શિવહર (Sheohar) : બિહાર રાજ્યના તિરહાટ વિભાગમાં ઉત્તર તરફ આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે આશરે 26° 40´થી 27° 30´ ઉ. અ. અને 85° 30´થી 86° 00´ પૂ. રે. વચ્ચેનો 443 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જિલ્લાની ઉ.-દ. લંબાઈ પૂ.-પ. પહોળાઈ કરતાં વધુ છે. તેની ઉત્તરે નેપાળ, પૂર્વમાં સીતામઢી જિલ્લો, દક્ષિણે મુઝફ્ફરપુર અને પૂર્વ ચંપારણ જિલ્લો તથા પશ્ચિમમાં પૂર્વ ચંપારણ જિલ્લો આવેલા છે. જિલ્લામથક શિવહર જિલ્લાની મધ્યમાં આવેલું છે.

શિવહર જિલ્લો

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ સમતળ મેદાની છે. તેની ઊંચાઈ ક્યાંય પણ 80 મીટરથી વધતી નથી, તેમાં માત્ર નદીજન્ય ભૂમિધોવાણથી ઉદ્ભવેલી અનિયમિતતાઓ જોવા મળે છે. જિલ્લાને બે મુખ્ય કુદરતી પ્રદેશોમાં વહેંચેલો છે : (i) બાગમતી અને લાખેન્ડી નદીઓ વચ્ચેની ભૂમિ : તે નીચાણવાળી હોવાથી ત્યાં પૂરની પરિસ્થિતિ રહ્યા કરે છે. આ કારણે અહીં વારાફરતી ડાંગર અને ઘઉંના કૃષિપાકો લેવાય છે. (ii) ઈશાની વિસ્તાર : રીગા અને મેજરગંજ ઘટકોથી બનેલો આ વિસ્તાર પણ ખૂબ જ નીચાણવાળો છે, તે બાગમતી નદીના પૂરથી છવાઈ જાય છે.

જિલ્લાનો મુખ્ય જળપરિવાહ બાગમતી, લાખેન્ડી અને અંધવારા જૂથની નદીઓથી બનેલો છે. આ નદીઓમાં વર્ષાઋતુમાં પૂર આવે છે, જ્યારે ઉનાળા દરમિયાન તે સૂકી બની જાય છે.

ખેતી : ડાંગર અને ઘઉં અહીંના મુખ્ય કૃષિપાકો છે. આ ઉપરાંત અહીં શેરડી, તેલીબિયાં અને ચણા પણ થાય છે. અહીં સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોએ ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા જાતે કરવાની રહે છે. શ્રીમંત ખેડૂતો ટ્યૂબવેલ અને ડીઝલ- પંપસેટની વ્યવસ્થા કરે છે, સરકાર તેમાં જરૂરી સહાય કરે છે.

ઉદ્યોગ-વેપાર : અહીંના ઉદ્યોગો મોટેભાગે તો કૃષિપેદાશો પર આધારિત છે. ચોખાની અને તેલની મિલો અહીંની ડાંગર-તેલીબિયાં પર આધારિત છે. બૈરાગિયા નગર ખાતે પગરખાં, ટ્રંક (પેટીઓ) અને બિસ્કિટ બનાવાય છે, રીગા ખાતે એક ખાંડની મિલ આવેલી છે. અહીંથી અળસી, મસૂર અને ધાણાની નિકાસ થાય છે; મીઠું, કેરોસીન, ખાદ્ય તેલ અને મસાલાની આયાત કરવામાં આવે છે.

પરિવહન : જિલ્લાના જુદા જુદા ભાગો સડકમાર્ગોથી સંકળાયેલા છે. અહીંની ભૂમિ પોચી હોવાથી વર્ષાઋતુ દરમિયાન પૂરથી ધોવાઈ જતા માર્ગોની જાળવણી કર્યા કરવી પડે છે. સીતામઢી-મુઝફ્ફરપુર માર્ગ શિવહર સાથે જોડાયેલો છે. જિલ્લામથક શિવહર સમાજ-વિકાસ ઘટકો સાથે માર્ગોથી જોડાયેલું છે.

પ્રવાસન : સીતામઢીથી આશરે 19 કિમી.ને અંતરે દેવકુલી (ધેકુલી) ખાતે એક શિવાલય આવેલું છે, ત્યાં દર વર્ષે શિવરાત્રિ ટાણે મોટો મેળો ભરાય છે, લોકવાયકા મુજબ દ્રૌપદીનો જન્મ અહીં થયેલો હોવાની માન્યતા છે. અહીંના બોધાયનસર નામના પવિત્ર સ્થાનક પર મહર્ષિ બોધાયને ઘણાં કાવ્યોની રચના કરેલી. એમ કહેવાય છે કે વૈયાકરણી પાણિનિ તેમના શિષ્ય હતા. અહીંનાં જાણીતા સંત દેવરાહ બાબાએ આ સ્થળે બોધાયન મંદિરનો પાયો નાખેલો. સીતામઢીથી વાયવ્યમાં 26 કિમી. દૂર શુકદેવ મુનિનું ‘શુકેશ્વરસ્થાન’ તથા શુકેશ્વરનાથ નામનું મહાદેવનું એક પ્રાચીન મંદિર આવેલું છે. જિલ્લાનાં જુદાં જુદાં સ્થાનોમાં વર્ષના મુખ્ય તહેવારો નિમિત્તે મેળા ભરાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 5,14,288 જેટલી છે. તે પૈકી 95 % વસ્તી ગ્રામીણ અને 5 % શહેરી છે. હિન્દી અને ઉર્દૂ અહીંની મુખ્ય ભાષાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ મધ્યમસરનું છે. જિલ્લાના બૈરાગનિયા નગરમાં શિક્ષણની તથા તબીબી સેવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને એક ઉપવિભાગમાં અને છ સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. શિવહર અને બૈરાગનિયા અહીંનાં માત્ર બે નગરો છે; બાકીનો બધો ગ્રામીણ વિસ્તાર છે.

ઇતિહાસ : સીતામઢીના મૂળ જિલ્લાના  પશ્ચિમ ભાગને અલગ કરી આ જિલ્લાની રચના કરવામાં આવેલી છે, તેથી તેનો ઇતિહાસ સીતામઢી જિલ્લાના ઇતિહાસ સાથે સંકળાયેલો છે.

ગિરીશભાઈ પંડ્યા