શિલ્પી, જસુબહેન

January, 2006

શિલ્પી, જસુબહેન (. 10 ડિસેમ્બર 1948, ચંદ્રપુર, મહારાષ્ટ્ર) : ઐતિહાસિક અને જાહેર જીવનની ખ્યાતનામ વ્યક્તિઓનાં સ્મારક-શિલ્પો ઘડવા માટે જાણીતાં આધુનિક મહિલા-શિલ્પી. મૂળ નામ જસુબહેન આશરા. મધ્યમ વર્ગના સૌરાષ્ટ્રના આશરા અટક ધરાવતા કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ તેમણે અમદાવાદમાં કર્યો. મૅટ્રિક પસાર કર્યા પછી તેમણે 1965માં અમદાવાદની શેઠ

જસુબહેન શિલ્પી

સી. એન. કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સમાં શિલ્પ-વિભાગમાં વિદ્યાર્થિની તરીકે પ્રવેશ મેળવ્યો. 1966માં કૉલેજની શૈક્ષણિક યાત્રા દરમિયાન ગ્વાલિયરમાં ઝાંસીની રાણીનું મોટા કદમાં ભવ્ય સ્મારક-શિલ્પ જોઈને વિશાળ સ્મારક-શિલ્પોનું સર્જન કરવાની મહત્ત્વાકાંક્ષા જસુબહેનના મનમાં જન્મી. શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાં શિલ્પનો અભ્યાસ પૂરો કર્યો અને ડિપ્લોમા મેળવ્યો. આ અભ્યાસ દરમિયાન સહવિદ્યાર્થી મહંમદભાઈના પ્રેમમાં જસુબહેન પડ્યાં. આ પ્રેમ પરસ્પર હતો અને તેથી અભ્યાસ પૂરો થતાં જ બંને પરણી ગયાં; પરંતુ જસુબહેનના પિયરમાંથી વિધર્મી વ્યક્તિ સાથેના આ સંબંધ અંગે પહેલેથી જ ઉગ્ર અને તીવ્ર વિરોધ હતો. મહંમદભાઈના સહકારમાં જસુબહેને સ્મારક-શિલ્પો સર્જી કારકિર્દી ઘડવાનો મનસૂબો સેવેલો તેને તેમણે હવે વ્યવહારમાં મૂકવો શરૂ કર્યો. તેમની આ સંયુક્ત શિલ્પયાત્રા ઓગણીસ વર્ષ (1970-1989) અવિરત ચાલી. સૌપ્રથમ વરદી તેમણે રાજકોટ મ્યુનિસિપાલિટીમાંથી મેળવી. જસુબહેને આ માટે બાબાસાહેબ આંબેડકરનું પૂરા કદ કરતાં પણ મોટું કાંસામાંથી શિલ્પ ઘડવાનું હતું. આ શિલ્પ રાજકોટમાં એક જાહેર જગ્યા પર ગોઠવાયું. આ પ્રથમ સફળ પ્રયાસ બાદ તેમને એક પછી એક વરદી મળતી જ ગઈ. આ રીતે છેલ્લાં પાંત્રીસ વરસોમાં જસુબહેને ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, સરદાર પટેલ, ઝાંસીની રાણી, જ્યોતિબા ફૂલે, નર્મદ, દીનદયાલ ઉપાધ્યાય, જવાહરલાલ નહેરુ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ઇન્દિરા ગાંધી, રવિશંકર મહારાજ, મહારાણા પ્રતાપ, શિવાજી, મોરારજી દેસાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક, વિક્રમ સારાભાઈ, રાજીવ ગાંધી, હરેન પંડ્યા આદિનાં પૂરા કદમાં અથવા તો પૂરા કદ કરતાં પણ વિશાળ કદમાં કાંસામાંથી શિલ્પો ઘડ્યાં છે. તેમણે ઘડેલું બિલ ક્લિન્ટનનું શિલ્પ અમેરિકાના વ્હાઇટ હાઉસમાં છે. ગાંધીજીનાં તો તેમણે ઘણાંબધાં શિલ્પ બનાવ્યાં છે, જેમાંથી એક શિકાગોમાં છે. તેમણે ઘડેલું ઝાંસીની રાણીનું શિલ્પ 6.29 મી. ઊંચું અને 5.57 મી. પહોળું અને 4,500 કિગ્રા. વજન ધરાવે છે. આગલા બે પગ હવામાં અધ્ધર કરેલી મુદ્રામાં છે. હાલમાં તે અમદાવાદના સૅટેલાઇટ રોડ પર ઉમિયાવિજય સોસાયટી જતા માર્ગના ત્રિભેટે છે.

માઇકલૅન્જેલોની માફક પથ્થરમાંથી બિનજરૂરી ભાગ દૂર કરવાની ‘બાદબાકી’ની પદ્ધતિ નહિ, પણ રોદાંની માફક સ્તર ઉપર સ્તર ચડાવતા જવાની ‘યોગ’ની પદ્ધતિ જસુબહેનને પ્રિય છે.

અમદાવાદની સંસ્થા જ્યોતિસંઘે તેમને શિલ્પસર્જન માટે સન્માન્યાં છે. લિમ્કા બુક ઑવ્ રેકૉર્ડ્ઝમાં મોટા કદના અને વધુ વજન ધરાવતાં શિલ્પો કંડારનાર એકમાત્ર મહિલા શિલ્પકાર તરીકેનો તેમનો ઉલ્લેખ, 2000માં અમેરિકન બાયૉગ્રાફિકલ ઇન્સ્ટિટ્યૂટ તરફથી પ્રકાશિત થયેલ ‘Who’s Who of Professional and Business World’ના સાતમા સંસ્કરણમાં છે. અમેરિકાની આ જ સંસ્થા દ્વારા ‘વૂમન ઑવ્ ધ યિઅર  2000’ તરીકે જસુબહેનનું સન્માન કરવામાં આવ્યું છે. વર્ષ 1993-96ના ગાળામાં જસુબહેન ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની સંચાલન-સમિતિનાં સભ્ય રહી ચૂક્યાં છે.

1989માં પતિનું અવસાન થતાં પોતાનાં પુત્રી અને પુત્ર – આ બંનેના ઉછેરની જવાબદારી પણ જસુબહેને અદા કરી. આજે પુત્રી ધારા અને પુત્ર ધ્રુવ શિલ્પકલાનું શિક્ષણ પૂરું કરી જસુબહેનને શિલ્પકારીના વ્યવસાયમાં મદદ કરતાં હોય છે. જસુબહેને અત્યાર સુધી કાં તો પતિ સાથે અથવા એકલા હાથે 300 કરતાં પણ વધુ શિલ્પાકૃતિઓ કંડારી છે. તેમણે અમદાવાદમાં ‘એમ. શિલ્પી સ્ટુડિયો’ની સ્થાપના કરી છે. દરમિયાન તેમને ભયંકર માર્ગ-અકસ્માત નડ્યો હતો, છતાં સહાયકોની મદદથી તેમણે શિલ્પો કંડારવાનું ચાલુ જ રાખ્યું હતું.

અમિતાભ મડિયા