શિશિર : શિયાળા અને ઉનાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે જાન્યુઆરી-ફેબ્રુઆરીના ગાળા દરમિયાન પ્રવર્તે છે. ભારતમાં પ્રવર્તતી છ ઋતુઓ (હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ) પૈકીની બીજા ક્રમે આવતી ઋતુ છે. તે હેમંતની ઠંડી પૂરી થતાં અને વસંતનું આહ્લાદક હવામાન શરૂ થાય તે પહેલાંના ગાળામાં આવે છે. ભારતમાં તે પર્ણપાતી ઋતુ પણ ગણાય છે. તેના બે માસના સમયગાળામાં પ્રદેશભેદે વૃક્ષોનાં પાંદડાં ખરી પડે છે અને વસંતઋતુમાં વૃક્ષો નવપલ્લવિત થઈ રહે છે. પોષ અને મહામાસમાં તેનો સમયગાળો રહે છે. ઉત્તર ભારતમાં આ સમયગાળા દરમિયાન હિમવર્ષા ચાલુ રહે છે. શિયાળા-ઉનાળા વચ્ચેની આ સંક્રાંતઋતુ દરમિયાન હવામાન મિશ્ર પ્રકારનું રહે છે.

આ ઋતુમાં મકરસંક્રાંતિનો મુખ્ય તહેવાર આવે છે, જેને સમગ્ર ભારતમાં લોકો રંગેચંગે ઊજવે છે.

નીતિન કોઠારી