શિવસેના : મહારાષ્ટ્રનો 1966માં સ્થપાયેલ કટ્ટર હિંદુત્વવાદી અને ચુસ્ત પ્રદેશવાદી રાજકીય પક્ષ. મહારાષ્ટ્રમાં ‘ધરતીના પુત્રો’(sons of the soil)ને પ્રાથમિકતા મળવી જોઈએ – એ તેનું ધ્યેય છે. દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજન પછી મહારાષ્ટ્રનું અલગ રાજ્ય રચાયું ત્યારે મહારાષ્ટ્રની પ્રજાનો અવાજ બુલંદ બનાવવા ટોચના મહારાષ્ટ્રવાસીઓની એક બેઠક બોલાવવામાં આવેલી. આ સૌએ એક નવું મંડળ સ્થાપવાનું અને તેનું નામ ‘મહારાષ્ટ્ર મિત્રમંડળ’ રાખવાનું નક્કી કર્યું. બાળ ઠાકરે તથા તેમના પિતા પ્રબોધનકાર ઠાકરે આ સભામાં હાજર હતા. બાળ ઠાકરેના પિતાએ આ મંડળનું નામ ‘શિવસેના’ રાખવા સૂચવ્યું, જે માન્ય રાખવામાં આવતાં ‘મહારાષ્ટ્ર મિત્રમંડળ’ને સ્થાને ‘શિવસેના’ અસ્તિત્વમાં આવી.
1965ના દશેરાના દિવસે મુંબઈના શિવાજીપાર્ક(શિવસેનાના શબ્દોમાં ‘શિવતીર્થ’)માં બાળ ઠાકરેએ એક જાહેર ભાષણ આપ્યું અને પહેલી વાર ‘મરાઠી માણૂસ’નું સંબોધન ઉપયોગમાં લીધું અને મરાઠીવાદનો આરંભ કર્યો. શિવસેનાની શાખાઓ સ્થપાઈ અને તે દ્વારા સામાજિક કાર્યો હાથ ધરાતાં એ દ્વારા શિવસેનાએ નોંધપાત્ર વિધેયાત્મક કામગીરી શરૂ કરી. 1968થી શિવસેનાએ રાજકીય ક્ષેત્રે પ્રવેશી ચૂંટણી લડવાની જાહેરાત કરતાં તે મહત્વના રાજકીય પક્ષ તરીકે મહારાષ્ટ્ર રાજ્યમાં સક્રિય બની. દશેરાને સ્થાપનાદિન ગણી પ્રત્યેક વર્ષે ભવ્ય રેલી યોજવાની પરંપરા આ પક્ષે વિકસાવી. તે પછી મહારાષ્ટ્રીયનોના બોલકા પ્રતિનિધિ તરીકે તેણે અવાજ ઉઠાવવો શરૂ કર્યો. બાળ ઠાકરે કોઈ પણ જાતની લોકશાહી રીતરસમ અપનાવ્યા વિના શિવસેનાના ‘સર્વ-સ્વીકાર્ય’ પ્રમુખ બની ગયા. વધુમાં તેમણે ધારદાર અને વ્યંગાત્મક શૈલીમાં ભાષણો દ્વારા મરાઠીવાદને પ્રોત્સાહન પૂરું પાડ્યું. શિવસેનાએ છત્રપતિ શિવાજી જેવો ભગવો ધ્વજ રાખી એ પ્રતીકનો પોતાના લાભ માટે ઉપયોગ કર્યો છે. ગણેશોત્સવ, શિવજયંતી જેવા ધાર્મિક અને સામાજિક સમારંભો પર તેણે તેની પકડ ક્રમશ: મજબૂત કરી છે. ‘આમચી મુંબઈ’ અને ‘જય મહારાષ્ટ્ર’ના નારા આ પક્ષની સંકુચિત પ્રાદેશિકતાના દ્યોતક છે. મરાઠી એટલે શિવસેના અને શિવસેના એટલે મરાઠી એવું સમીકરણ આ પક્ષે બાંધ્યું છે. આથી ઇતર ભારતીયોને ‘બહારના’ તરીકે ઓળખાવે છે અને તેઓ પ્રત્યે અસહિષ્ણુતા વ્યક્ત કરે છે. તે સાથે તેઓ કટ્ટર હિંદુવાદને સમર્થન પૂરું પાડે છે. આથી પાકિસ્તાનની ક્રિકેટ ટીમને મુંબઈમાં નહિ રમવા દેવાનું એલાન આપવામાં, ક્રિકેટ-પીચ કે બાબરી મસ્જિદ શિવસૈનિકો દ્વારા તોડવામાં તેઓ ગૌરવ અનુભવે છે. આ પક્ષે હિંદુઓ અને હિંદુત્વના રક્ષક તરીકેની છાપ ઉપસાવી છે. બાળ ઠાકરે તેના એકમાત્ર પ્રમુખ નેતા તરીકે જાણીતા છે. તેઓ શિવસેનાના સ્થાપક-પ્રમુખ અને પ્રખર હિંદુત્વવાદી નેતા છે. શિવસેનાથી તેમની રાજકીય કારકિર્દીનો આરંભ થયો. મહારાષ્ટ્રના વેપાર-વણજ, વ્યવસાયો અને નોકરીઓમાં તેના વતનીઓને જ (‘ધરતીના પુત્રો’ sons of the soil) સ્થાન મળવું જોઈએ એવા દુરાગ્રહ સાથે શિવસેનાને તેમણે સક્રિય રાખી. હિંદુત્વની વિચારસરણી તરફ ઢળેલાં વલણોને કારણે આ પક્ષ અન્ય રાજ્યોમાં લોકમાન્યતા પામી શક્યો નથી. આમ છતાં વર્ષ 2005 સુધી તે મહારાષ્ટ્રનો એક લોકપ્રિય પક્ષ રહ્યો તે નોંધવું જોઈએ. પક્ષના મુખપત્ર ‘સામના’નું સંપાદનકાર્ય મુખ્ય નેતા બાળ ઠાકરે હસ્તક રહ્યું છે. 1995માં શિવસેના અને ભાજપે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં જોડાણ સાધતાં તેને એ ચૂંટણીમાં બહુમતી મળી હતી અને બંને પક્ષોની સંયુક્ત સરકાર મહારાષ્ટ્ર રાજ્યમાં રચાયેલી. આમ પ્રથમ વાર શિવસેનાએ ભાજપ સાથે મળી સત્તાનાં સૂત્રો હાથ ધર્યાં હતાં. મુંબઈ તેમજ રાજ્યનાં અન્ય શહેરો, જિલ્લા અને તાલુકાઓમાં તે પોતાની બહુમતી ધરાવતી નગરપંચાયતો રચી શક્યો હતો. આમ સમગ્ર રાજ્યમાં તે ભારે રાજકીય ‘વર્ચસ્’ ધરાવતો રાજકીય પક્ષ બની રહ્યો. 20મી સદીનાં છેલ્લાં વર્ષોમાં કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રીય લોકશાહી મોરચાની સરકારનો તે એક ઘટક પક્ષ પણ હતો.
1970માં વિધાનસભાના પરેલ મતવિસ્તારમાં એક પેટાચૂંટણી યોજાયેલી જેમાં શિવસેનાના ઉમેદવાર વામનરાવ મહાડિક ચૂંટણી જીતી ગયેલા. ત્યારથી 2000 સુધી શિવસેનાનો સિતારો તેજીમાં રહ્યો. 1985માં મુંબઈ નગર નિગમમાં બહુમતી મેળવી. બૉમ્બેનું ‘મુંબઈ’ નામકરણ થયું અને તેના નેતા છગન ભુજબળ મુંબઈના નગરપતિ બન્યા. 1993માં મુંબઈમાં થયેલા બૉમ્બ-વિસ્ફોટો સમયે વિવિધ વિસ્તારોમાં હુમલાઓ, નાણાં પડાવવાની પ્રવૃત્તિઓ અને ધાકધમકીઓ દ્વારા માફિયા જૂથોને તેણે ટેકો આપેલો. હિંસા અને ભય ફેલાવી ઇતર સ્થાનિક રહેવાસીઓને આ પક્ષ ભયભીત કરી ગયેલો.
1995માં સત્તાપ્રાપ્તિ સાથે સત્તાકીય ખટપટો પણ આરંભાઈ અને તેના એક અગ્રણી નેતા છગન ભુજબળે પક્ષમાં બંડ પોકાર્યું. વિવિધ ચૂંટણીઓમાં ચૂંટણી પંચે ધાર્મિક બાબતો અંગે કડક વલણ અખત્યાર કરતાં સપ્ટેમ્બર, 2004માં પક્ષપ્રમુખે પંચને હુંકાર સાથે જણાવેલું કે અમે અમારી રીતે પ્રચાર કરવાનું ચાલુ રાખીશું. વળી ચૂંટણી પંચ ધર્મ અને રાજકારણ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરે, એવી માગણી પણ આ પક્ષે રજૂ કરી. ચૂંટણી પંચ, કેન્દ્ર-સરકાર કે અન્ય સત્તાવર્તુળો સાથે અહમ્ભર્યો ટકરાવ આ પક્ષ ટાળી શક્યો નથી. મહારાષ્ટ્રના રાજકારણને ‘રીમોટ કંટ્રોલ’થી ચલાવવાની શક્તિ તેના પ્રમુખ બાળ ઠાકરેએ અનેક વાર પ્રદર્શિત કરી છે. સમયાંતરે ઠાકરે કુટુંબના નબીરાઓ બાળ ઠાકરેના પ્રવક્તા બન્યા. પક્ષમાં ‘ઠાકરે પરિવાર’નું વર્ચસ્ વધવા લાગ્યું. પરંતુ સમય જતાં કુટુંબના આંતરિક વિખવાદના ઓછાયા શિવસેના પર પડ્યા. શિવસેનાના પ્રથમ બંડખોર નેતા છગન ભુજબળને ‘લખોબા લોખંડે’ નામ આપી ગદ્દાર ચિત્રિત કરવાનો શિવસેનાનો પ્રયાસ હતો. ત્યારબાદ તેના પ્રથમ હરોળના બીજા એક નેતા સંજય નિરૂપમે આવા જ મતભેદોને કારણે પક્ષ છોડ્યો. આ જ હકીકત પક્ષના અન્ય અગ્રણી નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેને લાગુ પડી. માલવણ મતવિસ્તારની વિધાનસભાની 2005ની પેટા ચૂંટણીમાં નારાયણ રાણે ભારે બહુમતીથી ચૂંટાયા અને શિવસેનાના ઉમેદવારની ડિપૉઝિટ જપ્ત થઈ. વળી નારાયણ રાણે તેમના ટેકેદારો સાથે કૉંગ્રેસમાં સામેલ થયા. આ બધાંને અંતે પક્ષપ્રમુખ બાળ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરે અને પુત્ર ઉદ્ધવ ઠાકરે વચ્ચેનો સંઘર્ષ અને પ્રમુખપુત્ર ઉદ્ધવ ઠાકરે પ્રત્યેના બાળ ઠાકરેના પક્ષપાતી વલણને કારણે રાજ ઠાકરેએ શિવસેના છોડવાનું મુનાસિબ માની નવા રાજકીય પક્ષની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. શિવસેના સાથે ઠાકરેવાદનું આ ભંગાણ પક્ષ અને નેતૃત્વ બંનેને નબળાં પાડનારું છે. પક્ષમાં મરાઠીભાષી આમજનતાની ખેવના વ્યક્ત થવા કરતાં વંશપરંપરાગત શાસનના ઠાકરેવાદને ઊંચું મહત્વ આપવાનું વલણ તેને ભંગાણ પ્રતિ દોરી ગયું છે. મહારાષ્ટ્રમાં પ્રભુત્વ ધરાવનાર આ પક્ષ 2005 સુધીની લગભગ 40 વર્ષની કારકિર્દીને અંતે વિભાજનને આરે પહોંચી ગયો છે.
પક્ષની અગત્યની તવારીખ :
1968 | : | મુંબઈ મ્યુનિ. કૉર્પોરેશનમાં પ્રજાતંત્ર સમાજવાદી પક્ષ સાથે મળીને 42 બેઠકો મેળવી. |
1969 | : | મહારાષ્ટ્ર-કર્ણાટક સીમાવિવાદને લઈને હિંસક બનાવો. કન્નડ લોકોની હોટલો પર હુમલા. |
1970 | : | સેના અને સામ્યવાદીઓ વચ્ચે મારામારી (કારણ સી.પી.આઈ. વિધાનસભા-સભ્ય કૃષ્ણ દેસાઈની હત્યા.), કાપડઉદ્યોગમાં સેનાની લોકપ્રિયતામાં વધારો. |
1988 | : | રાજ ઠાકરે દ્વારા (21) બેકાર યુવકોની સભા. |
1989 | : | બાળ ઠાકરે દ્વારા રાજને ભારતીય વિદ્યાર્થી સેનાના પ્રમુખ બનાવાયા. |
1992 | : | ભુજબળનો 18 ધારાસભ્યો સાથે પક્ષનો ત્યાગ. |
1993 | : | બૉમ્બ-ધડાકાના વિરોધમાં શિવસૈનિકોના હિંસક દેખાવો. |
1995 | : | સેના-બીજેપી યુતિને બહુમતી, મનોહર જોશી મુખ્ય મંત્રી. |
1999 | : | નારાયણ રાણે મુખ્ય મંત્રી બન્યા. કૉંગ્રેસ-એનસીપી જોડાણ સામે પરાજય (વિશ્વાસરાવ દેશમુખ મુખ્ય પ્રધાન). |
2001 | : | ઉદ્ધવ ઠાકરે કારોબારીના પ્રમુખ બન્યા (પ્રસ્તાવ રાજ ઠાકરેનો). |
2003 | : | ઉદ્ધવ ઠાકરે દ્વારા ‘મી મુંબઈકર’ મોહિમ રાજ દ્વારા રોજગાર માટે મુંબઈ આવતા લોકો સામે ચળવળ શરૂ કરી. |
2004 | : | વિધાનસભાની ચૂંટણી માટે રાજ ઠાકરે દ્વારા સૂચવેલ નામો ઉદ્ધવ ઠાકરે દ્વારા નામંજૂર. ઉદ્ધવના નેતૃત્વ હેઠળ ચૂંટણીમાં સેનાનો પરાજય. નવેમ્બર, 2004 : માલવણની સભામાં સત્તાત્યાગ કરવાની બાળ ઠાકરેની જાહેરાત. ઉદ્ધવ પ્રમુખ, બાળ ઠાકરે સલાહકાર; ત્યારપછી તા. 25ના રોજ રાજનો ખુલ્લો બળવો. |
2005 | : | નારાયણ રાણે દ્વારા પદત્યાગ. માલવણમાં વિજય. રાજ દ્વારા સેનાનો ત્યાગ. |
2006 | : | મુંબઈના 2,500 શિવસૈનિકોએ પક્ષનો ત્યાગ કરી રાજ ઠાકરે પ્રત્યે વફાદારી જાહેર કરી. |
રક્ષા મ. વ્યાસ