શિવ : હિંદુ ધર્મના એક દેવ. ‘મહાદેવ’, ‘શંકર’, ‘શંભુ’, ‘ઈશ્વર’ જેવાં તેમનાં અન્ય નામો છે. તેઓ રુદ્ર રૂપે સૃષ્ટિસંહારનું મૂર્તિમંત સ્વરૂપ મનાય છે. ત્રિદેવની કલ્પનામાં બ્રહ્માને સૃષ્ટિના સર્જક, વિષ્ણુને સૃષ્ટિના પાલક તથા શિવ કે રુદ્રને સૃષ્ટિના સંહારક માનવામાં આવ્યા છે.

વેદોમાં ‘શિવ’ નામ પ્રાપ્ત થતું નથી. જોકે ‘રુદ્ર’ માટે ‘શિવ’ (= કલ્યાણકારી) એવા વિશેષણનો પ્રયોગ થયો છે ખરો. આ વિશેષણ જ આગળ જતાં નામરૂપ બની ગયું છે. ઋગ્વેદના તે પ્રાચીન દેવ – રુદ્ર – ની ભાવનામાંથી જ શિવનો ઉદ્ભવ થયો છે. રુદ્રદેવ નૈસર્ગિક અને વ્યાધિજનિત ઉત્પાત સર્જનારા દેવ છે અને શિવ ઉત્પાતને શમાવનારા છે. એટલે કે, એક જ દેવનાં બે સ્વરૂપ – એક રૌદ્ર ને બીજું શાન્ત – અનુક્રમે રુદ્ર અને શિવ રૂપે ઓળખાયાં. ‘તૈત્તિરીય સંહિતા’માં ‘શતરુદ્રીય’ નામે અધ્યાયમાં રુદ્ર સ્વરૂપનો શિવસ્વરૂપના ભેદ રૂપે સ્પષ્ટતયા નિર્દેશ છે. આ બંને રૂપો પૈકી પ્રથમ રૂપ (= રુદ્ર) દુ:ખનિવૃત્તિ અને મૃત્યુનો પરિહાર કરનાર છે તથા ધન, પુત્ર, સ્વર્ગ વગેરે આપનાર છે તથા અન્ય રૂપ (= શિવ) આત્મજ્ઞાન અને મોક્ષ આપનાર છે.

શિવ (એક પારંપરિક રેખાંકન)

ઋગ્વેદમાં અગ્નિદેવને રુદ્ર કહ્યા છે તથા મરુતોને તેમના પુત્રો તરીકે વર્ણવ્યા છે. રુદ્રદેવને રોગશામક, સૂર્ય સમાન તેજસ્વી, અતિસુન્દર અને વરપ્રદાન કરનારા દેવ કહ્યા છે. તેમને સુખદાતા, વ્યાધિવિનાશક, પ્રાણીમાત્રના પાલક કહ્યા છે. તેઓ જગતમાં રોગનાશક તત્વને ફેલાવનારા તથા પાપને પ્રજાળનારા છે. બળવાન એવા તે વજ્ર ફેંકી શકે છે, રથારૂઢ થાય છે તથા જે કાળે તે સંહારક દેવનું રૂપ ધારણ કરે છે ત્યારે ઉગ્ર ને હિંસક પ્રાણીની જેમ જ ભયંકર ને વિનાશક બની જાય છે. પોતાનાં પ્રભાવશાળી શસ્ત્રો દ્વારા તે ગાયો અને મનુષ્યોનો વધ કરે છે. તે અત્યન્ત ક્રોધી છે અને ગુસ્સે થતાં જ સમસ્ત માનવજાતિને નષ્ટ કરી દે છે. તેથી તેમને પ્રાર્થના કરવામાં આવી છે કે તેઓ પોતાના સ્તોતા અને તેના પિતૃ, સંતાન, સંબંધી તથા અશ્ર્વોનો વધ ન કરે. પોતાના પુત્ર અને પરિવારજનોને રોગમુક્ત કરવાને માટે પણ તેમને પ્રાર્થના કરાઈ છે. ઋગ્વેદમાં એક ઠેકાણે તેમને ‘જલાષ’ (= વ્યાધિઓનું શમન કરનાર) તથા ‘જલાષભેષજ’ (= ઔષધિથી યુક્ત ઉપશમન કરનાર) કહેવામાં આવેલ છે. તે સર્વ ચિકિત્સકોમાં શ્રેષ્ઠ ચિકિત્સક છે અને તેમની પાસે હજારો ઔષધિઓ છે. તેઓ દાનવોની જેમ માત્ર ક્રૂર કર્મ કરનારા નથી, પરંતુ પ્રસન્ન થતાં જ માનવજાતિનું કલ્યાણ કરનાર અને પશુઓનું રક્ષણ કરનાર પણ છે. તેથી જ તેમને ‘શિવ’ અને ‘પશુપ’ કહ્યા છે. ઋગ્વેદમાં વર્ણવ્યા પ્રમાણે તેઓ બભ્રુ વર્ણના છે તથા સુવર્ણ સમાન પ્રદીપ્ત અને પૂષાની જેમ જટાધારી છે; જ્યારે યજુર્વેદ અનુસાર તેઓ રક્તવર્ણના અને નીલકંઠ છે. તેમને હજાર હાથ ને હજાર નેત્ર છે. તેઓ હજાર ભાથાંથી સજ્જ થયેલ છે. યજુર્વેદના ‘શતરુદ્રીયસ્તવન’માં તેઓ દયાવાન, વર આપનાર, મુખ્ય સ્વર્ગીય વૈદ્ય, પશુઓના પાલક; મનુષ્યો, ગાયો, અશ્ર્વો, ઘેટાં વગેરે આપનારા દેવ રૂપે વર્ણવાયા છે. ‘વાજસનેયી સંહિતા’માં તેમને સહસ્રનેત્ર, નીલકંઠ ને નીલા કેશવાળા કહ્યા છે તથા તેમને ચર્મધારી બતાવાયા છે. અથર્વવેદમાં તેમના કૃષ્ણવર્ણીય પેટ તથા રક્તવર્ણીય પીઠનો નિર્દેશ મળે છે.

ઉપનિષદોમાં વળી રુદ્રનું જુદું જ સ્વરૂપ કલ્પાયું છે. તેમાં જણાવ્યા પ્રમાણે, દેવોના પૂછવાથી એમણે કહ્યું કે, ‘‘હું સર્વ વસ્તુઓની પૂર્વે હતો. હું અત્યારે પણ છું અને હવે પછી ભવિષ્યમાં પણ હોઈશ. મારા પછી કોઈ નહિ હોય. હું શાશ્વત છું તેમ હું અશાશ્વત છું. હું જ્ઞેય છું અને હું અજ્ઞેય છું. હું બ્રહ્મ છું ને હું બ્રહ્મ નથી.’’ વળી, એક જગ્યાએ કહ્યું છે કે ‘‘એ જ રુદ્ર છે, એ જ ઈશાન, એ જ સ્વર્ગીય, એ જ મહાદેવ ને એ જ મહેશ્વર છે. રુદ્ર એક જ છે, બીજો હોઈ શકે નહિ.’’ તેઓ આ જગતને નિયમમાં રાખે છે. તેઓ ઉત્પન્ન કરનારા છે, ભૂતમાત્ર તેમનામાં અને તેમની સાથે રહે છે. તેઓ રક્ષણકર્તા છે. પ્રલયકાળે તેઓ દરેક વસ્તુનો નાશ કરે છે. તેમને આદિ, મધ્ય કે અન્ત નથી. તેઓ એક સર્વવ્યાપી, વિસ્મયકારી, દિવ્ય, સુખદાતા, સૌમ્ય, સ્વયંપ્રકાશિત, શાન્ત, મહાન, ત્રિલોચન, નીલકંઠ, ઉમાપતિ છે. તેઓ જ બ્રહ્મા છે, તેઓ જ શિવ છે, તેઓ જ ઇન્દ્ર છે. મહાન અને પોતાના તેજથી જ પ્રકાશિત એવા તેઓ પોતે નાશરહિત છે. તેઓ જ વિષ્ણુ છે, તેઓ જ પ્રાણ છે, તેઓ જ શ્વાસ છે. જે જે અનાશવંત હતું, છે અને હશે તે બધું તેમનું જ રૂપ છે. એમને જાણ્યા એટલે મૃત્યુને જીત્યું કહેવાય. મોક્ષનો બીજો કોઈ રસ્તો એ વગર છે જ નહિ.’’ આમ, ઉપનિષદોમાં તેમને એક જ દેવ તરીકે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ કહ્યા છે.

રામાયણમાં શિવને મોટા દેવ કહ્યા છે, છતાં તેઓ રામનું પ્રભુત્વ સ્વીકારે છે તેમ વર્ણવાયું છે. મહાભારતમાં પણ બહુધા કૃષ્ણ એટલે કે વિષ્ણુનો મહિમા વર્ણવાયો હોવા છતાં ક્યાંક વિષ્ણુ કરતાં પણ શિવને મહાન બતાવી તેમને વિશેષ માન અપાયું છે. વિષ્ણુએ તથા કૃષ્ણે તેમની પૂજા કરી છે. તેમાં જણાવ્યા મુજબ, મહાદેવ સર્વવ્યાપી છતાં અગોચર છે, તેઓ જગતના સર્જનહાર છે. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે સર્વ દેવો તેમને પૂજે છે. મહાભારત તથા પુરાણોમાં પ્રાપ્ત થતા વર્ણન અનુસાર શિવનાં પાંચ મુખ હતાં. તે પૈકી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને ઊર્ધ્વમાં જોનાર મુખ સૌમ્ય હતાં. માત્ર દક્ષિણ દિશામાં જોનારું મુખ જ રૌદ્ર સ્વરૂપનું હતું. તેમના નીલકંઠ અંગે સમુદ્રમંથન દરમિયાન નીકળેલા હળાહળ વિષનું પાન કારણભૂત હોવાનું દર્શાવાય છે, પણ ક્યાંક ઇન્દ્રના વજ્રપ્રહારથી કંઠ નીલવર્ણનો થયો હોવાનું વર્ણન પણ મળે છે. તેમને માટે ‘શ્રીકંઠ’ શબ્દ પણ પ્રયોજાય છે. પુરાણોમાં શિવને ક્યાંક ‘ચતુર્મુખ’ તો ક્યાંક ‘ત્રિનેત્ર’ કહ્યા છે. તેમના અર્ધનારીનટેશ્વર સ્વરૂપનો પણ અહીં નિર્દેશ છે.

આ રીતે વૈદિક રુદ્રદેવ જ સમય જતાં મહાન અને શક્તિશાળી શિવ રૂપે પ્રગટ્યા છે તથા ત્રિમૂર્તિમાં સ્થાન પામ્યા છે.

શિવની ઉત્પત્તિ અંગે વિવિધ કથાઓ મળે છે. એક કથા અનુસાર, કલ્પના આરંભે જ્યારે બ્રહ્મા તપ કરતા હતા ત્યારે એક નીલવર્ણનું બાળક તેમના ખોળામાં પ્રગટ થયું અને રડવા લાગ્યું તેથી તે ‘રુદ્ર’ કહેવાયું. તેને રડવાની ના પાડતાં તે વારંવાર રડ્યો અને પોતાને નામ આપવા અંગે સાત વાર વિનંતી કરી. આથી બ્રહ્માએ તેને ‘રુદ્ર’ ઉપરાંત અન્ય સાત નામ આપ્યાં તે છે  ‘ભવ’, ‘શર્વ’ (‘શિવ’), ‘પશુપતિ’, ‘ભીમ’, ‘ઈશાન’, ‘ઉગ્ર’ અને ‘મહાદેવ’. પુરાણોમાં જે અષ્ટરુદ્રનું વર્ણન મળે છે તેમનાં નામ પણ આ જ છે.

દેવી ભાગવતમાં પ્રાપ્ત એક કથા મુજબ મહાવિષ્ણુની નાભિમાંથી જન્મેલા બ્રહ્માની ભ્રૂકુટિના મધ્યભાગમાંથી રુદ્ર જન્મ્યા છે. ક્યાંક વળી બ્રહ્માના ક્રોધમાંથી તેમનો જન્મ દર્શાવ્યો છે.

ભાગવતમાં પ્રાપ્ત અન્ય કથા પ્રમાણે બ્રહ્માના ચાર માનસપુત્રો પ્રજોત્પત્તિના કાર્યથી વિમુખ રહ્યા ત્યારે ગુસ્સે થયેલા બ્રહ્માના ભ્રૂમધ્યમાંથી એક નીલ ને શ્વેત વર્ણનું સ્વરૂપ પ્રગટ્યું, જેણે પોતાને માટે નામ અને સ્થાનની માગણી કરી. બ્રહ્માએ તેને भा रुद्र  ‘રડીશ નહિ’ એમ સાંત્વના આપી, નામ ને સ્થાન આપ્યાં. તે સ્વરૂપ ‘રુદ્ર’ નામે ઓળખાયું. તેમને જે અન્ય નામ પ્રાપ્ત થયાં છે, તે છે  ‘મન્યુ’, ‘મનુ’, ‘મહિનસ્’, ‘મહાન્’ (‘મહત્’), ‘શિવ’, ‘ઋતુધ્વજ’, ‘ઉગ્રરેતસ્’, ‘ભવ’, ‘કાળ’, ‘વામદેવ’ અને ‘ધૃતવ્રત’. આ સર્વ અગિયાર રુદ્રો તરીકે ઓળખાયા, જે પાછળથી ‘અજ’, ‘એકપાદ’, ‘અહિર્બુધ્ન્ય’, ‘ત્વષ્ટા’, ‘રુદ્ર’, ‘હર’, ‘શંભુ’, ‘ત્ર્યંબક’, ‘અપરાજિત’, ‘ઈશાન’ અને ‘ત્રિભુવન’ નામે પ્રસિદ્ધિ પામ્યા.

મહાભારત અનુસાર, યુગારંભસમયે વિષ્ણુની નાભિમાંથી જ્યારે બ્રહ્મા ઉત્પન્ન થયા ત્યારે મધુ તથા કૈટભ નામે બે અસુરો તેમને મારવાને ઉદ્યત થયા. તે સમયે તે અસુરો પ્રત્યે ગુસ્સે થયેલા વિષ્ણુની ભ્રૂકુટિમાંથી શૂલપાણિ શિવ પ્રગટ્યા.

શિવના પરિવાર અંગે વિચારીએ તો શિવનાં પત્ની પાર્વતી હિમાલયની પુત્રી છે, જે પૂર્વ-જન્મમાં સતી હતાં. તેઓ ‘ઉમા’, ‘ગૌરી’, ‘હૈમવતી’, ‘કાલી’, ‘શિવા’, ‘ભવાની’, ‘કાત્યાયની’, ‘દુર્ગા’, ‘અપર્ણા’ વગેરે અનેક નામે જાણીતાં છે. તેમણે તપશ્ચર્યા દ્વારા શિવને પતિ તરીકે મેળવ્યા હતા. તેમનાં સંતાનોમાં  કાર્તિકેય અને ગણેશ – એ બે પાર્વતીથી જન્મેલા પુત્રો છે; જ્યારે ઇન્દ્રજિત, હનુમાન વગેરે અન્ય સ્ત્રીઓથી જન્મેલા છે.

પુરાણોમાં જે અષ્ટરુદ્ર ને અગિયાર રુદ્રના નિર્દેશ મળે છે, તેમાં તેમની પત્નીઓ, પુત્રો તથા તેમનાં નિવાસસ્થાનો અંગે પણ ઉલ્લેખ છે. તે આ પ્રમાણે છે :

અષ્ટ રુદ્ર પત્ની પુત્ર નિવાસસ્થાન
રુદ્ર સુવર્ચલા અથવા શનૈશ્ચર સૂર્ય
સતી
ભવ ઉમા (ઉષા) શુક્ર જલ
શર્વ (શિવ) વિકેશી મંગલ મહી (= પૃથ્વી)
પશુપતિ શિવા મનોજવ વાયુ
ભીમ સ્વાહા (સ્વધા) સ્કન્દ અગ્નિ
ઈશાન દિશા સ્વર્ગ આકાશ
ઉગ્ર દીક્ષા સંતાન યજ્ઞીય બ્રાહ્મણ
( = યજમાન)
મહાદેવ રોહિણી બુધ ચન્દ્ર
એકાદશ રુદ્ર પત્ની નિવાસસ્થાન
મન્યુ ધી હૃદય
મનુ વૃત્તિ ઇન્દ્રિય
મહિનસ્ (સોમ) ઉશના અસુ
મહત્ ઉમા વ્યોમ
શિવ નિયુતા વાયુ
ઋતુધ્વજ સર્પિસ્ અગ્નિ
ઉગ્રરેતસ્ ઇલા જલ
ભવ અંબિકા મહી
કાલ ઇરાવતી સૂર્ય
વામદેવ સુધા ચન્દ્ર
ધૃતધ્વજ દીક્ષા તપ

આ અષ્ટ રુદ્ર અને અગિયાર રુદ્રની જે કલ્પના છે, તેમાં એક જ રુદ્રનાં તે અન્ય નામ કે સ્વરૂપ છે એમ મનાયું છે; તો ક્યાંક તેમને આદિ રુદ્રમાંથી ઉત્પન્ન થયેલ વર્ણવ્યા છે. સ્કન્દપુરાણ અનુસાર કૃતયુગમાં આઠ રુદ્ર હતા ને કલિયુગમાં અગિયાર છે.

મહાભારતમાં ‘મૃગ’, ‘વ્યાધ’, ‘શર્વ’, ‘નિર્ઋતિ’, ‘અજૈકપાત્’, ‘અહિર્બુધ્ન્ય’, ‘પિનાકિન્’, ‘ઈશ્વર’, ‘કપાલિન્’, ‘સ્થાણુ’ અને ‘ભવ’ એવાં અગિયાર નામ મળે છે.

અષ્ટ રુદ્રનાં જે નિવાસસ્થાનો છે તે જ પાછળથી અષ્ટમૂર્તિ શિવ રૂપે પ્રસિદ્ધ થયાં, જેનો નિર્દેશ કાલિદાસે પણ કર્યો છે. પુરાણોમાં પણ અષ્ટમૂર્તિના ઉલ્લેખો છે.

હવે શિવના નિવાસ અંગે જે વિવિધ વર્ણનો મળે છે તે જોઈએ. મહામેરુ પર્વત ઉપર જુદા જુદા દેવોની નવ નગરીઓ આવેલી છે. તે પૈકી ઈશાન કોણમાં આવેલી યશોવતી નામે નગરી એ શિવનું નિવાસસ્થાન છે. આથી તેઓ ‘મેરુધામા’ કહેવાય છે. કૃષ્ણદ્વૈપાયન તેમજ કુબેરે મેરુપર્વત ઉપર તેમની ઉપાસના કરી હતી. મુંજવાન્ પર્વત ઉપર પણ તેમનો નિવાસ હોવાનું વર્ણવાય છે. વળી, કૈલાસ તથા હિમાલય પણ તેમના નિવાસ રૂપે દર્શાવાય છે; તેથી ‘કૈલાસનાથ’ કે ‘કૈલાસપતિ’ તરીકે તેઓ જાણીતા બન્યા છે; પરંતુ શિવનું પ્રિય નિવાસસ્થાન તો કાશીનું સ્મશાન છે. તેથી જ શિવભક્તો કાશીને અત્યંત પવિત્ર તથા તેને મુમુક્ષુઓના ધામરૂપ ગણે છે.

હિમાલયના મુંજવત્ શિખર ઉપર શિવે તપસ્યા કરી હોવાનું મનાય છે. મહાભારતમાં જણાવ્યા પ્રમાણે, તેઓ વૃક્ષો નીચે, પર્વત-શિખરો ઉપર અને ગુફાઓમાં અદૃશ્ય રૂપે ઉમા સાથે તપ કરે છે. તેથી તેઓ ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી. શિવનું એક રૂપ જે મહાયોગીનું છે, તે રૂપે તેઓ સદા ધ્યાનમગ્ન રહે છે. ઉગ્ર તપમાં લીન રહેનાર તેઓ મોટા તપસ્વી છે. અગાધ શક્તિના સ્વામી એવા તેઓ શુદ્ધ બ્રહ્મજ્ઞાન પામીને બ્રહ્મરૂપ બન્યા છે. તેમનું આ બ્રહ્મમય રૂપ જ વિશેષ પ્રસિદ્ધિ પામ્યું છે. આ સ્વરૂપે તેઓ દિગંબર છે, ધૂર્જટિ છે. તેમની સંહારક શક્તિની બાબતમાં તેઓ ‘ભૈરવ’ કહેવાય છે. ભૂતપિશાચ વગેરે યોનિઓના અધ્યક્ષ રૂપે તેઓ ‘ભૂતપતિ’ ગણાય છે. સ્મશાનમાં નિવાસ, સર્પોનાં આભૂષણ, કંઠે રુંડમાળા, ભૂતગણોનો સાથ, આકડો-ધંતૂરો-ભાંગ વગેરે માદક દ્રવ્યોનું સેવન કરવા જેવી બાબતો તેમના વ્યક્તિત્વને વૈચિત્ર્યપૂર્ણ બનાવે છે. પિંગળી જટાને ધારણ કરતા તેઓ ‘કપર્દી’ કહેવાય છે, જ્યારે ત્રિશૂળ અને પિનાક ધનુષ્યને ધારણ કરતા તેઓ ‘શૂલી’, ‘શૂલધારી’ તથા ‘પિનાકિન’ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત, ખટ્વાંગ નામે ગદા, અજગવ નામે પણછ તથા હાથમાં પાશ પણ તેઓ રાખે છે. મસ્તક ઉપર ગંગા અને જટાજૂટ ઉપર ચન્દ્રને ધારણ કરતાં તેઓ ‘ગંગાધર’, ‘ચન્દ્રચૂડ’, ‘ચન્દ્રશેખર’ વગેરે નામ પામે છે. દક્ષ પ્રજાપતિએ આપેલ નંદિકેશ્વરને તેમણે પોતાના વાહન રૂપે રાખેલ છે. વસ્ત્ર રૂપે તેઓ વ્યાઘ્રચર્મ કે ગજચર્મ ઓઢે છે. તેથી તેઓ ‘કૃત્તિવાસસ્’ કહેવાય છે. ડમરુ તેમનું વાદ્ય છે. તેના નાદે તેઓ દેવી-શક્તિની સાથે તાંડવનૃત્ય કરે છે. તેઓ ગૌર વર્ણના છે. આ ગૌર વર્ણ તેમની સંહારલીલાને ન્યાયી તેમજ ઉચિત ઠરાવે છે. તેઓ સર્વાંગે સુંદર અને અતિ સૌમ્ય સ્વરૂપના છે. તેઓ સ્વભાવે ભોળા અને કરુણામય છે. તેથી ‘ભોલેનાથ’ ને ‘કરુણાનિધાન’ કહેવાય છે. તેઓ ભાલમાં ભ્રમરમધ્યે ત્રીજું નયન ધરાવે છે. તેથી ‘ત્ર્યંબક’, ‘ત્રિનયન’ તરીકે પણ ઓળખાય છે. આ ત્રીજા નેત્રમાંથી પ્રલયકાળે પ્રચંડ અગ્નિ પ્રગટે છે ને સર્વનાશ નોતરે છે. દેવકાર્ય કરવાને માટે તેમના તપનો ભંગ કરવા ઉદ્યત થયેલ કામદેવને તેમણે આ અગ્નિ દ્વારા જ ભસ્મીભૂત કર્યો હતો. તેથી તેઓ ‘મદનાન્તક’, ‘સ્મરહર’ વગેરે નામ પામ્યા છે.

શિવનાં કાર્યો કે પરાક્રમોની નોંધ લઈએ તો તેમણે અનેક મહાન કાર્યો સિદ્ધ કર્યાં છે. તે સર્વમાં કામદહન, સમુદ્રમંથન દરમિયાન નીકળેલ કાલકૂટ વિષનું પાન, પ્રાણપ્રિયા સતીનો નાશ થતાં ક્રોધપૂર્વક દક્ષયજ્ઞનો ધ્વંસ, અસુરોનાં ત્રણ નગરોનો નાશ, પૂર્વજોનો ઉદ્ધાર અર્થે ગંગાવતરણના કાર્યમાં ભગીરથને કરેલ મદદ તથા મસ્તક ઉપર ગંગાને આપેલું સ્થાન વગેરે ખૂબ મહત્વપૂર્ણ ને પ્રસિદ્ધ છે. આ ઉપરાંત, વિષ્ણુ સાથેનું તેમનું વૈમનસ્ય, શંખચૂડ સાથે યુદ્ધ, અંધક સાથેનું યુદ્ધ, મહિષાસુર અને વૃત્રાસુર સાથેનાં યુદ્ધ, કિરાત રૂપે અર્જુન સાથે યુદ્ધ, સૂર્ય સાથે યુદ્ધ ઇત્યાદિ તેમનાં પરાક્રમો ઉલ્લેખનીય છે. વળી, પાંચ ઇન્દ્રોનો પાંચ પાંડવ રૂપે જન્મ અને દ્રૌપદી રૂપે શ્રીદેવી સાથે તેમના વિવાહનું કાર્ય પણ શિવની ઇચ્છાથી થયું હતું.

પુરાણોમાં શિવની 64 લીલાઓનું વર્ણન મળે છે. તે પૈકી કેટલીક આ પ્રમાણે છે – કદંબવનમાં મધુરાપુરનું નિર્માણ, દેવરાજ ઇન્દ્ર તેમજ ઐરાવતને પાપમાંથી મુક્તિ, પતંજલિ ઋષિ સમક્ષ નૃત્ય, પત્નીને ખુશ કરવાને માટે સાત સમુદ્રોને પાસે લાવવા, દેવલોકમાંથી મલયધ્વજને નીચે ઉતરાવો, ઇન્દ્રના મુકુટુનો ભંગ, મહર્ષિઓને વેદોનું જ્ઞાનપ્રદાન, મહામેરુમાંથી ઉગ્રપાંડ્ય રાજાને સુવર્ણનું દાન, પાષાણહસ્તી દ્વારા શેરડીનું ભક્ષણ, પાંડ્યરાજાને અક્ષયકુંભનું દાન, પાંડ્યરાજાને બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ વગેરે.

આ ઉપરાંત શિવકૃપાથી વ્યાસને પુત્ર રૂપે શુકની પ્રાપ્તિ થઈ હતી. તેને યજ્ઞોપવીત દીક્ષા પણ શિવે જ આપી હતી. પૃથુ રાજાએ પૃથ્વીરૂપ ગાય દ્વારા સત્વનું દોહન કરાવ્યું ત્યારે શિવ વાછરડું બન્યા હતા. દેવાસુર-સંગ્રામ દરમિયાન શુક્રાચાર્યને તેમણે શરણ આપ્યું હતું.

એક પ્રસંગે શિવે અસત્યભાષી બ્રહ્માના પાંચ મુખ પૈકી એકને છેદી નાખ્યું ત્યારે બ્રહ્માએ તેમને કપાલ લઈ ભિક્ષા માગવા અંગેનો શાપ આપ્યો. તેથી શિવ ‘કપાલી’ કહેવાયા. એટલું જ નહિ, બ્રહ્માનો શિરચ્છેદ કરાતાં તેમને બ્રહ્મહત્યાનું પાતક લાગ્યું. અનેક પવિત્ર નદીઓ અને આશ્રમોનું શરણ લેવા છતાંય તે દૂર ન થયું. પછી વિષ્ણુના બંને ચરણોમાંથી પ્રવાહિત થયેલી વરુણા (વરણા) અને અસિ નામે નદીઓના સંગમસ્થળે વસેલ વારાણસીમાં જઈ શિવ પાપમુક્ત થયા.

એક વખત તિલોત્તમાના સૌન્દર્ય પ્રત્યે આકર્ષિત થઈ તેને સતત જોવાની ઇચ્છાથી શિવ ચતુર્મુખ બન્યા હોવાનો નિર્દેશ મળે છે. તો મધુરા નામે અપ્સરા કે જે પાછળથી મયાસુરની કન્યા તરીકે જાણીતી બની, તેની સાથેના સંબંધથી ઇન્દ્રજિતનો જન્મ તથા શિવસ્નાનથી કાલિન્દીનાં જળ શ્યામ બન્યાં હોવાની વાત અને નાગાસુરનો વધ કરી આનંદિત શિવ દ્વારા નાગનાં આભૂષણ પરિધાન કરાયાં હોવાની બાબત પુરાણો વર્ણવે છે. આ રીતે, શિવના જીવનમાં અનેક ઘટનાઓ ઘટિત થઈ છે; જેમાં ક્યાંક તેમના રૌદ્ર તો ક્યાંક સૌમ્ય સ્વરૂપનાં દર્શન થાય છે.

આ ઉપરાંત, ભક્તોના રક્ષણ અર્થે કે શત્રુઓના સંહાર માટે શિવે અનેક અવતાર ધારણ કર્યા હતા. પુરાણોમાં ક્યાંક આ અવતારોની સંખ્યા ચાર, પાંચ કે દસ અને ક્યાંક વળી અઠ્ઠાવીસ કે સો જેટલી પણ દર્શાવાઈ છે ! તે પૈકી ચાર અવતારોમાં શરભ, મલ્લારિ, દુર્વાસા અને પંચશિખના અવતારો ગણાવાય છે; જ્યારે પાંચ અવતારોમાં સદ્યોજાત, વામદેવ, અઘોર, તત્પુરુષ અને ઈશાનનો સમાવેશ થાય છે. વિષ્ણુની જેમ શિવના દસ અવતાર પણ દર્શાવાયા છે તે છે  મહાકાલ, તાર, ભુવનેશ, શ્રીવિદ્યેશ, ભૈરવ, છિન્નમસ્તક, ભૂમવત્, બગલામુખ, માતંગ ને કમલ. વળી, દ્વાપરયુગના વ્યાસને સહાય કરવાને માટે જે વિવિધ શિવસ્વરૂપ અવતરિત થયેલ તે કુલ અઠ્ઠાવીસ અવતારો પૈકી પ્રત્યેકના ચાર ચાર શિષ્ય હોવાનું પણ દર્શાવાયું છે અને શિવના જે સો અવતારો નિરૂપાયા છે તેમાં તેમનાં વસ્ત્રોનો રંગ, પુત્રોનાં નામ વગેરેનો પણ નિર્દેશ છે. શિવના આ સર્વ અવતારો એ તેમના અંશાવતારો છે. શિવની અવતારલીલામાં વાનરાવતાર પણ ઉલ્લેખનીય છે. શિવે એક વાર પાર્વતી અને નંદિકેશ્વર વગેરે ગણોની સાથે વાનરલીલા આદરી હતી ત્યારે ત્યાં આવેલ અને અપકૃત્ય આચરનાર રાવણને શાપ મળ્યો હતો કે ‘વાનર જ તેના નાશનું નિમિત્ત બનશે.’ એક સ્થળે શિવે વરુણનું રૂપ ધરી યજ્ઞ કર્યાનોય નિર્દેશ છે.

ભાગવત જેવા ગ્રંથમાં શિવમહિમાની સાથે જ તેમની નિંદા પણ વર્ણવાઈ છે. વાજસનેયી સંહિતામાં રુદ્ર માટે પ્રયુક્ત અનેક વિશેષણો એવાં છે જે અપમાનજનક લાગે; જેવાં કે, ચોર, કપટી, ચોર-ડાકુના અધિપતિ વગેરે. વાસ્તવમાં આ વિશેષણો શિવના ભયંકર ને અપવિત્ર તથા બીભત્સ સ્વરૂપને અનુરૂપ જણાય છે. અલબત્ત, આવા અભદ્ર ને અમાંગલિક ને અગમ્ય હોવા છતાં તેઓ પોતાના ભક્તોનું પરમ મંગલ કરનારા છે. આશુતોષ એવા શિવ પોતાની આરાધના કરનારને ઇષ્ટ પ્ર્રદાન કરી કૃતાર્થ કરનારા છે ને તેથી જ પરાપૂર્વથી તેમની ભક્તિ તથા ઉપાસના થતાં રહ્યાં છે.

વૈદિક કાળ પછી તો લિંગ એ શિવની સર્જનાત્મક શક્તિના પ્રતીકરૂપ બની ગયેલ છે અને આજે પણ ભારતમાં સર્વત્ર વ્યાપક રૂપે તેની પૂજા થાય છે. આ શિવોપાસના ઘણે સ્થળે કેવળ સામાન્ય રૂપે શ્રદ્ધાપૂર્વક થતી જણાય છે તો ક્યાંક વિશેષ રૂપે કરનાર સાધકોના વિશિષ્ટ સમુદાયો પણ અસ્તિત્વમાં આવ્યા છે. સામાન્યત: કરાતી શિવપૂજાની પ્રતીતિ રાજા-મહારાજાઓ દ્વારા નિર્માણ પામેલ શિવમંદિરો થકી થાય છે. શિવના વિશિષ્ટ ઉપાસકોમાં ખાસ કરીને પાશુપત સંપ્રદાય, કાશ્મીરી શૈવ સંપ્રદાય, વીરશૈવ કે લિંગાયત સંપ્રદાય વગેરે ઉલ્લેખનીય છે. આ સર્વમાં પાશુપત મત ખૂબ પ્રાચીન મનાયો છે, જેમાંથી આગળ જતાં ત્રણ પ્રવાહ ફંટાયા. તે છે  કાપાલિક, પાશુપત અને શૈવ સંપ્રદાય. કાપાલિક સંપ્રદાયના ઉપાસકો ચિતાભસ્મનું સેવન, મુંડમાળા તથા જટાનું ધારણ, ખોપરીમાં ભિક્ષા ગ્રહણ કરી તેનું ભોજન, મદ્યપાન તથા ભૈરવ અને ચંડિકાની ઉપાસના વગેરે આચારો પાળે છે. પાશુપત સંપ્રદાયના સાધકો શરીરે ચિતાભસ્મ ચોળી ચિતાભસ્મમાં જ આળોટે છે. ભયંકર હાસ્ય, નૃત્ય, ગાયન, અસ્પષ્ટ સ્વરે ૐકારનો જપ વગેરે જુદી જુદી પદ્ધતિથી તેઓ ઉપાસના કરે છે. શૈવ સંપ્રદાય(પાશુપત)ના સાધકો બુદ્ધિવાદી છે. તેમના મતે માનવ-આત્મા એ પશુ છે, જે ઇન્દ્રિયોના પાશમાં બંધાયેલ છે. આ બંધનમાંથી તેને શિવોપાસના જ મુક્ત કરી શકે છે. કાશ્મીરી શૈવ સંપ્રદાયના બે મુખ્ય પ્રવાહો છે. એક છે સ્પંદશાસ્ત્ર અને બીજું પ્રત્યભિજ્ઞાદર્શન. આ સંપ્રદાયમાં કાપાલિક તેમજ પાશુપત સંપ્રદાયની જેમ પ્રાણાયામ કે અઘોર આચરણને મહત્વ નથી અપાયું પરંતુ ચિત્તશુદ્ધિ દ્વારા વિવિધ મલને દૂર કરવાનું સ્વીકારાયું છે. આ સંપ્રદાય દ્વારા થતી શિવોપાસના ખૂબ પ્રસિદ્ધિ પામી. આચાર્ય અભિનવગુપ્ત આ સંપ્રદાયના અનુયાયી હતા, જેમણે તદ્વિષયક અનેક ઉત્તમ ગ્રંથો આપ્યા છે. લિંગાયત સંપ્રદાય અનુસાર સચ્ચિદાનંદસ્વરૂપ બ્રહ્મ એ જ શિવ છે. તેમનું તત્વજ્ઞાન મહાલિંગ, પ્રસાદલિંગ, ચરલિંગ, શિવલિંગ, ગુરુલિંગ, આચારલિંગ વગેરે પ્રકારે વિભાજિત છે. મૂળ શિવતત્વ એ લિંગ એટલે કે શિવલિંગરૂપ છે ને મનુષ્યનો આત્મા તે અંગ છે. આ બંનેનો યોગ શિવોપાસનાથી સિદ્ધ થાય છે. લિંગાયતોના આચાર્ય પોતાને લિંગી બ્રાહ્મણ કહેવડાવે છે. આ સંપ્રદાયના ઉપાસકો કંઠમાં શિવલિંગની કાષ્ઠપ્રતિમા ધારણ કરે છે. આ ઉપરાંત લકુલીશ (લગુડીશ) સંપ્રદાય પ્રચલિત થયો હતો.

શિવપૂજાનો એક પેટાવિભાગ શક્તિની ઉપાસનાનો છે, જેમાં દેવીની ત્રિપુરસુંદરી રૂપે ઉપાસના કરાય છે. આ ઉપરાંત, ગણપતિ કે જે વિઘ્નેશ્વર મનાય છે તે સર્વ દેવોમાં અગ્રસ્થાને પૂજાર્હ ગણાય છે. તેઓ શિવનું મૂર્ત સ્વરૂપ મનાય છે, પરંતુ શિવલિંગની પૂજાનું મહત્વ સવિશેષ છે. શિવલિંગની પૂજાને જે પ્રસિદ્ધિ મળી છે તે અંગે પુરાણોમાં અનેક કથાઓ પ્રાપ્ત થાય છે. તે મુજબ, ક્યાંક બ્રહ્માના માનસપુત્રો એવા વાલખિલ્યોના રોષના ભોગે શિવલિંગનું પતન વર્ણવાયું છે. તો ક્યાંક વળી ક્રોધિત થયેલ શિવ પોતે જ પોતાના લિંગનો ઉચ્છેદ કરતા નિરૂપાયા છે. પ્રતીક રૂપે પૂજાતા શિવલિંગના બે પ્રકાર છે – ચલ અને અચલ. જે સ્વયંભૂ પ્રગટ થયાં છે ને પછી પ્રતિષ્ઠા પામ્યાં છે તે લિંગ અચલ ગણાય છે; જ્યારે પાર્થિવ લિંગ, રત્ન લિંગ, સ્ફટિક લિંગ, પારદ લિંગ વગેરે ચલ પ્રકારનાં છે. શિવભસ્મનો મહિમા અપાર છે. પુરાણોમાં તે અંગેના અનેક સંદર્ભો મળે છે. શિવભસ્મના મહિમાને પામીને જ વિષ્ણુ શિવભક્ત બન્યાના નિર્દેશ છે.

પુરાણોમાં તેમજ મહાભારતમાં પણ ભિન્ન ભિન્ન રૂપે શિવસહસ્રનામ પ્રાપ્ત થાય છે; જેમનો ભક્તો શ્રદ્ધાપૂર્વક જાપ કરે છે. શૈવસંપ્રદાયનાં પુરાણોમાં કૂર્મપુરાણ, બ્રહ્માંડપુરાણ, ભવિષ્યપુરાણ, મત્સ્યપુરાણ, માર્કંડેયપુરાણ, લિંગપુરાણ, વરાહપુરાણ, વામનપુરાણ, શિવપુરાણ અને સ્કંદપુરાણનો સમાવેશ થાય છે. પદ્મપુરાણના ગૌડીય સંસ્કરણમાં ‘શિવગીતા’ પણ મળે છે. સંસ્કૃત સાહિત્યમાં ખાસ કરીને મહાભારતમાં શિવસ્તુતિ તેમજ શિવમહિમાનું વર્ણન મળે છે. શિવમાહાત્મ્યને લગતી કેટલીક સ્વતંત્ર રચનાઓ પણ ઉપલબ્ધ થાય છે, જેમાં શ્રીપુષ્પદન્તનું ‘શિવમહિમ્ન:સ્તોત્ર’ તેમજ શ્રીમદ્ શંકરાચાર્યનાં ‘શિવમાનસપૂજા’, ‘શિવપંચાક્ષરસ્તોત્ર’, ‘શિવતાંડવસ્તોત્ર’ વગેરે ખૂબ પ્રચલિત છે.

શિવનાં તીર્થસ્થાનો અનેક છે. તેમાં પાંચ તત્વલિંગ અને બાર જ્યોતિર્લિંગ મુખ્ય છે. બાર જ્યોતિર્લિંગનાં દર્શન તેમજ યાત્રા વિશેષ શ્રદ્ધેય મનાય છે. બાર જ્યોતિર્લિગ આ પ્રમાણે છે : સૌરાષ્ટ્રમાં સોમનાથ, શ્રીશૈલના મલ્લિકાર્જુન, ઉજ્જયિનીના મહાકાલ, ઇન્દોર પાસે ૐકારેશ્વર  અમલેશ્વર, પરલીમાં વૈજનાથ, ડાકિનીક્ષેત્રમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમાં નાગેશ્વર, વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીતટે ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારનાથ અને ઘુસૃણેશ્વર. આ ઉપરાંત હિમવત્ અને મુંજવત્ નામે પર્વત કે જ્યાં શિવે તપસ્યા કરી હતી, રુદ્રકોટિ કે જ્યાં શિવ ઋષિઓને માટે કરોડો શિવલિંગ રૂપે પ્રગટ થયા હતા, રુદ્રપદ કે જ્યાં કરાતી શિવપૂજા અશ્વમેધ યજ્ઞનું ફળ આપનારી છે તથા મુંજવર કે જ્યાં કરેલી શિવપરિક્રમા ગણપતિનું પદ પ્રદાન કરનારી છે વગેરે તીર્થસ્થાનો પણ યાત્રાળુઓની શ્રદ્ધાનો વિષય છે.

જાગૃતિ પંડ્યા