શિશુનાગ વંશ (.પૂ. 411થી .પૂ. 343) : મગધમાં નાગદર્શકના પ્રધાન શિશુનાગે સ્થાપેલો વંશ. શિશુનાગે અવંતિ, વત્સ, કોશલ જેવાં શક્તિશાળી રાજ્યો જીતીને મગધમાં જોડી દીધાં હતાં. તેની રાજધાની પ્રાચીન ગિરિવ્રજમાં હતી. તેના પછી તેના વંશના અગિયાર રાજાઓ થયા હોવાના ઉલ્લેખો મળે છે.

શિશુનાગ પછી તેનો પુત્ર કાકવર્ણ (કાલાસોક) મગધની ગાદીએ બેઠો. તેના રાજ્યકાલ દરમિયાન વૈશાલીમાં બીજી બૌદ્ધ પરિષદ મળી હતી. કાકવર્ણે પોતાનું પાટનગર પાટલિપુત્રમાં રાખ્યું હતું. તેણે ઈ.પૂ. 393થી ઈ.પૂ. 365 સુધી એટલે 28 વર્ષ શાસન કર્યું હતું. તેનો કરુણ અંત આવ્યો હતો. સંસ્કૃતના પ્રસિદ્ધ કવિ બાણ ‘હર્ષચરિત’માં જણાવે છે કે કાકવર્ણને તેની રાણીના પ્રેમીએ ગળામાં ખંજર ભોંકીને મારી નાખ્યો હતો. તે પ્રેમી વાળંદ હતો. તેણે મગધની રાજસત્તા કપટથી હાથમાં લીધી અને કાકવર્ણના દસ સગીર પુત્રોના નામે 22 વર્ષ સુધી શાસન કર્યું. તે દરમિયાન તેણે એક પછી એક તે બધા પુત્રોને મારી નાખ્યા. એ રીતે શિશુનાગ વંશનો અંત આવ્યો. આ વંશની સત્તા 68 વર્ષ સુધી ટકી હતી.

જયકુમાર ર. શુક્લ