શિવાજી (. 6 એપ્રિલ 1627, શિવનેરનો કિલ્લો, જુન્નર પાસે, મહારાષ્ટ્ર; . 4 એપ્રિલ 1680, રાયગઢ, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રમાં સ્વરાજના સ્થાપક, મહાન સેનાપતિ અને કુશળ વહીવટકર્તા. શિવાજીના પિતા શાહજી ભોંસલે પુણે પાસે એક જાગીર ધરાવતા હતા અને બીજાપુર રાજ્યની નોકરીમાં હતા. શિવાજી પુણેમાં માતા જીજાબાઈ તથા દાદાજી કોંડદેવ સાથે રહેતા હતા. ધાર્મિક ભાવનાવાળી માતાએ રામાયણ, મહાભારત તથા પુરાણોમાંની શૌર્ય તથા બલિદાનની રસપ્રદ વાર્તાઓ કહીને શિવાજીમાં રાષ્ટ્રભક્તિ તથા ઉચ્ચ સંસ્કારોનું સિંચન કર્યું હતું. દાદાજી કોંડદેવે શિવાજીમાં વહીવટી કુશળતા, વીરતા તથા ઉચ્ચ ચારિત્ર્યના ગુણો કેળવ્યા. શિવાજીએ તલવારબાજી, ઘોડેસવારી, ભાલાફેંક, પટ્ટાબાજી, કિલ્લા પર આરોહણ, મલ્લયુદ્ધ, તરવું વગેરે શીખી લીધું. ગુરુ રામદાસ તથા તુકારામ જેવા સંતોનો પણ તેમના જીવન ઉપર પ્રભાવ પડ્યો હતો. રામદાસે સ્વદેશ-પ્રેમ, જાતિપ્રેમ અને ધર્મનું રક્ષણ કરવાને મહત્વ આપ્યું હતું.

શિવાજીએ પુણે પાસેના માવળ પ્રદેશમાંથી માવળા જાતિના સૈનિકો મેળવી તેમનામાં લડાયક શક્તિ કેળવી. ઈ. સ. 1644માં સિંહગઢ જીતીને શિવાજીએ બીજાપુર રાજ્ય સામે ખુલ્લો બળવો પોકાર્યો. ત્યારબાદ રોહિનાનો કિલ્લો કબજે કર્યો અને રાયગઢના કિલ્લાનું નિર્માણ કર્યું. તે પછી ચકન તથા તોરણના કિલ્લા કબજે કર્યા. તોરણના કિલ્લામાંથી શિવાજીને પુષ્કળ સંપત્તિ મળી. તે પછી પુરંદરનો મજબૂત કિલ્લો શિવાજીએ કબજે કર્યો. શિવાજીની વધતી જતી શક્તિ માટે પિતા  શાહજીને જવાબદાર માનીને બીજાપુરના સુલતાને તેમને કેદ કર્યા. શિવાજીએ યુક્તિપૂર્વક પિતાને મુક્ત કરાવ્યા. ત્યારબાદ શિવાજીએ સૂપા, રાજગઢ, બારામતી, ઇન્દાપુર અને કોન્ડાણાના કિલ્લાઓ જીતી લીધા. આમ પુણેની આજુબાજુના બધા કિલ્લાઓ શિવાજીએ જીતી લેવાથી તેમની શક્તિમાં નોંધપાત્ર વધારો થયો. સતારાની વાયવ્ય સરહદે આવેલ જાવલીનો કિલ્લો લશ્કરી વ્યૂહરચનાની દૃષ્ટિએ મહત્વનો હોવાથી તે કિલ્લો શિવાજીએ છળકપટ દ્વારા કબજે કર્યો. આ વિજય તેમને લાભદાયી તથા મહત્વનો પુરવાર થયો. તે પછી રાજ્યવિસ્તાર માટેનો તેમને માર્ગ ખુલ્લો થઈ ગયો. આ બનાવ પછી મરાઠા જાગીરદારો તરફથી શિવાજીનો વિરોધ લગભગ નહિવત્ બની ગયો. જાવલીની જીત પછી શિવાજીએ પ્રતાપગઢ નામનો નવો કિલ્લો બાંધ્યો, જે તેમના રાજ્યવિસ્તારમાં ઉપયોગી થયો.

શિવાજી

શિવાજીએ પોતાના લશ્કરના જાસૂસી વિભાગનો સારો વિકાસ કર્યો હતો. તેમને બાતમી મળી કે બીજાપુરના સુલતાન આદિલશાહે કલ્યાણના સૂબાને ત્યાંનો ખજાનો બીજાપુર મોકલવા જણાવ્યું હતું. શિવાજીએ ઓચિંતો હુમલો કરીને તે ખજાનો લૂંટી લીધો; અને કલ્યાણ પણ જીતી લીધું. શિવાજીના સરદાર અબાજી સોનદેવના હાથમાં આ વખતે સૂબાની સુંદર પુત્રવધૂ આવતાં તેણે તેને શિવાજીને ભેટ ધરવા પુણે મોકલી. શિવાજી તેનું સૌન્દર્ય જોઈ બોલ્યા કે, ‘મારી માતા આટલી સુંદર હોત તો કેવું સારું !’  આ શબ્દો સાથે તેણે સૂબાની પુત્રવધૂને માન સહિત પાછી મોકલી. તેમણે અબાજી સોનદેવને આ કાર્ય બદલ સખત ઠપકો આપ્યો. શિવાજીના ઉમદા ચારિત્ર્યનું આ ઉત્તમ ઉદાહરણ છે. ત્યારબાદ સંપૂર્ણ કોંકણ ઉપર શિવાજીએ આધિપત્ય સ્થાપ્યું.

શિવાજીની વધતી જતી સત્તા બીજાપુર રાજ્ય માટે ભયરૂપ બનવાથી 12,000ના લશ્કર સાથે સેનાપતિ અફઝલખાનને મોકલવામાં આવ્યો. તેણે ગામડાંઓ તથા મંદિરોમાં લૂંટ કરી અને પ્રતાપગઢ પાસેનાં જંગલમાં શિવાજીની સાથે મુલાકાત ગોઠવી. શિવાજીએ અફઝલખાનની મુલાકાતનો હેતુ જાણી લીધો હોવાથી સ્વરક્ષણ વાસ્તે બખ્તર અને વાઘનખ પહેર્યાં હતાં. પડછંદ અને કદાવર કાયાવાળો અફઝલખાન શિવાજીને ભેટ્યો ત્યારે તેણે શિવાજીને મારી નાખવાનો પ્રયાસ કર્યો; પરંતુ શિવાજીએ સમયસૂચકતા વાપરી વાઘનખ વડે અફઝલખાનનાં આંતરડાં ખેંચી કાઢીને મારી નાખ્યો. સેનાપતિ મરણ પામતાં તેનું લશ્કર નાસી ગયું. નાસતા સૈનિકોની પણ કતલ કરવામાં આવી.

શિવાજીએ તે પછી પન્હાલા તથા વિશાળગઢના કિલ્લા કબજે કર્યા. તેમાં તેમના સરદારો નેતાજી પાલકર અને અન્નાજી દત્તાએ મહત્વની કામગીરી બજાવી. બીજાપુર રાજ્યના કર્નુલના સૂબા સીદી જૌહરે પન્હાલાના કિલ્લાને ઘેરી લીધો, અને રાજાપુરની અંગ્રેજ કોઠીની તોપોની મદદ લીધી. આ દરમિયાન ઔરંગઝેબના દક્ષિણના સૂબા શાઇસ્તખાને શિવાજીનો પુણેનો લાલમહેલ કબજે કર્યો. શિવાજી 13 જુલાઈ, 1660ની મધ્યરાત્રિએ ભારે વરસાદ વચ્ચે પન્હાલાથી વિશાળગઢ ગુપ્તમાર્ગે નાસી ગયા. આ સમયે શિવાજીની પાછળ પડેલા બીજાપુરના લશ્કરને શિવાજીના સરદાર બાજી પ્રભુ દેશપાંડેએ માર્ગમાં સાંકડી ખીણ પાસે રોકી રાખ્યું. તેથી શિવાજી સહીસલામત વિશાળગઢ પહોંચી ગયા. ઈ. સ. 1660માં શિવાજીએ પન્હાલા બીજાપુરને સોંપીને તેની સાથે સંધિ કરી લીધી.

શિવાજીએ સિંહગઢથી 400 માવળા સૈનિકો લઈ, તેમને મુઘલ સૈનિકોનો પોશાક પહેરાવી, પુણેમાં તેમના લાલ મહલમાં રહેતા શાઇસ્તખાન પર 1663ના એપ્રિલની એક રાત્રે હુમલો કર્યો. તેમાં મુઘલ સૈનિકોની કતલ કરી. શાઇસ્તખાન નાસી ગયો. આ અણધારી સફળતાથી શિવાજીની પ્રતિષ્ઠા વધી. ઔરંગઝેબે શાઇસ્તખાનની બદલી કરી બંગાળના સૂબા તરીકે મોકલ્યો અને તેના સ્થાને જોધપુર-નરેશ જશવંતસિંહને નીમ્યો.

શિવાજીએ 1664ના જાન્યુઆરીમાં સૂરતમાં લૂંટ કરી અને બાળ્યું. તેમાં તેમને રૂપિયા એક કરોડથી વધારેની સંપત્તિ મળી. ઔરંગઝેબે દક્ષિણના સૂબા તરીકે રાજા જયસિંહને મોકલ્યો. તેણે કુશાગ્ર બુદ્ધિથી દક્ષિણનાં તમામ રાજ્યોના શાસકોને મિત્રો બનાવી પુરંદરના કિલ્લાને ઘેરી લીધો. શિવાજીએ તાબે થવામાં ડહાપણ જોયું. તેમણે મુઘલો સાથે જૂન, 1665માં પુરંદરની સંધિ કરી. તે મુજબ શિવાજીએ પોતાના 23 કિલ્લા મુઘલોને આપ્યા તથા ઔરંગઝેબના ખંડિયા રાજા થવાનું સ્વીકાર્યું. શિવાજીએ તેના પુત્ર શંભાજી સાથે મુઘલ દરબારમાં હાજરી આપવાનું સ્વીકાર્યું.

શિવાજી મે, 1666માં શંભાજી અને આશરે 300 સેવકો સાથે આગ્રા ગયા અને મુઘલ દરબારમાં હાજર રહ્યા. ત્યાં તેમને યોગ્ય દરજ્જો ન મળવાથી, શિવાજી ગુસ્સે થયા. ઔરંગઝેબે શિવાજી અને શંભાજીને નજરકેદ કર્યા. તેથી શિવાજીએ યુક્તિ કરી બીમાર પડવાનો ઢોંગ કર્યો. પોતાના અંતિમ દિવસો છે એમ જણાવી ગરીબોને દાન કરવાની પરવાનગી મેળવી, મીઠાઈના ટોપલામાં બેસીને પિતાપુત્ર નાસી ગયા. સંન્યાસીના વેશમાં શિવાજી સપ્ટેમ્બર, 1666માં રાયગઢ પહોંચ્યા. આગ્રાના વસવાટ દરમિયાન શિવાજીને મુઘલ વહીવટી તંત્ર તથા રીતભાતનો અમૂલ્ય અનુભવ મળ્યો.

આગ્રાથી પાછા ફર્યા બાદ શિવાજીએ બે વર્ષ સંગઠન મજબૂત કરવામાં વિતાવ્યાં. મુઘલો સાથે શિવાજીએ 1667માં સંધિ કરી અને નવા સૂબા જશવંતસિંહે તેમને ‘રાજા’નો ખિતાબ અપાવવામાં સફળતા મેળવી. બીજાપુર અને ગોલકોંડાએ સ્વતંત્ર રાજા તરીકે શિવાજીનો સ્વીકાર કર્યો. શિવાજીએ આ બંને રાજ્યો પાસેથી ચૉથ વસૂલ કરી. તેમણે ભિવંડી, પુરંદર, સિંહગઢ વગેરે કિલ્લા પુન: મેળવી લીધા. સિંહગઢનો કિલ્લો જીતવામાં શિવાજીનો સિંહ જેવો બહાદુર સરદાર તાનાજી માર્યો ગયો. ઈ. સ. 1670માં શિવાજીએ સૂરત બીજી વાર લૂંટીને પુષ્કળ સંપત્તિ મેળવી. 1672માં સાલહર પાસે મુઘલમરાઠા વચ્ચે લડાઈ થતાં મુઘલોનો પરાજય થયો. શિવાજીને મુઘલોના ઘોડા, સરસામાન અને કીમતી ખજાનો મળ્યાં. બીજાપુરના આદિલશાહ બીજાનું અવસાન થયું. તે અવસરનો લાભ લઈને શિવાજીએ પન્હાલાનો કિલ્લો પુન: કબજે કરી લીધો.

શિવાજીએ જૂન, 1674માં વારાણસીના પ્રખ્યાત પંડિત ગાગા ભટ્ટ પાસે, રાયગઢ મુકામે ધામધૂમથી પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો. તેમને મહારાષ્ટ્રના ‘છત્રપતિ’ જાહેર કરવામાં આવ્યા. રાજ્યાભિષેક પછી અગિયારમે દિવસે જીજાબાઈનું અવસાન થયું. ઔરંગઝેબે શિવાજીને હરાવવા જુદા જુદા સેનાપતિઓને અજમાવી જોયા, પરંતુ તેમાં કોઈને સફળતા ન મળી.

બીજાપુરનો વફાદાર સામંત તાંજોરનો રાજા એકોજી શિવાજીનો સાવકો ભાઈ હતો. તેણે 1675માં પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો હતો. તે શિવાજીની વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરતો હતો. છેલ્લે બંને ભાઈઓ વચ્ચે સમાધાન થયું. એકોજીએ તેના રાજ્યનો કેટલોક પ્રદેશ શિવાજીને આપ્યો. શિવાજીએ તાંજોરના રાજા તરીકે એકોજીને સ્વીકાર્યો તથા બંનેએ પરસ્પર મદદ કરવાનાં વચન આપ્યાં.

શિવાજીનો પુત્ર સંભાજી અયોગ્ય વર્તન કરતો. તેને પન્હાલાના કિલ્લામાં નજરકેદ રાખ્યો હતો. તે ત્યાંથી નાસીને મુઘલ સેનાપતિ દિલીરખાનને મળ્યો. કેટલોક પ્રદેશો કબજે કરવામાં નિષ્ફળતા મળવાથી પાછો ફર્યો. આવા વિકટ સંજોગોમાં શિવાજી બીમાર પડ્યા અને મરણ પામ્યા.

શિવાજી એક રાષ્ટ્રનિર્માતા, મહાન સેનાપતિ અને કાબેલ શાસક હતા. તેમણે મરાઠાઓમાં રાષ્ટ્રીયતાની ભાવના રેડી. શિવાજી ધર્મસહિષ્ણુ હતા અને મસ્જિદોનું પણ સન્માન કરતા. તેમણે વંશપરંપરાગત હોદ્દા નાબૂદ કર્યા; કોમ કે ધર્મના ભેદ વિના નોકરીઓ આપી. તેમણે મુઘલોના પ્રદેશોમાં રંજાડ કરવા છતાં મુસ્લિમ મહિલા કે બાળકને કદી અપમાનિત કરેલ નથી. તેઓ ધર્મપરાયણ અને પ્રામાણિક રાજપુરુષ તથા કુશળ અને કાર્યદક્ષ વહીવટકર્તા હતા.

જયકુમાર ર. શુક્લ