શિશુનાગ (.પૂ. 411 ઈ.પૂ. 393) : મગધનો રાજા અને શિશુનાગ વંશનો સ્થાપક. હર્યંક વંશના રાજાઓ ઉદયન, મુંડ અને નાગદર્શક પિતૃઘાતક હોવાથી લોકો તેમનાથી કંટાળી ગયા હતા. તેથી નાગદર્શકના પ્રધાન શિશુનાગને પ્રજાએ મગધની ગાદીએ બેસાડ્યો. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે આ શિશુનાગ પોતે શિશુનાગ વંશનો સ્થાપક હતો.

તેના સમયમાં કેટલાંક શક્તિશાળી રાજ્યો મગધમાં જોડાયાં હતાં. તેણે પ્રાચીન ગિરિવ્રજમાં પોતાનું પાટનગર રાખ્યું હતું. તેણે વત્સ તથા કોશલ રાજ્યો પણ જીતી લીધાં હતાં. તે સામ્રાજ્યવાદી હતો. તેણે અવંતિ જીતીને તેને મગધના સામ્રાજ્યમાં જોડી દીધું હતું. તેણે વૈશાલીમાં આવશ્યક સુધારા કરીને ત્યાં પોતાનું નિવાસસ્થાન રાખ્યું હતું. તેણે 18 વર્ષ રાજ્ય કર્યું હતું. તેના પછી તેના વંશના અગિયાર રાજાઓ થયા હોવાનો ઉલ્લેખ મળે છે.

જયકુમાર ર. શુક્લ