલક્ષી પરાવર્તી ક્રિયા (sucking reflex) કહે છે. ધાવણલક્ષી પરાવર્તી ક્રિયા 32મા અઠવાડિયે પણ જોવા મળે છે. શિશુની હથેળીને અડવાથી તે મુઠ્ઠી વાળીને આંગળીને પકડી લે છે. તેને વસ્તુગ્રાહી પરાવર્તી ક્રિયા (grasping reflex) કહે છે. ચત્તા સૂતેલા શિશુના હાથ પકડીને તેને ખભાથી ઊંચકતી વખતે તેના માથાને પથારી પર જ રાખવામાં આવેલું હોય ત્યારે જો તેના હાથ અચાનક છોડી દેવામાં આવે તો તે પહેલાં બાહુના ઉપરના ભાગને શરીરથી દૂર કરે છે અને અગ્રભુજાને કોણીથી સીધી કરે છે, પરંતુ તે પછી તરત તે બાહુના ઉપરના ભાગને શરીર તરફ લાવે છે અને હાથને કોણીથી વાળે છે. આને મોરોની ચેતાપરાવર્તી ક્રિયા કહે છે. તેની ગેરહાજરી કે અતિશયતા ચેતાતંત્રીય રોગ સૂચવે છે. નવજાત શિશુના નાક અને કપાળ જ્યાં જોડાય છે ત્યાં હળવેથી ટપકારતાં તેની બંને આંખો મીંચાઈ જાય છે. તેને નાસાકપાલી (glabellar) ચેતાપરાવર્તી ક્રિયા કહે છે. ઢીંચણથી સીધા રાખેલા પગના તળિયે ઠપકારતાં તે પગને વાળે છે અને મધ્યરેખા તરફ લઈ જાય છે અને બીજો પગ સીધો કરે છે. આને પ્રતિપાર્શ્ર્વી સુલંબન(crossed extension)ની ચેતાપરાવર્તી ક્રિયા કહે છે. શિશુને ધડથી પકડીને શરીરથી સહેજ દૂર ઊંચકીને રાખવામાં આવે અને તેનો પગ જો કોઈ સપાટીને સ્પર્શે તો તે જાણે ચાલતું હોય તેમ એક પગની એડી અને બીજાનો અંગૂઠો સ્પર્શે એમ બંને પગની સ્થિતિ ધારણ કરે છે. તેને સંવલન અને સુલંબન(flexion-extension)ની સ્થિતિ કહે છે. આને સ્વયંસ્ફુરિત ચલન(automatic walking)ની પરાવર્તી ક્રિયા કહે છે. ચત્તા સૂતેલા શિશુના માથાને જો એક બાજુ વાળી દેવામાં આવે તો તે બાજુના હાથપગ સીધા થાય છે જ્યારે બીજી બાજુના હાથપગ વાંકા વળે છે. તેને સસજ્જી ગ્રીવાકીય (tonic neck) ચેતાપરાવર્તી ક્રિયા કહે છે. આમ શિશુમાં વિવિધ પ્રકારની ચેતાપરાવર્તી ક્રિયાઓ જોવા મળે છે.
કાલપૂર્વ શિશુ : ગર્ભાવસ્થાનાં 37 અઠવાડિયાં પૂરાં થાય તે પહેલાં જન્મતા સજીવ શિશુને કાલપૂર્વ (preterm) શિશુ કહે છે. તે સામાન્ય રીતે નાના કદનું હોય છે (47 સેમી કે ઓછું), તેનું માથું મોટું હોય છે, તેની ખોપરીનાં હાડકાંના સાંધા ખુલ્લા હોય છે, તેનો ચહેરો નાનો હોય છે અને ગાલમાંનું ચરબીનું પડ નાનું હોય છે. તેની ચામડી પાતળી, ગુલાબી અને સોજાને કારણે ચમકતી હોય છે. તેના શરીર પર પુષ્કળ પ્રમાણમાં ઝીણી રુવાંટી હોય છે. ચામડી નીચેની ચરબી ઓછી હોય છે અને સ્તનની ડીંટડી 5 મિમી.થી નાની હોય અથવા વિકસેલી હોતી નથી. કાન પોચા અને સપાટ હોય છે, શુક્રપિંડો નીચે કોથળીમાં ઊતરેલા હોતા નથી તથા તેની ચામડી આછા રંગની અને ઓછી ગડીઓવાળી હોય છે. ગુરુ ભગોષ્ઠ છૂટા હોવાથી લઘુભગોષ્ઠ અને સ્ત્રીશિશ્ન (clitoris) સ્પષ્ટ દેખાય છે. કાલપૂર્વ શિશુની સક્રિયતા ઓછી હોય છે અને ચેતાપરાવર્તી ક્રિયાઓ અલ્પવિકસિત હોય છે. કાલપૂર્વ જન્મ થવાનાં વિવિધ કારણો હોય છે (સારણી 1).
સારણી 1 : કાલપૂર્વ જન્મનાં મુખ્ય કારણો
ક્રમ |
પ્રકાર |
કારણો |
1. | માતૃલક્ષી |
સગર્ભાવસ્થામાં માતાને રોગ થવો; સગર્ભા-વસ્થામાં વિષાક્તતા (toxaemia), રુધિરસ્રાવ કે પુર:સ્થ ઓર (placenta previa) જેવી આનુષંગિક તકલીફો થવી; ગર્ભાશયનું મુખ અલ્પક્ષમતા (incompetent cervix)વાળું હોવું; માતાના લોહીમાં હીમોગ્લોબિનની ઊણપ હોવી (પાંડુતા, anaemia) કે તેને ચેપ લાગવો. |
2. | ગર્ભલક્ષી | એકથી વધુ ગર્ભશિશુ હોવાં કે તેને કુરચના હોવી. |
3. | રોગને કારણે વહેલી પ્રસૂતિ કરાવવી | માતાને મધુપ્રમેહ કે હૃદયની બીમારી; ઓરની દુષ્ક્રિયાશીલતા, ગર્ભને ઑક્સિજનની ઊણપ કે ગર્ભને સંકટ (distress); માતા અને ગર્ભના લોહીમાં ર્હિસ પ્રકારના લોહીના જૂથની અસંગતતા. |
4. | ઉપચારલક્ષી | પક્વતા અંગે કરાયેલું ક્ષતિયુક્ત નિદાન |
અપક્વ શિશુમાં ચેતાતંત્રીય અપક્વતા, શ્વસનતંત્રની સમસ્યાઓ, જઠરાંત્રતંત્રમાં વિષમતાઓ, તાપમાન નિયંત્રણમાં અલ્પક્ષમતા, અપક્વ મૂત્રપિંડી કાર્ય, રુધિરાભિસરણમાં વિષમતા, ચયાપચયી વિષમતાઓ, ઔષધ પ્રત્યે અસહ્યતા, પોષણની ઊણપ અને ચેપ લાગવાની વધુ પડતી શક્યતા ઉદ્ભવે છે.
જે નવજાત શિશુનું વજન સરેરાશ સામાન્ય વજન કરતાં 2 પ્રમાણવિચલનોથી ઓછું હોય તેમને ગર્ભાવસ્થી વય કરતાં નાનાં શિશુઓ કહે છે. ભારતમાં દર 100 પ્રસૂતિએ 25થી 30 કિસ્સામાં આવાં ઓછાં વજનનાં શિશુઓ અવતરે છે. તે થવાનાં વિવિધ કારણો છે; જેમકે, વાતાવરણીય, માતૃલક્ષી, ઓરલક્ષી તથા ગર્ભલક્ષી. ભૌગોલિક અને જાતિ-પ્રજાતિની વિવિધતા, સામાજિક અને આર્થિક સ્થિતિ તથા પોષણ જેવાં બાહ્ય વાતાવરણીય કારણો અલ્પવજની શિશુના જન્મનું કારણ હોય છે. માતાનું નાનું કદ, નાની વય, ઓછું વજન, માતા દ્વારા ધૂમ્રપાન કે દારૂ તથા નશીલી દવાનો કુપ્રયોગ, માતાને પાંડુતા કે હૃદયની બીમારી તથા સગર્ભાવસ્થામાં લોહીનું ઊંચું દબાણ કે વિષાક્તતા જેવી આનુષંગિક તકલીફો શિશુના અલ્પવજનનું કારણ હોઈ શકે છે. ઓરના વિવિધ વિકારો તથા સંરચના કે કાર્યલક્ષી વિષમતાઓ તથા ગર્ભસંબંધિત બાબતો પણ ઓછા વજનનું કારણ હોય છે. માતાની પ્રથમ સગર્ભાવસ્થામાં અવતરતું બાળક ઓછા વજનનું હોય છે. એકથી વધુ ગર્ભશિશુઓ, ગર્ભાશયમાં ચેપ કે ગર્ભમાં જનીનીય, રંગસૂત્રીય કે અન્ય પ્રકારની કુરચના પણ ઓછા વજનના શિશુ હોવાનું કારણ હોય છે. આવાં શિશુઓ ઓછા પોષણવાળાં, ઓછા વિકાસવાળાં કે તે બંને વિષમતાઓવાળાં હોય છે. ગર્ભાશયમાંના ગર્ભનું અલ્પવિકસન (retardation) નથી થઈ રહ્યું તે નક્કી કરવા વિવિધ પદ્ધતિઓ ઉપલબ્ધ છે. તે માટે અગાઉની સગર્ભાવસ્થા અને હાલની સગર્ભાવસ્થામાંનાં કેટલાંક પરિબળો પ્રમાણે ગુણાંકન (score) આપીને પૂર્વાનુધારણા (prediction) કરી શકાય છે. તેમાં પૂર્વ સગર્ભાવસ્થામાં શિશુનું જન્મકાલીન વજન, મૃતશિશુજન્મ તથા માતાને લોહીનું દબાણ કે મૂત્રપિંડનો રોગ હોય તો તે અંગે માહિતી મેળવાય છે તથા હાલની સગર્ભાવસ્થામાં ધૂમ્રપાન, રુધિરસ્રાવ (લોહી વહેવું), અપૂરતો વજનવધારો, પેટના ઘેરાવામાં અપૂરતો વધારો તથા ગર્ભાશયટોચની ઓછી ઊંચાઈને ધ્યાનમાં લેવાય છે. આ રીતે દુ:સ્થિતિ ગુણાંકન (risk scoring) કરીને પૂર્વાનુધારણા કરાય છે. આ ઉપરાંત ધ્વનિચિત્ર(sonography)નું તથા ગર્ભશિશુનું હલનચલન નોંધીને પણ પૂર્વાનુધારણા કરાય છે. ગર્ભજળ(amniotic fluid)માં ફોસ્ફોટિડિલ ગ્લિસેરોલ તથા સી-પૅપ્ટાઇડનું સ્તર કે માતાના શિરામાર્ગી ગ્લુકોઝ-સહ્યતા-કસોટીનું પરિણામ જાણીને પણ ગર્ભશિશુના અલ્પવિકસન અંગે નિર્ણય કરી શકાય છે.
ગર્ભાશયમાં અલ્પવિકસન પામેલો ગર્ભ જન્મ પછી શ્વસનતંત્ર, તાપમાનનિયંત્રણ, ચયાપચય, હાડકાં બનવામાં (અસ્થીકરણ, ossification) વગેરે વિવિધ બાબતોમાં વિકારો અનુભવે છે. તેના લોહીમાં કોષોની સંખ્યા વધે છે અને લોહીની શ્યાનતા (viscocity) પણ વધે છે. તેમને વિવિધ પ્રકારની જન્મજાત કુરચનાઓ પણ થાય છે.
શિલીન નં. શુક્લ